વલસાડ : વલસાડના (Valsad) સ્ટેડિયમ રોડ ઉપર રવિવારી બજારમાં મહિલા પોલીસ (Women Police) સાથે ગેરવર્તન કરીને મારી નાખવાની ધમકી (Threat) આપનાર વલસાડ જિલ્લા પંચાયતના કોન્ટ્રાક્ટ બેજ પર નોકરી (Job) કરતા ચણવઈના એક મોપેડ ચાલક યુવકની ધરપકડ (Arrest) કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ સ્ટેડિયમ રોડ ઉપર દર રવિવારે રવિવારી બજાર ભરાય છે. ગતરોજ પણ રવિવારી બજાર ભરાઈ હતી. જેને લઈ પોલીસ દ્વારા સ્ટેડિયમ રોડ ઉપર બેરીકેટ લગાવીને રસ્તો બંધ કરાયો હતો. ત્યારે મહિલા પોલીસ કોન્સ્ટેબલ અર્પણાબેન, લોકરક્ષક સેજલ કુમારી અને હોમગાર્ડ સરોજબેન ડ્યુટી પર હતા.
દરમિયાન મોપેડ નં. જીજે 15 ડીએન-4460નો ચાલક સ્ટેડિયમ રોડ બંધ હોવા છતાં સ્ટેડિયમ રોડ પરથી મોપેડ લઈ જતો હતો. તેને પોલીસે ના પાડતા મોપેડ ચાલક એકદમ ઉશ્કેરાઈ જઈને મહિલા પોલીસ કોન્સ્ટેબલને જણાવ્યું કે, ‘તમે મને રોકવાવાળા કોણ છો, હું જોઉં છું મને કોણ રોકે છે’, કહીને મહિલા પોલીસને ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. પોલીસ સાથે જીભાજોડી કરનાર મોપેડ ચાલકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઇને મહિલા પોલીસે ચાલકના વિરોધમાં વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે મોપેડ નંબર પરથી વલસાડ તાલુકાના ચણવાઈ ગામે રહેતો અને જિલ્લા પંચાયતના કોન્ટ્રાક્ટ બેજ પર નોકરી કરતો મોપેડ ચાલક અક્ષય ધનસુખ પટેલની ધરપકડ કરી, આગળની તપાસ હાથ ધરી છે.
યુવાનની આંખમાં મરચાની ભૂકી નાખી ચાકુના ઘા મારી મોબાઇલની લૂંટ
હથોડા : કોસંબા મહુવેજ રોડ પરથી બપોરે પસાર થતાં મુસ્લિમ યુવાનને મોટર સાયકલ પર ધસી આવેલા ત્રણ લૂંટારુંઓએ આંતરી આંખમાં મરચાની ભૂકી નાખી આડેધડ ચાકુના ઘા મારી મોબાઇલ ફોન લૂંટી નાસી ગયા હતા. ઘટનાની વિગત એવી છે કે તરસાડીના ચિસ્તીનગર ખાતે રહેતો આસિફ સિકંદર મલેક (આશરે ઉંમર 40) પોતાની મોટર સાયકલ લઈને બપોરના એકાદ વાગ્યાના સમયે પોતાના કામાર્થે કોસંબા મહુવેજ રોડ પરથી પસાર થતો હતો ત્યારે નજીકમાં આવેલા પટેલ ફાર્મ પાસે રોડ પર એક મોટરસાયકલ પર ત્રણ લૂંટારા ધસી આવી આસિફની મોટરસાયકલ અટકાવી હતી.
ત્રણ લુંટારા પૈકી એક જણાએ આસિફની આંખમાં મરચાની ભૂકી નાખી દેતા આસિફે બુમરાડ પાડતાં લૂંટારોએ આસિફને છાતી, પેટ અને હાથમાં આડેધડ ચાકુના ઘા ઝીંકી દીધા હતા. જેને પગલે આસિફ જમીન પર ફસડાઈ પડ્યો હતો. લૂંટારૂઓ આસિફના મોબાઇલની લૂંટ ચલાવી ભાગી છુટ્યા હતા. બનાવની જાણ થતા લોકોએ આસિફ સિકંદર મલેકને પ્રથમ નજીકમાં આવેલી કોસંબાની આરફ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. પરંતુ તેની તબિયત વધુ લથડતા તેને તાત્કાલિક સુરત ખાતે આવેલી સીડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાં ડોક્ટરોએ ઓપરેશનની પ્રક્રિયા શરૂ કરી છે. મોડી સાંજ સુધી કોસંબા પોલીસમાં બનાવ અંગે ફરિયાદ નોંધાવવા પામી ન હતી.