હમણાં ગુજરાતી ફિલ્મોનો ‘‘સુવર્ણકાળ’’ ચાલે છે! દર શુક્રવારે સિનેમાહોલમાં લગભગ 2 થી 3 ફિલ્મો આવતી હોય છે. જો કે એમાંની કેટલી ફિલ્મો હોલમાં લાંબો સમય ચાલે છે એની ચર્ચા અહીં કરવી નથી! ચર્ચા કરવી છે તાજેતરમાં આવેલી ગુજરાતી ફિલ્મ ‘‘મિસરી’’ની! ફિલ્મનાં કલાકારોએ ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદના વ્યસ્ત માર્ગો ઉપર ‘‘બાઈક સ્ટંટ’’ કર્યા! આમાં ફિલ્મના અન્ય કલાકારો સાથે ગુજરાતી તખ્તા અને ફિલ્મી તેમ જ હિંદી ફિલ્મના પીઢ કલાકાર ટીકુ તલસાણિયા પણ શામેલ હતા! આ એક નવું ગાંડપણ શરૂ થયું છે!
હિંદી ફિલ્મોનાં પ્રમોશનો જોઈ, ગુજરાતી ફિલ્મોવાળાને પણ ચસ્કો લાગ્યો છે, પણ ઘણી વાર દેખા-દેખીમાં ગંભીર ભૂલ થઈ જતી હોય છે જે અહીં પણ થઈ! આ સ્ટંટનો વીડિયો વાયરલ થતાં જ અમદાવાદ પોલીસે કાર્યવાહી કરી તમામ ‘‘સ્ટંટબાજો’’ને પોલીસ ચોકીમાં બોલાવી કાયદાની મર્યાદા સમજાવી, કડક ભાષામાં ચીમકી આપી, અલબત્ત કલાકારોની પ્રતિષ્ઠા જોતાં ધરપકડ ના કરી! એકાદ – બે ફિલ્મો હીટ જતાં તમે ‘‘સુપરસ્ટાર’’ બની જતાં નથી એ કલાકારોએ યાદ રાખવું જોઈએ! ટીકુ તલસાણિયા જેવા પીઢ કલાકારો જ્યારે કાયદો તોડે ત્યારે આશ્ચર્ય થાય એ સ્વાભાવિક છે! ખેર, ટીકુભાઈને આ સ્ટંટ બદલ જેલ ના થઈ એટલે એમના જ એક ગુજરાતી નાટકનું ટાઈટલ અત્રે પ્રસ્તુત છે: ‘‘ને….બચુ બચી ગયો.’’
સુરત – ભાર્ગવ પંડ્યા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.