પાવીજેતપુર: પાવી જેતપુર તાલુકાના પાવી ગામે ગોરસ આંબલીના ઝાડ નીચે પત્તાપાનાનો જુગાર રમતાં ચાર ઈસમો માંથી ત્રણ ઈસમોની પાવી જેતપુર પોલીસે રૂ. ૨૩,૮૦૦/- ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે જ્યારે એક ઈસમ પોલીસને જોઈ ભાગી ગયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ પાવી જેતપુર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન પાવી જેતપુર તાલુકાના પાવી ગામ તરફ ગઈ હોય ત્યારે તેઓને ચોક્કસ બાતમી મળી હતી કે પાવી ગામે નદી કિનારા નજીક ખુલ્લી જગ્યામાં ગોરસ આંબલીના ઝાડ નીચે પત્તાપાનાનો જુગાર રમાઇ રહ્યો છે.
બાતમી આધારે પાવીજેતપુર પોલીસ દ્વારા પાવી ગામે સ્થળ ઉપર પહોંચી જુગાર રમી રહેલ ચાર જેટલા ઈસમોને કોર્ડન કરી લેવામાં આવ્યા હતા. પોલીસને દૂરથી જ નિહાળતા જુગાર રમતા આરોપીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. આ રેડ દરમિયાન ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે એક ઈસમ ભાગવામાં સફળ થયો હતો. પોલીસે સ્થળની તેમજ આરોપીઓની અંગ જડતી કરતાં પત્તા પાન વડે પૈસાની હાર જીતનો જુગાર રમી રમતા દાવ ઉપર ના રોકડા રૂપિયા ૧૨,૩૦૦/- તથા અંગ ઝડતીના રોકડા રૂપિયા ૬૦૦૦/- મોબાઈલ નંગ બે ૫૫૦૦/- રૂપિયા મળી કુલ ૨૩,૮૦૦/- ના મુદ્દામાલ સાથે ઈંટવાડાના રહેમાન શાહ ઉર્ફે કાલુ જહુરશાહ દીવાન તેજગઢના જયકુમાર અમરીશભાઈ પંચોલી તેજગઢના પ્રકાશભાઈ રમણભાઈ રોહિતની પાવીજેતપુર પોલીસે ધરપકડ કરી છે જ્યારે પાવીના હિતેશભાઈ કમરસિંગભાઈ રાઠવા ફરાર થવામાં સફળ થઇ ગયા હતા.