નવસારી : નવસારી નગરના ફુવારા સર્કલથી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને ભવ્ય જિલ્લા કક્ષાની તિરંગા રેલી યોજાઇ હતી. જેમાં વિદ્યાર્થી ભાઇ-બહેનો ઉત્સાહભેર જોડાયા હતા. આ રેલી નવસારીના મુખ્યમાર્ગો પરથી પસાર થઇ હતી. મોટી સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિથી સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને દેશભક્તિના રંગમાં સમગ્ર નવસારી રંગાયું હતું.
તિરંગા યાત્રાના રૂટ પર વિવિધ સાંસ્કૃત્તિક ગ્રુપો, શાળાના વિદ્યાર્થીઓ, યુવાનોએ પારંપરિક સાંસ્કૃતિક પહેરવેશમાં દેશભક્તિની રંગારંગ કૃતિઓ રજૂ કરી ‘તિરંગા પદયાત્રા’માં જોડાયેલા પદયાત્રીઓને ઉમળકાભેર આવકાર્યા હતા. તિરંગા યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઇ, નવસારી-વિજલપોર પાલિકા પ્રમુખ મીનલ દેસાઇ, નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલ, પ્રોબેશનર (આઇ.એ.એસ.) આર. વૈશાલી, વાંસદા પ્રાયોજના વહીવટદાર આનન્દુ સુરેશ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ સહિત વિદ્યાર્થીઓ, નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
બીલીમોરામાં ભારે વરસાદ વચ્ચે 75 મીટર લાંબા તિરંગા સાથે તિરંગા યાત્રા યોજાઈ
બીલીમોરા : બીલીમોરામાં વિદ્યાર્થીઓએ ભારે વરસાદ વચ્ચે 75 મીટર લાંબા વિશાળ તિરંગા સાથે ઐતિહાસિક તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં બે હજારથી વધુ દેશપ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 75 મીટર લાંબા તિરંગા, ભારત માતા અને સ્વતંત્રતા સેનાનીઓની વેશભૂષાથી સજ્જ બાળકોનાં સથવારે બીલીમોરા કોલેજથી ડીજે મ્યુઝિક સિસ્ટમથી રેલાતા દેશભક્તિ શોર્ય ગીતો સાથે નીકળેલી તિરંગા રેલી ગૌરવપથ, રાજભોગ સર્કલ, એસટી ડેપો, જવાહર રોડ, સ્ટેશન મસ્જિદ થઈ શિવાજી પ્રતિમા સ્થળે પહોંચી હતી.
ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ, જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા, ચીખલી પ્રાંત અધિકારી મિતેશ પટેલ, માજી પાલિકા પ્રમુખ વિપુલા મિસ્ત્રી, ચીફ ઓફિસર મિતલ ભાલાડા, શહેર ભાજપ પ્રમુખ વિજય પટેલ, મહામંત્રી રમેશ રાણા, મના ભાઈ ઉર્ફે મનહર પટેલ, બીવીકે મંડળનાં ભુપેન્દ્ર અમીન, હૃદયનાથ પટેલ, નરેશ નેમાણી ભરતભાઇ અમીન, જસ્મીન દેસાઈ, બીલીમોરા પીઆઇ, એનસીસી ક્રેડેટ, પાલિકા અને શાળા પરીવારો સહિત અનેક દેશભક્તો રેલીમાં જોડાયા હતા.