વડોદરા: શહેરના આજવારોડ સ્થિત આવ વ્રજભૂમિ સોસાયટીમાં આવેલ પ્રોવિઝન સ્ટોરની મહિલા સંચાલકે અગાઉના બાકી લેવાના પૈસા માંગતા ઉધાર વિમલ લેનાર યુવકે બોલાચાલી ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે ધાકધમકી અને મારામારીની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના આજવારોડ સ્થિત આવ વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા વાસંતીબેન ધોન્ડુરાવ કાલગુડે તેમના મકાનમાં પ્રોવિઝન સ્ટોરનો વેપાર કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. બે વર્ષ પહેલા સોસાયટીમાં રહેતો પ્રવીણ મુન્નેસિંગ પટેલ તેમની દુકાન પરથી રૂ. 1,000ની વિમલ લઇ ગયો હતો. જેના પૈસા લેવાના બાકી હતા.
દરમિયાન એક મહિના પહેલા તેમના દીકરા હર્ષદે પ્રવીણ પાસે પૈસા માંગતા પ્રવીણે બોલાચાલી ઝઘડો કરીને મારમારી
કરી હતી. ત્યારે તે બાબતે બંને વચ્ચે સમાધાન થયું હતું. ગત રોજ બુધવારે વાસંતીબેન તેમની દુકાન ઉપર હતા. ત્યારે જુના ઝઘડાની અદાવતમાં પ્રવીણે વાસંતીબેન સાથે બોલાચાલી કરી ઝઘડો પણ કર્યો હતો. આ ઉપરાંત પોતાના ઘરમાંથી ધારિયું લઇ આવી વાસંતીબેનને મારવા દોડ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે તેમનો દીકરો વચ્ચે પડતા તે ત્યાંથી નાસી ગયો હતો. બનાવ અંગે વાસંતીબેને બાપોદ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રવીણ મુન્નેસિંગ પટેલ વિરુદ્ધ ધાકધમકી અને મારામારીની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.