સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં ગિરિમથક સાપુતારાની (Saputara) તળેટીય વિસ્તારમાં આવેલા જોગબારી (Jogbari) અને જાખાના (Jakhana) ગામ ખાતે 28.96 હેક્ટરમાં ટાઈગર સફારી (Tiger Safari) પાર્ક (Park) બનાવવા માટેની સરકાર વિચારણા કરી રહી છે.
- સાપુતારાના તળેટી વિસ્તારમાં 28.96 હેક્ટરમાં ટાઈગર સફારી પાર્ક બનાવવાની સરકારની વિચારણા
- 1992માં છેલ્લો વાઘ દેખાયા બાદ દ.ગુ.માં વાઘની પ્રજાતિ સમાપ્ત થઈ ગઈ હોવાની જાહેરાત કરવામાં આવી હતી
ડાંગ જિલ્લો ભરપૂર વનસંપદાથી ઘેરાયેલો વિસ્તાર છે. જંગલોનું વાતાવરણ અગાઉથી વાઘ પ્રજાતિ માટે અનુકૂળ મનાતુ હતુ. જિલ્લાનાં જંગલો વાઘનાં ઘર ગણાતા હતા. ડાંગ જિલ્લામાં અઢીથી ત્રણ દશક પહેલા વાઘનો ભવ્ય ઇતિહાસ રહ્યો છે. ડાંગ જિલ્લાનાં વિસ્તારમાં વાઘની વસ્તી મોટા પ્રમાણમાં જોવા મળતી હતી. પરંતુ વર્ષ 1985માં માર્ગમાં વાહનની અડફેટમાં એક વાઘનું મૃત્યુ થયુ હતુ. ત્યારબાદ 1992નાં વર્ષમાં છેલ્લો વાઘ દેખાયા બાદ દક્ષિણ ગુજરાતમાં વાઘની પ્રજાતિ સમાપ્ત થઈ ગઈ હોવાની જાહેરાત કરવામાં આવી હતી. સમય જતા જંગલો ગામમાં અને ગામ શહેરમાં તબદીલ થતા આ વન્યજીવો લુપ્ત થઈ જવા પામ્યા છે. ત્યારે ફરી સફારી પાર્કની વિચારણામાં દક્ષિણ ગુજરાતનાં ડાંગમાં પણ વાઘ આવ્યો રે વાઘ આવ્યોની ગુંજ સૂત્રો પાસેથી સાંભળવા મળી રહી છે.
ડાંગના જાખાના અને જોગબારી ગામ નજીક ટાઈગર સફારી પાર્ક માટે સરકાર દ્વારા કુલ 28.96 હેક્ટર જમીન ફાળવવાની મંજૂરી આપી હોવાની વાત સોશિયલ મીડિયામાં સામે આવતા ટાઈગર પ્રેમીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. અગાઉ પણ ગુજરાતમાં વાઘ જોવા મળ્યો હતો. આ વાઘ જોવા મળ્યાનાં થોડા મહિના પહેલા એટલે નવેમ્બર 2018માં નર્મદાનાં તિલકવાડામાં 85 હેક્ટરમાં ટાઈગર સફારી પાર્ક માટે આગળ વધવાની મંજૂરી આપી હતી. જોકે આ પ્રોજેક્ટ બાદમાં સ્થગિત કરવામાં આવ્યો હતો.
- ટાઈગર સફારી પાર્કની મંજૂરીનો સત્તાવર પત્ર આવ્યો નથી
ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગનાં શામગહાન રેંજમાં સમાવિષ્ટ જાખાના અને જોગબારી ગામે ટાઈગર સફારી પાર્કની મંજૂરી અંગે દક્ષિણ ડાંગનાં ડી.સી.એફ.પ્રસાદ રવિ રાધાક્રિષ્નાએ જણાવ્યુ હતુ કે ડાંગ જિલ્લામાં ટાઈગર સફારી પાર્કની મંજૂરીનો સરકારમાંથી અમારી પાસે કોઈ સત્તાવર મંજૂરીનો પત્ર આવ્યો નથી. સોશિયલ મિડિયામાં ડાંગ જિલ્લામાં ટાઈગર સફારી પાર્ક બનશેનાં સમાચારો કોઈક ડોક્યુમેન્ટરી ફાઈલ પરથી ફેલાઈ રહ્યા છે. જેમાં તથ્ય નથી.