સુરત(Surat): શહેરના ડીંડોલીમાં 20 વર્ષીય યુવકનું થર્ટી ફર્સ્ટની રાત્રે ક્રુર મર્ડર (Murder) થયું હતું. આ કેસમાં ડીંડોલી પોલીસે રિક્ષા ચાલક સહિત ત્રણ આરોપીની ધરપકડ (Arrest) કરી છે. રિક્ષા ચાલકે ગુનો કબૂલી લેતા પોલીસને કહ્યું કે, યુવક સાથે તેને કોઈ જૂની દુશ્મની નહોતી. રિક્ષા સાઈડ પર હટાવવા મામલે યુવકે ગાળ દીધી હતી એટલે મિત્રો સાથે મળી તેની હત્યા કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર 31મી ડિસેમ્બરના રાત્રિના સમય દરમિયાન નવાગામ ડીંડોલી ખાતે આવેલા રેલ્વે ટ્રેક નજીકથી રાજા નામના યુવકની લાશ મળી હતી. ડીંડોલી પોલીસે લાશનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી તપાસ હાથ ધરી હતી. દરમિયાન તપાસમાં એવી વિગતો જાણવા મળી હતી કે લાશ રાજા નામના યુવકની હતી. તેની હત્યા કરાઈ છે. હત્યારા નવાગામ ડીંડોલીમાં ફરી રહ્યા છે.
ચોક્કસ બાતમીના આધારે ડીંડોલી પોલીસની ટીમે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં મુખ્ય આરોપી ઉદય ઉર્ફે ગોલુ વાસુદેવ પાટીલ, શ્રવણ ઉર્ફે રાહુલ રાજકુમાર ઉમરવેશ અને હિમાંશુ ઉર્ફે કાંચા વિજય બહાદુર મોર્યાની ધરપકડ કરવામાં આવી હતી.
ધરપકડ બાદ પોલીસની પૂછપરછમાં મુખ્ય આરોપી ઉદય ઉર્ફે ગોલુ વાસુદેવ પાટીલે કહ્યું હતું કે 31મી ડિસેમ્બરે રાત્રિના 10 વાગ્યાના સુમારે રીક્ષા લઇ મહાદેવ નગર સોસાયટી બહાર ઉભો હતો ત્યારે 20 વર્ષીય રાજા કિશન ગાયકવાડ ત્યાં બાઈક લઈ આવ્યો હતો અને રીક્ષા હટાવી લેવા કહી ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો. યુવકની દાદાગીરીએ કરતા પોતે ઓટોરિક્ષા લઈ ત્યાંથી ચાલ્યો ગયો હતો.
ત્યાર બાદ થોડા સમય પછી પોતાના મિત્રો શ્રવણ ઉર્ફે રાહુલ અને હિમાંશુ ઉર્ફે કાંચા સાથે લાકડાના ફટકા અને ચપ્પુ લઈ મહાદેવ નગર રેલવે પટરી ઉપર પાછો આવ્યો હતો. અહીં રાજા કિશન ગાયકવાડ તેના મિત્રો સાથે બેઠો હતો. તેની ઉપર લાકડા અને ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો.
રાજા કિશન ગાયકવાડના મિત્રો ભાગી ગયા હતા. રાજા કિશન ગાયકવાડને ચપ્પુ અને લાકડાના ફટકા માર્યા હતા. હુમલો કર્યા બાદ ત્રણેય જણા ભાગી ગયા હતા. ઘટનામાં રાજા કિશન ગાયકવાડનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ત્યારે પોલીસે ઘટનાને લઇ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ ડીંડોલી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.