Columns

દોષ કાનમાં કહેવાગુણ ગામમાં ગાવા

િબંદુબેન કચરા

‘દોષ કાનમાં કહેવા, ગુણ ગામમાં ગાવા’ આ વિચારસૂત્ર વિનોબાભાવે પ્રેરિત છે. પ્રત્યેક માનવી ગુણદોષનો સરવાળો છે. દરેકમાં નાના-મોટા કોઇ દોષ તો હોય જ છે. તદ્દન દોષમુકત માનવી તો દેવસ્વરૂપ જ ગણાય. માણસની એક વ્યાખ્યા એવી પણ કરી શકાય કે એ સદોષ પ્રાણી છે, આપણી દૃષ્ટિ એવી છે કે આપણને બીજાના દોષ પહેલાં દેખાય, ગુણ પછી દેખાય. દોષ ગાજી ગાજીને ગાઈએ છીએ જયારે ગુણ દેખી જીભ ટૂંકી થઇ જાય છે.
પાંડવોની રાજસભા મળેલી. એમાં શ્રીકૃષ્ણે ધર્મરાજને પાસે બોલાવીને પૂછયું- ‘‘આ સભામાં દોષી કોણ છે? શોધી કાઢો.’’ ધર્મરાજે આખી સભા તરફ દ્રષ્ટિ કરી, દરેકના ગુણ-અવગુણ જોવા માંડયા તો દરેકમાં કંઇક ને કંઇક ભલાઈ જ દીઠી. સંપૂર્ણ દોષી કોઇ ન દેખાયો.
પછી એમણે શ્રીકૃષ્ણને કહ્યું – ‘‘મને તો આમાં બધાંય ગુણવાન જ દેખાય છે. કોઇ દોષી દેખાતો નથી.’’ આ પછી શ્રીકૃષ્ણે દુર્યોધનને બોલાવીને કહ્યું, ‘‘આ સભામાં સારો માણસ કોણ છે શોધી આપો.’’ તો દુર્યોધને સારો માણસ શોધવા નજર ફેરવવા માંડી પણ એને કોઇ સારો માણસ દેખાયો નહીં. દરેકમાં એણે કંઇ ને કંઇ અવગુણ જ જોયા.
દુર્યોધન દોષદૃષ્ટિવાળો હતો તેથી તેણે બધામાં દોષ જ જોયા. ધર્મરાજ ગુણદૃષ્ટિવાળા હતા તેથી તેમણે બધામાં ગુણ જ જોયા.
સમાજની અંદર દુર્યોધન જેવા અનેકો છે જેઓ બીજાના દોષ દેખાય કે ઢંઢેરો પીટવા બેસી જાય. દોષ દેખનારાઓ ધાડપાડુઓથી પણ ચઢિયાતા છે. તેમને મન બીજાનો રજકણ જેટલો દોષ પહાડ જેવો દેખાય છે. દોષદેખુઓ અમાસની કાળી રાતે પણ કાળા તલને શોધી કાઢે અને મન ફાવે તેમ બોલે. કોઇ પણ માણસ નિતાંત ગુણવાન નથી તો કોઇ પણ માણસ પૂર્ણપણે સદોષ નથી. માટે કોઈનામાં પણ દોષ દેખાય તો તેને એકલાને કાનમાં કહી ચેતવવું. બીજાઓની હાજરીમાં દોષનો ડંકો ન વગાડવો. તેનું સ્વમાન જળવાય એ રીતે કહેવું જેથી તે દોષમુક્તિનો પ્રયાસ આદરે. તે જ રીતે ગુણ દેખાય તો તેની મુકત મને પ્રશંસા કરવી જેથી તેને વિશેષ ગુણ કેળવવા પ્રોત્સાહન મળે. શાળાકોલેજમાં આચાર્યો, શિક્ષકો વિદ્યાર્થીઓ પરત્વે આવું વલણ દાખવે તો આપણું શૈક્ષણિક પર્યાવરણ કેટકેટલું મઘમઘી ઊઠે…. વિનોબાની ‘ગુણ ગાવા અને દોષ ન જોવા’ ની વાતમાં જીવન જીવવાની એક આગવી તરાહ સૂચિત છે.
‘સારું જોવું અને બિરદાવવું, બૂરું વિસરવું.’ સારું ન બોલે તો કંઇ નહીં પણ તું ખરાબ તો ન જ બોલ.
એક દંપતીની વાત છે. મેરેજ પછી ધીરે ધીરે સમજાયું કે બંનેના વિચારો ખૂબ જ અલગ છે. રોજ એક ઘટના બનતી. કારમાં જતી વખતે બંને ટિસ્યુનો ઉપયોગ કરતાં. ટિસ્યુથી હાથ કે મોઢું લૂછી લીધા પછી પતિ ટિસ્યુનો ડૂચો કરીને હવામાં ઉછાળતો. પત્નીની આદત એવી હતી ટિસ્યુથી હાથમોં લૂછી લીધા પછી પણ એ ટિસ્યુને આખો ખોલી ફરીથી તેની સરખી ઘડી કરી કચરાપેટીમાં ફેંકવા માટે રાખી મૂકતી. પતિ કહેતો કે જે વસ્તુનું કામ પૂરું થઇ ગયું એનું આટલું જતન શા માટે? પત્ની કહેતી કે આ મારી આદત છે. સમય જતો ગયો બન્ને વચ્ચે આવા મતભેદ પડતા ગયા પછી મનભેદ અને છેલ્લે બંને જુદા થયાં. ડિવોર્સ પછી પતિને ખબર પડી કે એ કયારેય કોઇને મોઢે મારું ખરાબ બોલતી નથી. ટીકા કરતી નથી. એવું જ કહે છે કે-બસ ન ફાવ્યું. એ ખરાબ માણસ નહોતો, એ એની જગ્યાએ બરાબર હતો. હું કદાચ મારી જગ્યાએ યોગ્ય હતી. અમે માત્ર ખોટી જગ્યાએ ભેગાં થઇ ગયાં હતાં.
એક વખતે એ યુવાને તેની ભૂતપૂર્વ પત્નીને મેસેજ કર્યો કે મને એ વાતનો ગર્વ છે કે તું મારા દોષ જાણે છે છતાં મારું ખરાબ બોલતી નથી.
પત્નીએ જવાબ આપતાં લખ્યું કે મને કોઇ ફરિયાદ નથી. તારા માટે મારી પાસે હંમેશાં શુભકામનાઓ જ છે. કોઇ પણ વ્યક્તિમાં દોષો હોય એટલા માત્રથી એ દોષોને ગમે ત્યાં પ્રગટ ન કરી દેવાય કારણ કે એમ કરવાથી સમાજની માનસિક તંદુરસ્તી જોખમાય.
સારા વિચારો, સારી સંભાવનાઓ અને સારા સંકલ્પોથી ખુશાલી પેદા થાય છે. હંમેશાં દૃષ્ટિ એવી કેળવો કે જે સામાના દોષો નહીં પણ ગુણોને જુએ. આમ કરવાથી સંસારની મોટા ભાગની સમસ્યા હળવી થઇ જશે.
ઘણાં ઘરોમાં મોટાંઓને નાનાંઓનો જ વાંક દેખાય છે. સાસુને વહુનો જ વાંક દેખાય. ગમે તેટલું સારું કામ કરે તો પણ ખરાબ કામ કોનાથી થયું? તો તે આરોપ વહુ પર. આ એક આપણા મન સાથે જડાઈ ગયેલી વાત છે, તેને મનમાંથી દૂર કરીએ.
દરેકના સારા ગુણને, સારા કામને બિરદાવીએ, ખુલ્લા મને દિલથી પ્રશંસા કરીએ તો દરેકને કાર્ય કરવાનો વેગ મળશે. માણસમાં દોષ હોવા સ્વાભાવિક છે પણ સાચો માણસ એક વાર ચેતી જાય તો તે ધીમે ધીમે પોતાના દોષોને નિવારવા પ્રયત્ન કરે છે.
‘મારા અવગુણને ઓળંગીને હરિવર આવજો રે,
મારી કાંટાની છાબડીએ ફૂલો લાવજો રે..’
પાણી જેમ જ્યાં જાય ત્યાં મેલ ધોઈ નાખે છે તેમ ગુણાનુરાગી આત્મા જ્યાં જાય છે ત્યાં વાતાવરણને પ્રસન્નતાથી ભરે દે છે.
ઘણા એવા માણસો છે જે બીજાના દોષોને માફ કરી દે છે. ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર એમણે વિધવાવિવાહ અંગે ખૂબ મોટી ઝુંબેશ ઉપાડી હતી. જુનવાણી લોકો એમના પર ખૂબ ખિજાયા હતા. એક વાર રેલવે ગાડીમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે ડબ્બામાં બેઠેલા કેટલાક મુસાફરો એમની નિંદા કરી રહ્યા હતા. એક ભાઈ તો ઊછળી ઊછળીને એમને મોંફાટ ગાળો દઇ રહ્યા હતા. એ લોકોને ખ્યાલ નહીં કે વિદ્યાસાગર એમના ડબ્બામાં જ બેઠા છે. એવામાં એક જણની નજર ગઇ. એણે તરત જ પોતાના મિત્રોને ઇશારો કરી શાંત રહેવા કહ્યું- પેલા નિંદા કરનાર ભાઈ વિદ્યાસાગરને જોઈ ડઘાઈ ગયા અને ભયથી બેચેન થઇ ગયા. થોડી વારે એ ભાનમાં આવ્યા ત્યારે એમણે જોયું કે વિદ્યાસગાર પોતે જ પોતાના ઉપરણા વડે એને પંખો નાંખી રહ્યા હતા.
આવા ગુણી સંતોના ચરણકમળમાં મસ્તક ઝૂકી જાય છે.
તો વાચકમિત્રો! વિનોબાજીનું આ વિચાર સૂત્ર – ‘દોષો કાનમાં કહેવા, ગુણ ગામમાં ગાવા’ ઘરે ઘરે આચરવામાં આવે તો પતિ-પત્ની, સાસુ-વહુનો સંઘર્ષ, અથડામણ સહેજે ટળે. ઓફિસમાં અધિકારી અને કર્મચારીઓની અથડામણ ઘટે, વિદ્યાર્થી-શિક્ષકની આત્મીયતા કેળવાય. ચાલો તો મિત્રો, આપણાથી આચરણની શરૂઆત કરીએ…! પરદોષ દર્શનની પ્રક્રિયા સ્થગિત કરી ગુણોના ગુણલાં ગાઈએ!
સરવાળો સત્કર્મનો, ગુણનો ગુણાકાર, બાદબાકી બૂરાઈની ભ્રમનો ભાગાકાર.

Most Popular

To Top