રાજકોટમાં (Rajkot) ગુરુવારે બપોરે એક મોટી દુર્ઘટના બની છે. અહીંના યાજ્ઞિક રોડ પર એક બિલ્ડિંગનો પહેલા માળનો સ્લેબ ધડાકાભેર પડ્યો છે. ઈમારતના કાટમાળ નીચે લોકો અને વાહનો દબાયા છે. ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રાજકોટ ફાયર બ્રિગેડ (Fire Brigade) દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન (Rescue Openation) કરવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર રાજકોટમાં યાજ્ઞિક રોડ પર ઘણી દુકાનો આવેલી છે. અહીં એક દુકાનમાં લોકો દિવાળીની ખરીદી કરવા આવ્યા હતા ત્યારે જ દુર્ઘટના બની હતી. અહીંની ધનલક્ષ્મી બિલ્ડિંગના પહેલાં માળની છત તૂટી પડી છે. છતનો સ્લેબ પડવાના લીધે દુકાનો અને વાહનો દબાયા છે. દુકાનમાં ખરીદી કરેલા ગ્રાહકો અને દુકાન માલિકો પણ દબાયા છે.
ઘટનાને નજરે જોનારા લોકોએ આક્ષેપ કર્યો છે કે ફાયર બ્રિગેડને જાણ કરાઈ તેના 1 કલાક બાદ લાશ્કરો આવ્યા હતા. લોકો જાતે જ સમયસૂચકતા દાખવીને બહાર આવી ગયા હતા. સ્થાનિકો દ્વારા કાચ તોડી ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. યાજ્ઞિક રોડ પર બનેલી આ મોટી દુર્ઘટનાને પગલે ખરીદી કરતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
દરમિયાન ફાયર બ્રિગેડના લાશ્કરોએ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં એવી માહિતી બહાર આવી છે કે કાટમાળની નીચે કોઈ ફસાયું નથી. ઘટનાને પગલે હાલ રસ્તો બંધ કરવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિ સર્જાઇ નથી પરંતુ 7થી વધુ વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. આ દુર્ઘટનામાં અંદાજિત 10થી 15 જેટલા દુકાનદારોને નુકસાન થયેલું છે.
ફાયર બ્રિગેડે કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરી છે. ફાયર વિભાગ અને પીજીવીસીએલની ટીમ ઘટના બન્યાના એક કલાક બાદ પહોંચી છે અને JCBની મદદથી અન્ય ભાગ તોડી, વીજ પુરવઠો બંધ કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.