રાજપીપળા: પીએમ મોદીએ (PM Modi) પોતાના ડ્રીમ પ્રોજેક્ટ (Dream Project) સ્ટેચ્યુ ઓફ યુનિટીનું (Statue of Unity) 31 ઓક્ટોબર-2018ના દિવસે કેવડિયા (Kevadia) ખાતે લોકાર્પણ કર્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના સ્થાનિક આદિવાસીઓ પોતાની વિવિધ માંગોને લઈને અવારનવાર આંદોલન કરતા જ આવ્યા છે. તો બીજી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લે એ માટે બીજી બાજુ સરકાર કેવડિયા વિસ્તારમાં અન્ય પ્રવાસન સ્થળોનું (Tourist destinations) પણ નિર્માણ કર્યું હતું. એના જ પરિણામ સ્વરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓનું પ્રથમ પસંદગીનું સ્થળ બન્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની અત્યાર સુધી 75 લાખ કરતા વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હોવાનું પીએમ મોદીએ ટ્વિટ કરી જાહેર કર્યું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની 75 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી : પીએમ મોદીએ જાહેર કર્યું
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના કાળ પહેલા ખૂબ ઓછા સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની 45 લાખ કરતાં વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. કોરોનાનો કપરો સમય હોવા છતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની 75 લાખ કરતાં વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે એ આપણા નવનિર્મિત સ્થળનું આકર્ષણ અને સામર્થ્ય છે. આવનારા સમયમાં આપણા આવા પ્રયાસ પર્યટનની સાથે સાથે ભારતની ઓળખને નવી ઊંચાઈ આપશે.
જંગલ સફારી પાર્કમાં વાઈલ્ડ રેડ ડોગ, વરુ (વુલ્ફ) અને રીંછ, માદા ગેંડો લાવવામાં આવ્યા છે
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલ જંગલ સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે નવાં આકર્ષણ લાવવામાં આવ્યાં છે. કેવડિયા જંગલ સફારી પાર્કમાં ત્રણ વન્યપ્રાણીની જોડીઓ લાવવામાં આવી છે. જંગલ સફારી પાર્કમાં વાઈલ્ડ રેડ ડોગ, વરુ (વુલ્ફ) અને રીંછ, માદા ગેંડો લાવવામાં આવ્યા છે. આ વન્ય પ્રાણીઓ હાલમાં નાની ઉંમરના છે. તેમની વચ્ચે મેટિંગ થશે અને આગામી દિવસોમાં વસ્તી પણ વધશે. આ પ્રાણીઓને પ્રવાસીઓ માટે હજુ ખુલ્લા મૂકવામાં આવ્યાં નથી. આ વન્યપ્રાણીઓને જ્યાં રાખવાના છે તે પાંજરાંમાં રંગરોગાન સાથે અન્ય કામગીરી ચાલી રહી છે. આ ત્રણેય પ્રાણી હાલ ખુલ્લા વાતાવરણમાં ફરી રહ્યાં છે.