છેલ્લાં લગભગ ૨૫ વર્ષથી ગુજરાત ભાજપનો ગઢ રહ્યો છે. ગુજરાતનો મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ ભાજપના ગઢમાં ગાબડાં પાડવામાં સફળ રહ્યો નથી. ગુજરાતમાં કોંગ્રેસ પાસે સંગઠન અને મજબૂત મતબેન્ક હોવા છતાં તેની નબળી નેતાગીરીને કારણે કોંગ્રેસ સત્તાના સિંહાસન સુધી પહોંચવામાં નિષ્ફળ ગયો છે. ગુજરાતમાં ત્રીજા રાજકીય પક્ષ માટે જગ્યા છે, પણ તે જગ્યામાં ફિટ થવાનો પ્રયાસ કોઈ રાજકીય પક્ષ દ્વારા કરવામાં આવ્યો નહોતો. ગયા વર્ષના પ્રારંભમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં પદાર્પણ થયું હતું. પ્રથમ પગલે જ તેને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બ્રેક મળ્યો હતો. સુરતના પાટીદાર મતદારોના ટેકાથી તેણે ૧૨૦ પૈકી ૨૭ બેઠકો કબજે કરીને મુખ્ય વિપક્ષનું સ્થાન હાંસલ કર્યું હતું. આ ચૂંટણીમાં કોંગ્રેસનું ખાતું પણ ખૂલી શક્યું નહોતું. આમ આદમી પાર્ટી ભાજપનો વિકલ્પ બને તેવી સંભાવના ઊભી થઈ હતી.
ગુજરાતની વગદાર પાટીદાર કોમ ભાજપથી નારાજ છે, તે હકીકતનો પૂરો ફાયદો આમ આદમી પાર્ટીએ ઉઠાવ્યો હતો. તેમણે સુરતના બિલ્ડર અને પાટીદાર નેતા મહેશ સવાણીને પોતાના પક્ષમાં જોડીને તરખાટ મચાવી દીધો હતો. મહેશ સવાણીનું પક્ષમાં સ્વાગત કરવા દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા પોતે સુરત આવ્યા હતા. ત્યાર બાદ ટી.વી. ચેનલના લોકપ્રિય એન્કર ઇસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. અરવિંદ કેજરીવાલ પણ ફોર્મમાં આવી ગયા હતા. તેઓ વારંવાર ગુજરાતની મુલાકાતે આવવા લાગ્યા હતા. સુરતના તેમના રોડ શો માં ભારે ભીડ ઊમટી હતી.
મહેશ સવાણીના પગલે અન્ય પાટીદાર નેતાઓ પણ ‘આપ’માં જોડાશે, તેવી વાતો વહેતી થઈ હતી. અચાનક એવું કાંઇક બની ગયું કે બે દિગ્ગજ નેતાઓએ ‘આપ’માંથી રાજીનામું આપી દીધું હતું. પહેલાં લોકગાયક વિજય સુવાલા ભાજપમાં જોડાઈ ગયા હતા. હવે મહેશ સવાણીએ પણ રાજીનામું આપ્યું હોવાથી ‘આપ’ની નૌકા હાલકડોલક થવા લાગી છે. ૨૦૧૪ માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ઉજળો દેખાવ કર્યા પછી અરવિંદ કેજરીવાલને રાષ્ટ્રીય નેતા બનવાના અભરખા જાગ્યા હતા. તે માટે તેમણે બીજાં રાજ્યોની જેમ ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવી દીધું હતું. ૨૦૧૪ માં તેમના પક્ષે ગુજરાતની ૨૬ પૈકી ૨૪ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા. જો કે તેમનો ધબડકો થયો હતો.
તમામ બેઠકો પર ‘આપ’ના ઉમેદવારોની ડિપોઝીટ ગૂલ થઈ ગઈ હતી. અરવિંદ કેજરીવાલે ભારત છોડીને ગુજરાત પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ગુજરાતનો હવાલો તેમણે મનીષ સિસોદિયાને સોંપી દીધો હતો.૨૦૧૭ માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં પણ આમ આદમી પાર્ટી ગુજરાતમાં જોરશોરથી ત્રાટકવા માગતી હતી, પણ પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં તેનો ધબડકો થતાં તેની ગુજરાતની લડાઈ મર્યાદિત બની ગઈ હતી. ‘આપ’એ ગુજરાતની ૧૮૨ પૈકી માત્ર ૩૦ બેઠકો પર જ પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા. તેમાંથી ૨૭ ની ડિપોઝીટ જપ્ત થઈ ગઈ હતી. છોટા ઉદેપુર, વાંકાનેર અને બાપુનગરની બેઠકો પર તેના ઉમેદવારો ડિપોઝીટ માંડ બચાવી શક્યા હતા.
૨૦૨૧ ના ફેબ્રુઆરીમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી થઈ, તેમાં આમ આદમી પાર્ટીને જીવતદાન મળી ગયું હતું. ૨૦૧૬ ના પાટીદાર આંદોલનમાં જે નેતાઓ જોડાયા હતા તેમને આપ દ્વારા ટિકિટો આપવામાં આવી હતી. ૧૨૦ સભ્યોના ગૃહમાં ભાજપને ૯૪ બેઠકો મળી હતી, આપને ૨૬ બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસનાં સૂપડાં સાફ થઈ ગયાં હતાં. જો ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણીમાં આ ટ્રેન્ડ જળવાઈ રહે તો આપને સુરતમાં ત્રણ બેઠકો મળે તેમ છે. પાટીદાર સમાજનું જોર સૌથી વધારે સૌરાષ્ટ્રમાં છે. જો સૌરાષ્ટ્રના પાટીદારો આમ આદમી પાર્ટીને ટેકો આપે તો તે ભાજપ ઉપરાંત કોંગ્રેસને પણ ટક્કર આપી શકે તેમ છે.
મહેશ સવાણી મૂળ સૌરાષ્ટ્રના હોવાથી તેમના સંપર્કો ત્યાં પણ છે. વળી કોરોના કાળમાં તેમણે સૌરાષ્ટ્રનાં લોકોને તબીબી સહાય પહોંચાડવા ભારે પુરુષાર્થ કર્યો હોવાથી તેઓ ત્યાં પણ લોકપ્રિય છે. સૌરાષ્ટ્રના બીજા દિગ્ગજ પાટીદાર નેતા નરેશ પટેલે પણ થોડા સમય પહેલાં સક્રિય રાજકારણમાં પ્રવેશ કરવાનો ઇશારો કર્યો હતો. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે, ભાજપમાં જોડાશે કે આમ આદમી પાર્ટીમાં તે હજુ સસ્પેન્સ છે. જો તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાય તો સૌરાષ્ટ્રની અને કચ્છની ૫૪ બેઠકો ઉપરાંત સુરતની બેઠકો પર પણ આપની તાકાત વધી જાય તેમ છે. જો કે મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપતાં તેમની સૌરાષ્ટ્ર અને સુરત કબજે કરવાની ઇચ્છા અધૂરી જ રહી જશે.
આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનારા ઉદ્યોગપતિ મહેશ સવાણી રાજકારણનો જીવ નથી, પણ સમાજસેવક છે. તેમણે સંખ્યાબંધ અનાથ કન્યાઓને દત્તક લઈને તેમના વિવાહ કરાવી આપ્યા હતા. આ મહિલાઓ સાથે તેઓ આજે પણ પોતાની દીકરીઓ તરીકે વ્યવહાર કરે છે. તેઓ બીજા રાજકારણીઓની જેમ ગામના પૈસે જલસા નથી કરતાં પણ ગાંઠના ગોપીચંદન કરીને સમાજસેવા કરે છે. તેમને હતું કે તેઓ રાજકારણમાં જશે તો સમાજસેવા વધુ જોરથી કરી શકશે. રાજકારણના ડુંગરા તેમને દૂરથી રળિયામણા લાગતા હતા. નજીક જઈને જોયું તો તેમને ખ્યાલ આવ્યો કે રાજકારણમાં તકવાદ અને કાદવ સિવાય બીજું કાંઈ નથી. જેઓ રાજકારણમાં આવે છે તેઓ પ્રજાની સેવા કરવા આવતા નથી પણ પટારા ભરવા જ આવે છે. હજુ તો આમ આદમી પાર્ટીને વિધાનસભામાં એક પણ બેઠક મળી નથી ત્યાં તેમાં સત્તાની સાઠમારી શરૂ થઈ ગઈ હતી.
મહેશ સવાણી માનતા હતા કે આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ કરતાં અલગ છે. તેઓ સત્તાના ભૂખ્યા નથી, પણ દેશના કલ્યાણ માટેની રાજનીતિ કરે છે. અંદર પ્રવેશ કર્યા પછી મહેશ સવાણીને લાગ્યું કે કાગડા બધે કાળા છે. તેમનું રાજકારણથી ભ્રમનિરસન થઈ ગયું છે. તેમને લાગ્યું કે રાજકારણમાં આગળ આવવા તેમણે સમાજસેવા કોરાણે મૂકી દીધી હતી. રાજકારણમાં તો તેમના હાથમાં કાંઈ ન આવ્યું, પણ તેમની સમાજસેવા પણ બંધ થઈ ગઈ હતી. તેમણે ભાજપના કાર્યાલય સામે આંદોલનમાં સામેલ થવું પડ્યું. તેમણે જેલમાં જવું પડ્યું. તેમના માથામાં ઇજા થઈ. તેઓ માંદા પડ્યા. જેલમાં તેમણે ચિંતન કર્યું હશે કે તેઓ ખોટા રસ્તે ચડી ગયા છે. તેમના સ્વભાવમાં કોઈ સાથે દુશ્મનાવટ કરવાનું નહોતું. રાજકારણમાં તેમણે ડગલે ને પગલે દુશ્મનો ઊભા કર્યા હતા. આટલા અનુભવો પરથી બોધપાઠ લઈને તેમણે સક્રિય રાજકારણ છોડી દેવાનો નિર્ણય કર્યો છે.
જેઓ રાજકારણમાં સામેલ થઈને દેશની કે સમાજની સેવા કરવા માગતા હોય તે તમામ માટે મહેશ સવાણીનો કિસ્સો બોધપાઠ સમાન છે. આ બોધપાઠ એવો છે કે રાજકારણમાં સજ્જન અને ઇમાનદાર માણસનું કંઈ કામ નથી. ગમે તેવો સજ્જન અને ઇમાનદાર માણસ રાજકારણમાં પ્રવેશ કરે તો સફળ થવા માટે તેણે પોતાના અંતરાત્માના અવાજની અવગણના કરીને ખોટા ધંધા કરવા જ પડે છે. જો તે ખોટા ધંધા કરવા તૈયાર ન હોય તો રાજકારણમાંથી ફેંકાઈ જાય છે. અરવિંદ કેજરીવાલ પણ રાજકારણમાં સફળ થયા તે પછી તેમનું ચારિત્ર્ય બદલાઈ ગયું છે. જો સજ્જન અને ઇમાનદાર માણસો મોટા પાયા પર રાજકારણમાં પ્રવેશ કરે તો જ આ પરિસ્થિતિ બદલાઈ શકે તેમ છે. – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.