Columns

ભગવાનને મળવા માટે

એક દિવસ એક સંન્યાસી દુનિયાભરનું ભ્રમણ કરીને એક નાનકડા રાજ્યમાં આવ્યા. તે રાજ્યના રાજાએ તેમને પોતાના મહેલમાં પધારવાનું નિમંત્રણ આપ્યું.સંન્યાસી આવ્યા. રાજાએ તેમનું સ્વાગત કર્યું. રાજાએ સંન્યાસીને કહ્યું, ‘સ્વામી એક પ્રશ્ન હું દરેક સાધુ સંતો અને જ્ઞાનીઓને પૂછી રહ્યો છું, પણ મને કોઈ જવાબ મળતો નથી. તે પ્રશ્ન મને મૂંઝવે છે શું તમે મને ઉત્તર આપશો?’ સંન્યાસીએ કહ્યું, ‘શું પ્રશ્ન છે તે કહો. જો મને ઉત્તર ખબર હશે તો ચોક્કસ કહીશ.’ રાજાએ કહ્યું, ‘હું ભગવાનને મળવા માંગું છું.ઈશ્વર વિષે બહુ જાણ્યું, વાંચ્યું.

સાંભળ્યું છે.મારે કંઈ વધુ જાણકારી નથી જોઈતી અને નથી વધુ કંઈ સમજવું બસ મારે ઈશ્વરને મળવું છે.’ રાજાની વાત સાંભળી સંન્યાસી સહજ જ બોલ્યા, ‘રાજન, તમારે ભગવાનને હમણાં મળવું છે કે થોડી વાર પછી ?’ રાજાને આવો જવાબ સાંભળી નવાઈ લાગી. તેણે કહ્યું, ‘સ્વામીજી, તમે સમજ્યા નથી, મારો પ્રશ્ન મારે પરમપિતા પરમાત્માને મળવું છે.’ સંન્યાસી બોલ્યા, ‘ના રાજન ચિંતા ન કરો હું બરાબર જ સમજયો છું કે તમારે પરમપિતા પરમેશ્વરને મળવું છે અને મારું તો આ જ કામ છે.

લોકોને ભગવાન સાથે મેળવવાનું.વીસ વરસથી ભગવાનને મળવાની ઈચ્છા છે તો હવે મોડું ન કરો.’ રાજા મનથી ડરી ગયા છતાં બોલ્યા, ‘હા સ્વામીજી, મને ભગવાનને હમણાં જ મળવું છે.મળવો મને ભગવાન સાથે ..’ સંન્યાસીએ રાજાને કહ્યું, ‘ એક કાગળ મંગાવી તેની પર તમારું નામ અને સરનામું લખી આપો એટલે હું ભગવાનને કહી શકું કે કોણ તેમને મળવા આવવા માંગે છે.’ રાજાએ એક કાગળ મંગાવી તેની પર પોતાનું નામ, કુળ,રાજય ,મહેલ,પોતાનો પરિચય, પોતાની ઉપલબ્ધિઓ લખી સંન્યાસીને આપી.સંન્યાસી કાગળ વાંચી બોલ્યા, ‘રાજન આ બધું મને તો ખોટું લાગે છે.

શું તમારું નામ બદલાશે તો તમે બદલાઈ જશો?’ રાજાએ કહ્યું, ‘ના નામ ગમે તે હોય હું તો એ જ રહીશ.’ સંન્યાસીએ પૂછ્યું, ‘જો તમે રાજા ન રહો ..જો તમે આ મહેલમાં ન રહેતા હો …જો તમે રાજ્ય હારી જાઓ તો શું તમે બદલાઈ જશો.’ રાજાએ કહ્યું, ‘ના હું તો એ જ રહીશ.’ સંન્યાસીએ કહ્યું, ‘રાજન અત્યારે તમે ૪૦ વર્ષના છો શું તમે ૫૦ વર્ષે બદલાશો?’ રાજાએ કહ્યું, ‘ના, હું તો જે બાળપણમાં હતો તે જ આજે છું અને તેવો જ આગળ રહીશ. શરીર બદલાય, ઉંમર વધે પણ માણસ તો એ નો એ જ રહે ને..’ સંન્યાસી બોલ્યા, ‘એટલે સમજો રાજન નામ, રાજ્ય ,શરીર ,મહેલ ,ઉંમર કોઈ તમારી ઓળખાણ નથી.તો જેની કોઈ ઓળખ જ ન હોય તેનો ભગવાનને પરિચય હું કઈ રીતે આપું ? રાજન, પહેલાં જાવ, જઈને જાતને ઓળખો. પછી ભગવાનને મળવા આવજો અને જે પોતાની ઓળખ મેળવી લે છે તેને ભગવાનને મળવા જવાની જરૂર પડતી નથી.’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top