Columns

સફળ થવા માટે

એક નાનકડો છોકરો ,નામ રોહન સ્કૂલમાં વેકેશન પડ્યું એટલે ગામડામાં દાદા દાદી પાસે રહેવા ગયો. રોજ રાત્રે દાદા તેને સફળ વ્યક્તિઓની વાર્તા કહેતા. એક દિવસ વાર્તા સાંભળ્યા બાદ રોહને પૂછ્યું, ‘દાદા તમે રોજ સફળ વ્યક્તિઓની વાર્તા કહો છો ..મને એ સમજાવો કે…સફળ થવા માટે શું કરવું જોઈએ?’ દાદાએ કહ્યું, ‘ચાલ, મારી સાથે..’આટલું બોલી દાદા રોહનને બજારમાં લઇ ગયા.બજારમાંથી બે એકસરખા કુંડા લીધા.એકસરખી માટી ખાતર લીધાં અને બે એકસરખા છોડ લઈને એક એક કુંડામાં વાવી દીધા અને બંને કુંડા લઈને ઘરે આવ્યા.

ઘરે આવી દાદાએ એક કુંડાને ઘરની બહાર ખુલ્લામાં મૂકી દીધું અને બીજા કુંડાને જાળવીને ઘરની અંદર મૂક્યું અને હવે રોહનને પૂછ્યું, ‘તને શું લાગે છે કે આ બે માંથી કયો છોડ વધુ વિકસશે …જલ્દી વિકસશે …?’ રોહને થોડું વિચારીને કહ્યું, ‘દાદાજી,મને લાગે છે કે જે છોડ ઘરની અંદર છે તે છોડ વધુ સારી રીતે વિકસશે.’ દાદાજીએ પૂછ્યું, ‘કેમ તું એમ શું કામ કહે છે?’ રોહને કહ્યું, ‘આ ઘરની અંદરનો છોડ એકદમ સુરક્ષિત છે    એટલે તે વધુ સારી રીતે ખીલશે અને બહાર જે છોડ છે તે બરાબર નહિ ખીલી શકે કારણ તેને ખૂબ તડકો ,તોફાન,ધૂળ, માટી, કચરો,પાણી ,જાનવરો વગેરેથી નુકસાન થઈ શકે તેમ છે.’ દાદાજી બોલ્યા, ‘જો રોહન, આજની આ વાત યાદ રાખજે અને તું દિવાળીના વેકેશનમાં ફરી અહીં આવજે ત્યારે આપણે જોઈશું બંને છોડની શું સ્થિતિ છે.’

દિવાળી વેકેશન પડતાં જ રોહન દાદા દાદી પાસે ગામડામાં આવ્યો અને આવતાં જ તરત પૂછ્યું, ‘દાદાજી, આપણે વાવ્યા હતા તે છોડમાંથી કયો વધુ ખીલ્યો કહો.’દાદાજી તેને ઘરમાં સુરક્ષિત રાખ્યો હતો તે છોડ પાસે લઇ ગયા.છોડ સરસ ખીલ્યો હતો, ઘણાં ફૂલ ખીલ્યાં હતાં.’ રોહન ખુશ થઇ ગયો અને બોલ્યો, ‘જોયું દાદાજી, મેં કહ્યું હતું ને આ છોડ સુરક્ષિત છે એટલે બરાબર ખીલશે.’ દાદાજી હસ્યા અને તેને બહાર ખુલ્લામાં રાખેલા છોડ પાસે લઇ ગયા હતા.તે છોડનો ઘણો સરસ વિકાસ થયો હતો જે અંદર રાખેલા છોડ કરતાં ઘણો વધારે હતો.ફૂલો પણ  વધારે ખીલ્યાં હતાં.

રોહનને નવાઈ લાગી તેને કહ્યું, ‘દાદાજી, આમ કેમ? બહાર રાખેલા છોડે તો વધુ ખતરાઓનો સામનો કરવો પડ્યો હશે છતાં તે વધુ કઈ રીતે ખીલ્યો?’ દાદાજીએ કહ્યું, ‘એટલે જ તે વધુ ખીલ્યો.ખતરાઓનો સામનો કરતાં કરતાં અને પોતાની રીતે સ્વતંત્રતાથી મૂળ ફેલાવી તેને જાતને વધુ મજબૂત બનાવી અને વધુ સફળ થયો.જયારે આપણે સહીસલામત વર્તુળમાંથી બહાર આવી લડીએ છીએ ત્યારે વધુ વિકાસ કરી શકીએ છીએ.’
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top