SURAT

ટુર ઓપરેટર સાથે ન આવ્યો અને દુબઈ જઈ સુરતના 3 તબીબ ફસાયા

સુરત: સુરતથી દુબઇ ટ્રીપ (Surat To Dubai Tour) કરવા ગયેલા 3 તબીબ અને તેમના વર્તુળમાં રહેલા પરિવારજનો સહિત કુલ 33 લોકો સાથે છેતરપિંડી (Fraud) કરવામાં આવી હતી. આ કિસ્સામાં ડો.સંજય અમૃત પટેલ (રહે.,બોટોનિકલ ગાર્ડનની પાસે, કલ્યાણનગર સોસાયટી, ઉગત) દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, ડો.કિશોર છોટુ પાટીલ (રહે.,વૈષ્ણોદેવી ટાઉનશીપ, જહાંગીરપુરા), ડો.વિજય પંડ્યા (રહે.,નક્ષત્ર વ્યૂ કેનાલ રોડ, જહાંગીરપુરા) દ્વારા દુબઇ ખાતે જવાની ટ્રીપનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. આ માટે હોલીડે સ્ટોપેજના (Holiday Stoppage) ટ્રાવેલર્સના સંચાલક હર્ષદ ખુશાલદાસ પટેલ (રહે., કાનજીનગર, મોટી વેડ)ને મળ્યા હતા.

  • સુરતના 3 તબીબ અને તેમના પરિવારજનોને દુબઈની ટ્રીપ ભારે પડી : ટ્રાવેલર્સ 11.12 લાખ લઈને છૂ થઈ ગયો
  • દુબઈમાં તબીબ અને તેમના પરિવારને વધુ 11.12 લાખ આપીને ટૂર ખેડવી પડી
  • તબીબો દુબઈ જતા ભોઠા પડી ગયા, ઇજ્જત સાચવવા ફરીથી પેમેન્ટ આપવું પડ્યું

હર્ષદભાઇને તેઓએ કુલ 33 લોકોનો ખર્ચ કેટલો થશે તેમ પૂછતાં તેમણે 19.32 લાખનો ખર્ચો જણાવ્યો હતો. હર્ષદભાઇએ એવું જણાવ્યું હતું કે, તેઓ પણ દુબઇ ટ્રીપમાં આવશે. તેથી તેમણે એડ્વાન્સ 19.32 લાખ રૂપિયા રોકડા લીધા હતા. ત્યારબાદ તેમણે એર ટિકિટ મુંબઇથી (Mumbai) દુબઇની કઢાવી હતી. હર્ષદભાઇએ પોતે પછીથી આવશે એમ જણાવી તેઓ તેમની સાથે ફલાઇટમાં આવ્યા ન હતા. તેઓ દુબઇ પહોંચ્યા ત્યારે અરવિંદ ટીટા જેઓ ઋષિ ટુરિઝમના સંચાલક છે તેઓ તેમને તેડવા આવ્યા હતા.

તેમણે જણાવ્યું કે, તેમને હર્ષદભાઇએ 1 લાખ જ આપ્યા છે. બાકીની 11.12 લાખની રકમ તેમને મળી નથી. આથી તેઓ દુબઇની ટૂર તેમને કરાવી શકે તેમ નથી. આ મામલે આખરે સ્થળ પર તબીબ અને તેમના પરિવારે પોતાની ઇજ્જત બચાવવા માટે સુરતમાં અરવિંદભાઇ ટીટાની ઓફિસમાં મધ્યસ્થીથી 11.12 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. ત્યારબાદ તેઓ દુબઇની ટ્રીપ કરી શક્યા હતા. આ મામલે ઠગાઇ કરનાર હર્ષદભાઇએ તેમનો ફોન બંધ કરી દેતા તેઓ સામે છેતરપિંડીની ફરિયાદ રાંદેર પોલીસ મથકમાં દાખલ કરવામાં આવી હતી.

Most Popular

To Top