Business

સુરતીઓ સાવધાન: ટ્રાફિક સિગ્નલના મેમોના બહાને ચીટરો ફોન કરવા લાગ્યા છે, ઓડિયો ક્લીપ સાંભળો..

સુરત: શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના પ્રયાસથી ટ્રાફિક સિગ્નલ વ્યવસ્થાનું પાલન શહેરીજનો કરતા થયા છે. હવે પોલીસ અને પાલિકા વધુ સારી રીતે ટ્રાફિક સંચાલન થાય તેના માટે સહિયારા પ્રયાસ કરી રહ્યાં છે.

આ સકારાત્મક બદલાવ વચ્ચે પણ કેટલાંક ધૂતારા, લૂંટારાઓએ ભોળી પ્રજાને લૂંટવાની તક શોધી લીધી છે. સિગ્નલ બ્રેક કરનારાઓને પોલીસ દંડ ફટકારી રહી છે ત્યારે કેટલાંક ચીટરોએ લોકોને મેમોનો ડર બતાવી ફોન કરી ઠગવાનું શરૂ કર્યું છે. આવો જ એક ફોન સુરતના એક નાગરિકને આવ્યો હતો, જેની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે.

સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલના નામે મોટું સ્કેમ શરૂ થઈ ગયું છે. તમારા વાહન પર મેમો ઈશ્યુ થયા છે, તમે ઓનલાઈન દંડ ભરી દો તો લાયસન્સ કેન્સલ નહીં થશે તેવો ડર બતાવી ચીટરો લોકોને ડરાવી રહ્યાં છે. સુરતના એક નાગરિકને આવો ફોન આવ્યો હતો, જેમાં ફોન કરનાર ઠગે ઉમરા હીરાબાગ પોલીસ સ્ટેશનથી બોલું છું એવું કહ્યું હતું. અહીં જ સુરતના નાગરિકે ચીટરની લુચ્ચાઈ પકડી લીધી હતી.

હીરાબાગ વિસ્તાર સુરતના વરાછામાં આવ્યો છે, જ્યારે ઉમરા વિસ્તાર અઠવાલાઈન્સ નજીક છે. આ બંને વિસ્તારો એકબીજાથી ઘણા દૂર છે. પરંતુ અન્ય રાજ્યમાંથી ફોન કરનારા આ સાયબર ફ્રોડને તે બાબતનો ખ્યાલ હોય નહીં. ચીટર સુરતના નાગરિકને મેમો ઓનલાઈન ભરી દો નહીં તો ઘરે મેમો આવશે, સમન્સ આવશે, લાયસન્સ કેન્સલ થશે, કોર્ટમાં જવું પડશે તેવી વાતો કરી ડરાવે છે, પરંતુ સુરતના નાગરિક ડરતા નથી અને કહે છે કે હું કોર્ટમાં જઈ મેમો ભરીશ. આખરે ચીટર ફોન કટ કરી દે છે.

આ સાથે જ સુરતના તે જાગૃત નાગરિકે ઓડિયો ક્લીપ સાથે એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરી લોકોને જાગૃત કરવાનું કાર્ય કર્યું છે.

આ મામલે સુરત ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ કહ્યું કે, સુરત શહેર ટ્રાફિક પોલીસ તરફથી વાહનચાલકોને કોઈ ફોન કરવામાં આવી રહ્યાં નથી. મેમો તેમના રજિસ્ટર્ડ એડ્રેસ પર મોકલવામાં આવે છે. તે પહેલાં કોઈ ઈન્ટીમેશન કોલ કરાતા નથી. આવા ઠગોથી સુરતની પ્રજાએ એલર્ટ રહેવું જોઈએ.

Most Popular

To Top