સુરત: જીએસટીના (GST) નવા દર જાહેર થયા ત્યારથી જ કાપડ ઉદ્યોગમાં ભયનો માહોલ છે. વેપારી, વીવર્સ, પ્રોસેસર્સ નવા એકસમાન દરનો વિરોધ કરી રહ્યાં છે. ટેકસટાઇલમાં (Textile) જીએસટીનો 12 ટકાનો નવો દર 1 જાન્યુઆરી 2022થી લાગુ થવા જઇ રહ્યો છે. પરંતુ કાપડના વેપારીઓએ (Traders) જૂનો સ્ટોક (Stock) ક્લિયર કરવા માટે અત્યારથી ગ્રે કાપડની (Grey Cloth) ખરીદી બંધ કરતા વિવર્સની (Weavers) હાલત ખરાબ થઇ છે.
ચેમ્બરની ટેકસેશન કમિટીના સહકન્વિનર મયૂર ગોળવાલાએ જણાવ્યું હતું કે, કાપડના વેપારીઓ પાસે અત્યારે જે સ્ટોક પડયો છે તેના પર 5 ટકા જીએસટી લાગુ પડે છે. પરંતુ આજ માલ 1 જાન્યુઆરીએ વેચાશે તો 12 ટકા ડયૂટી ભરવી પડશે. તેને લીધે વિવર્સ ગ્રે કાપડની નવી ખરીદી કરવાનો ટાળી રહ્યા છે. તેની અસર એવી થઇ છે કે, વિવર્સને એક પાળી કામ બંધ કરવાની નોબત આવી શકે છે. બીજી તરફ ફોસ્ટાના પ્રવકતા રંગનાથ શારડાએ જણાવ્યું હતું કે, બે કારણોસર ટ્રેડર્સે ખરીદીને બ્રેક મારી છે. પહેલું કારણ એ છે કે, ટ્રેડર્સ દિવાળી પછી જે સ્ટોક બચ્યો છે તે ક્લિયર કરવા માંગે છે. બીજું કારણ એ છે કે દક્ષિણ ભારતમાં તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, કેરળ અને તેલંગાણામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિને પગલે પોંગલનો 1200 કરોડનો વેપાર ધોવાઇ ગયો છે. પોંગલનો સ્ટોક વેપારીઓ પાસે હજી પડયો છે. તેને લીધે વેપારીઓ ગ્રે કાપડની બિનજરૂરી ખરીદી કરવાનું ટાળી રહ્યા છે.
હાલમાં કાપડ ઉદ્યોગમાં પ્રવાહી સ્થિતિ પ્રવર્તી રહી છે. જીએસટીના નવા દર લાગુ પડનારા હોય હાલમાં વેપારી, વીવર્સ તમામ ખપપૂરતું જ કામ કરી રહ્યાં છે, જેના લીધે વેલ્યૂએડીશન કરતા નાના કામદારો, મહિલાઓ, ટેમ્પોચાલકોની મુશ્કેલી વધી છે. તેઓની આવક ઘટી ગઈ છે. જીએસટીના દર અંગેનો મુદ્દો જો વેળાસર ઉકેલાય નહીં તો કાપડ ઉદ્યોગનમાં ફરી એકવાર 2017માં જીએસટી લાગુ પડ્યું ત્યારે જે સ્થિતિ હતી તેવી થાય તેવો ભય છે.