સુરત: એક તરફ સુરતના હીરા બજારમાં (Surat Diamond Industry) મંદીનો માહોલ છે ત્યારે બીજી તરફ લેભાગુ ધૂતારાઓ અવનવી તરકીબો અજમાવીને હીરાના વેપારીઓને ઠગતા હોવાના લીધે હીરા બજારમાં અવિશ્વાસનું વાતાવરણ ઉભું થયું છે. થોડા દિવસ પહેલાં મહીધરપુરાના વેપારીના હીરાના પડીકામાં વિમલ ગુટખા મુકી છેતરપિંડીનો કિસ્સો બન્યો હતો, હવે વરાછાના સહયોગ ચેમ્બર્સના વેપારીને પણ આવી જ મોડેસ ઓપરેન્ડીથી ઠગી લેવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.
વરાછા મીનીબજાર ડાયમંડ વર્લ્ડની સામે સહયોગ ચેમ્બર્સમાં મારૂતી ડાયમંડ નામે હીરાનો ધંધો કરતા વેપારીને ભેટી ગયેલા હીરા દલાલે વેપારીને વેચાણ કરવાના બહાને રૂપિયા 13.21 લાખના મતાના સીવીડી પાતળા અને ઝાડા હીરાનો માલ લઈ ગયા બાદ તેના સાગરીત સાથે મળી પડીકામાંથી ઓરીજનલ હીરાઓ કાઢી તેના બદલામાં ચણાની દાળ અને માટી ભરી પડીકાને સીલ મારી વેપારીને પરત કરી છેતરપિંડી કરી હતી.
મૂળ બોટાદના ગઢડા તાલુકાના લખાણકા ગામના વતની અને હાલ શહેરમાં સરથાણા જકાતનાકા નવજીવન હોટલ પાસે ભુરખીયાધામ સોસાયટીમાં રહેતા ભુપતભાઈ જીવરાજભાઈ માંગુકીયા (ઉ.વ.52) વરાછા મીનીબજાર ડાયમંડ વર્લ્ડની સામે સહયોગ ચેમ્બર્સમાં મારૂતી ડાયમંડ પેઢીના નામે હીરાનો ધંધો કરે છે.
ભુપતભાઈએ ગતરોજ હીરા દલાલ પ્રદિપ માધવજી ધામેલીયા (ઉ.વ.42. રહે,સત્યમ સોસાયટી કતારગામ) અને કિરણ કોઠારી (રહે, વકીલ હાઉસ બિલ્ડિંગ જદાખાડી હીરા બજાર મહિધરપરા) સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓ જણાવ્યું હતું કે આરોપી હીરા દલાલ ગયા મહિને તેમની ઓફિસમાં આવ્યો હતો અને પોતે માર્કેટમાં હીરા દલાલીનુ કામકાજ કરે છે. ઘણા વેપારીઓ તેના સંપર્કમાં છે તેઓને હીરા માટેની ડીમાન્ડ રહે છે.
જો તમારે હીરા વેચાણ કરવા હોઈ તો મને કહેજો કહી પેમેન્ટની જવાબદારી પણ સ્વીકારી એક ટકા દલાલીની વાત કરી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ પ્રદિપ ધામેલીયાએ ગત તા 24 એપ્રિલ 2023ના રોજ 44.25કેરેટના રૂપિયા 3,09,750ના અને 28 એપ્રિલ 2023ના રોજ 66.75 કેરેટના સીવીડી ઝાડા હીરાનો માલ તેની કિંમત રૂપિયા 10,11,375નો મલી કુલ રૂપિયા 13,21,125ના મતાનો હીરાનો માલ વેપારીને બતાવાને લઈ ગયો હતો.
પ્રદિપ ધામેલીયા હીરાના પડીકા લઈ ગયા બાદ કિરણ કોઠારી સાથે મળી પડીકામાંથી ઓરીજનલ હીરા કાઢી તેના બદલામાં દણાની દાળ અને માટી ભરીને પડીકા પરત આપી છેતરપિંડી કરી હતી.