Comments

શહેરીકરણ અટકાવવા સ્માર્ટ સિટીની નહીં, જાગૃત ગ્રામની જરૂર પડશે

ગુજરાતનાં ગ્રામીણ ક્ષેત્રોમાં રોજગારીની શક્યતાઓ વિકસે, વ્યસનમુક્ત અને સાક્ષર લોકો સંગઠિત બની કાર્યમાં સહભાગી થાય તથા સ્વાવલંબી સમાજનું ગ્રામસ્વપ્ન સાકાર થાય તે ભાવનાથી ગુજરાતની સ્વૈચ્છિક સંસ્થાઓની ઉપસ્થિતિમાં તાજેતરમાં બે કાર્યક્રમો યોજાઇ ગયા. પ્રથમ કાર્યક્રમ કમિશનર ગ્રામવિકાસ અને ડાયરેક્ટર સ્ટાર્ટપ (દિલ્હી) દ્વારા યોજાયો. જેમાં તાલીમ અને ગ્રામ્ય વિસ્તારમાં વિકાસનાં કાર્યો કરતી સંસ્થાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનાં આયોજકોએ જણાવ્યું કે skill India mission હેઠળ ગત વર્ષમાં ૧૩ ટકા વધુ ખર્ચ કરાયો છે.

પરંતુ તાલીમનો પ્રત્યક્ષ ઉપયોગ કરનાર યુવકોનું પ્રમાણ ઘટયું છે. ઉપરાંત ગ્રામીણ તાલીમાર્થીઓ માટે અપેક્ષા મુજબ રોજગારીની તકો ઉપલબ્ધ ન થતાં ગામડાંમાંથી તાલીમ આપેલાં યુવકોનું શહેર તરફ સ્થળાંતર વધ્યું છે. અહેવાલના પ્રતિભાવમાં સ્વૈચ્છિક સંસ્થાઓએ જણાવ્યું કે ગ્રામીણ શિક્ષિત બેરોજગારીની સ્થિતિ પાછળ સરકારી અધિકારીઓની તુમારશાહી જવાબદાર છે. કાર્યક્રમોમાં ઉપસ્થિત જિલ્લા સ્તરના અધિકારીઓએ પોતાના અનુભવોને ટાંકતાં જણાવ્યું કે પક્ષીય ભૂમિકામાંથી આવતી સંસ્થા અને એજન્ટો તાલીમ માટે ફાળવવામાં આવેલ ભંડોળને સમુદાય વિકાસના બદલે સંસ્થાગત વિકાસ માટે વધુ ખર્ચે છે, તેવું જોવા મળ્યું છે.

બીજો એક કાયક્રમ ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનની ગ્રામીણ સંસ્થાઓની ઉપસ્થિતિમાં યોજાયો. જેમાં દેશની મૂળભૂત સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાયું નથી તેમ જ વિકાસનો સ્વીકૃત ઢાંચો તૈયાર કરી શકાયો નથી તે બાબતે ચિંતા વ્યક્ત કરતાં જણાવાયું કે ઉદારીકરણના નામે પરદેશી આર્થિક નીતિ અપનાવતા દેશનાં ૧૦% લોકોના હાથમાં રાષ્ટ્રનાં ૬૫ ટકા સાધનોનું સંચાલન જતું રહ્યું છે. પરિણામ સ્વરૂપે શહેરોમાં પ્રદૂષણ, કરચોરી, ગુનેગારી અને કોમી વિખવાદ જેવા પ્રશ્નો વ્યાપક બની રહ્યા છે અને ગામડાંઓમાં શોષણ, બેરોજગારી, ગરીબી અને સ્થળાંતર જેવા પ્રશ્નો વ્યાપક બનતા જાય છે.

ગામડાંઓનાં સ્વાવલંબન માટેની કાર્યપદ્ધતિ અંગે વિચારાયું કે રાષ્ટ્રના વિકાસનો ઢાંચો વિકેન્દ્રિત ધોરણે તૈયાર કરવામાં આવે તથા ગામડાં પગભર બને તેવું આયોજન કરવામાં આવે. ગ્રામીણ ક્ષેત્રે પૈસાના સ્થાને શ્રમનું ઊંચું મૂલ્ય અંકાય તેમ જ વિકાસ યોજનાઓ રોજગારલક્ષી બને. વિકાસના કાર્યક્રમો ઉચ્ચ સ્તરેથી લાદવાના બદલે કૃષિ પર્યાવરણ તથા જરૂરિયાતને અનુરૂપ બને તેવી વાત સ્વીકારવામાં આવી. ગ્રામીણોને સંગઠિત કરી વિકાસનો વહીવટ સ્થાનિક પંચાયતી વ્યવસ્થા દ્વારા થાય તેમજ તમામ સ્તરે શિક્ષણના ભાગરૂપે કૃષિ, પશુપાલન,સ્વચ્છતા, આરોગ્ય, મહિલાવિકાસ અને ગ્રામોદ્યોગને સમાવી લેવામાં આવે. તે વાતે સર્વ સહમતી સધાઈ.

ઉપસ્થિત ગાંધીજનોનો મત હતો કે વિકાસની પ્રક્રિયા સાથે માનવીની ચેતનાનો વિકાસ થવો ઘટે. વ્યક્તિ, સૃષ્ટિ અને સમષ્ટિની એકાત્મકતા એટલે જ વિકાસ હોઇ શકે. પશ્ચિમ ભારતનાં ગામડાંઓના વિકાસ માટે મહિલાઓની સહભાગીતા વધારવા માટેના કાયક્રમો નકકી કરવા પણ વિચારાયું. ગુજરાતની સ્વૈચ્છિક સંસ્થાઓ તેમની કાર્યશક્તિ માટે જાણીતી છે. જે સંદર્ભમાં ઉપરોકત બંને કાર્યક્રમોની અપેક્ષાઓ બર આવે તો આપણાં ગામડાંઓ સ્માર્ટગ્રામ બને અને રાષ્ટ્રનિર્માણનાં મૂલ્યોનો જયજયકાર થાય. પરંતુ પ્રશ્ન છે કે આજે સમાજ બદલાય છે. પરિમાણો સમુળગાં બદલાઈ ચૂક્યાં છે ત્યારે આ જમીન ઉપર કલ્પનાનું સ્વર્ગ સંભવી શકે તેમ છે?

બીજી તરફ આપણાં ગામડાંઓની સ્થિતિ જોઇએ તો ખેડૂતનો છોકરો બાપની મહેનતકશ ખેતી કરવા તૈયાર નથી. તેઓ આકાશી ખેતી કે બજારમાં ઊભેલા કમિશન એજન્ટો દ્વારા નફો-નુકસાન નકકી થાય તેવી પરવશ સ્થિતિમાં રહી શાક-રોટલા અને છાશનાં હાંડલાં માટે જાત તોડી નાંખવા માગતા નથી. બદલાતી પરિસ્થિતિ તો એ હદ સુધી પહોંચી છે કે ખેડા અને વડોદરા જિલ્લા જેવા સિંચાઇના વિસ્તારોમાં ચાર-સાડા ચાર વીઘામાં ખેતી કરનાર યુવકને કોઇ છોકરી આપવા તૈયાર નથી.
લોધિકા જેવા રાજકોટ જિલ્લાનાં સૂકી ખેતીનાં ગામોમાં યુવકો માટે લગ્નપસંદગી મેળાવડા યોજાય છે.

તે પહેલાં છોકરાઓ ઓળખાણ-પિછાણ આગળ કરીને ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિઓમાં નોકરીઓ લઇ લે છે. કારણ કે માબાપ પોતાની દીકરીને ખેડમાં સોંપવા રાજી નથી. શહેરી જીવનની સુંવાળપે ગામડાંમાં પરિશ્રમી જીવનને હલકું પાડયું છે. આથી સુરતમાં હીરાનું કામ કરતા યુવકો ચોમાસું ખેતી માટે દેશમાં પૈસા મોકલી આપે છે, પણ જાતે વતનમાં આવી ખેતી કરવા રાજી નથી. અમદાવાદ શહેરના લો ગાર્ડનની ફૂટપાથો પર વહેંચાતું સૌરાષ્ટ્રનું હાથનું ભરતકામ શહેરી ઘરોમાં પીલો કવર કે બેડશીટની કોરમાં આવી વસ્યું છે કારણ હવે ગામડાંની બહેનોમાં રંગીન ભાતનું શિફોન પ્રચલિત થયું છે.

ગામડાંની ડોશીઓ તો છણકો મારતાં કહે જ, ‘સુધરેલીથી વજન ખમતું નથી.’ વડોદરા જિલ્લાનું તિલકવાડા ૭૦૦૦ માણસોની વસ્તીનું નાનું ગામ છે. હાઇ વે ઉપરના આ ગામમાં આજે ૩૩૨ ઘરોમાં ગેસના સિલિંડરો છે. એક સમયે ગેસ સિલિંડરો વડોદરા કે રાજપીપળામાં રહેતા સગાસંબંધીઓ પાસેથી તિલકવાડા પહોંચતાં વધારાનો ર્ 850/- ખર્ચ થતો, પુરુષો માટે આ સુવિધા વધુ ખર્ચાળ અને કષ્ટદાયી હોવા છતાં બાયોગેસના સ્થાને સ્ત્રીઓ પોતાનો મોભો જમાવવા અને વધુ આરામદાયી જિંદગી જીવવા ગેસ સિલિન્ડરોની રસોઈને અપનાવી લીધી. ગામડાંઓમાં દૂર-દરાર સુધી આ સુધારાની હવાના કારણે પેઢી દર પેઢીથી જંગલો અને પહાડોમાં રહેતાં આદિવાસીઓ આજે નર્મદાબંધ યોજનાની સગવડતા હાથ ધરવા મેદાની વિસ્તારમાં નિવાસી બન્યાં છે. એટલું જ નહીં, પણ અસરગ્રસ્તોની નવી વસાહતોમાં સ્થાયી થઇ ચૂકેલા આદિવાસીઓની શૈલી બીજા આદિવાસીઓને પણ સ્થળાંતર કરવા ખેંચી લાવી છે.

આમ, રંગમંચના એક તખ્તા ઉપર સરકારમાં સ્માર્ટસિટીના જોખમે અધિકારીઓનું હિત પોષાતું જોવા મળે છે, તો બીજા તખ્તા ઉપર સ્વૈચ્છિક સંસ્થાઓ, ગરીબોની આશાના છાંયડે સંસ્થાકીય હિત સાધતાં દેખાય છે. જયારે બદલાતી સ્થિતિનો ચિતાર જોઇ શકનાર વેપારી પેઢીઓએ સાબુ અને ટૂથપેસ્ટથી માંડી મોબાઇલ, બિસ્કીટો અને પીણાંઓનાં વેચાણકેન્દ્રોને ગ્રામકેન્દ્રો સુધી લંબાવ્યાં છે. ૨૦૩૦માં ગામડું લકઝરી ગુડ્ઝનું બજાર બનશે તેવી બિઝનેસ ઇન્ડિયાની ભવિષ્યવાણી, જોતજોતામાં આકાર લઇ રહી છે અને આપણા સહુની નજર સમક્ષ ટી.વી. અને ઇન્ટરનેટમાં પ્રસિદ્ધ થતી જાહેરખબરો દ્વારા જોવાઇ રહ્યું છે.

સ્વતંત્ર ભારતનાં નવરચના સમયે મળેલ સ્વાવલંબી સજીવ ગામનો વિચાર અયોગ્ય નહોતો. પણ આજે માહોલ બદલાઇ ચૂકયો છે. મોર્ડન એજ તરફ ધસમસતી દુનિયાના ઘડતર અને ચણતરમાં હવે વ્યક્તિના સ્થાને બનાવોનું પદાર્પણ વધી રહ્યું છે. આર્થિક મૂલ્યનું માપદંડ પ્રચલિત બન્યાં છે. તે વેળાએ ભૂતકાળ તરફ પાછા ફરવાનું શકય નથી, જે તે સ્થિતિને નિખાલસતાથી સ્વીકારી લેવી પડશે. એટલું જ નહીં પણ મર્યાદિત જીવનજરૂરિયાતવાળાં સ્વાવલંબી ગામડાંઓમાં મુક્ત જીવનના પ્રયોગો છોડી ગામડાંઓ વધુ સ્વાવલંબી અને શિક્ષિત બને તે પ્રકારે સ્વયંસંચાલિત કાર્યપ્રણાલીઓ ગોઠવવી પડશે.

સમૂહ સંચાર માધ્યમોના કારણે લોકોનું પસંદગી ક્ષેત્ર વ્યાપક બન્યું છે અને ગામડાંઓમાં પણ આર્થિક હેતુની સમાનતા ધરાવતાં જૂથો સંગઠિત થતાં જાય છે. આ તબકકે સ્વૈચ્છિક સંસ્થાઓને ગામડાંઓમાં ઉત્પન્ન થતી ચીજવસ્તુઓના ઉત્પાદન અને વેચાણના કામમાં મદદરૂપ થવું જરૂરી બને છે. ગામડાંઓમાં રહેતા યુવકને વધુ આર્થિક લાભ અંગેની વહીવટી અને તકનિકી તાલીમ મળે તેવા પ્રયત્નો કરવા પડશે.

પરિવર્તનના વળાંકે સરકારે પોતાના સકંજામાં જકડી રાખેલ માળખાગત વિકાસ, વાહનવ્યવહાર, સંચારસેવા, વીજળી અને પાણી જેવી વ્યવસ્થાનાં સ્થાયી તંત્રોને ક્રમશઃ પ્રજાના હાથમાં સોંપી લોકોને વધુ સારા જીવન માટે ઉત્સાહિત કરવા ઘટે છે. રાજકીય પક્ષો માટે લોકરંજનના સ્થાને આમ પ્રજાને વિકાસના કાર્યક્રમોના અમલમાં ભાગીદાર બનવાનો સમય પાકી ગયો છે. શહેરીકરણ સાથે જોડાયેલ કોરોના જેવી મહામારીનાં ભયસ્થાનની અવહેલના ન કરતાં ગામડાંને સ્માર્ટ સિટી નહીં પણ જાગૃત ગ્રામ તરીકે ઘડવાની જરૂર છે.
ડો.નાનક ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top