વિરસદ : બોરસદ તાલુકાના વિવિધ ગામોમાં છેલ્લા ઘણા સમયથી ગૌચર તેમજ સરકાર હસ્તકની કે ગ્રામ પંચાયત માલિકીની જમીનમાંથી માટી ખનન કરવાનું બેરોકટોક ચાલતું હતું. સ્થાનિક નાગરિકો માટે વિકટ સમસ્યા સમાન બનેલા ગેરકાનૂની પ્રવૃત્તિને અટકાવવા માટે માંગ ઉઠવા પામી હતી. પરંતુ કોઈ કારણોસર આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી નહોતી. પરંતુ બોરસદ મામલતદાર કચેરીમાં કાંધરોટી ગામમાં ચાલતા માટી ખનન મામલે થયેલ રજુઆત સંદર્ભમાં મામલતદારે તાબડતોબ કાર્યવાહી કરવામાં આવતા માટી ખનન કરતા ઈસમોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે
કાંધરોટી ગામમાં ચાલતા માટી ખનન મામલે બોરસદ મામલતદાર આરતીબેન ગોસ્વામીને ટેલિફોનિક જાણ થતાં સ્થળ તપાસ કરવા પહોંચી ગયા હતા. આ સ્થળ પર મોટાપાયે માટીનું ગેરકાયદે ખનન જણાતાં નજીકના વિરસદ પોલીસ મથકના પોલીસ કર્મચારી તથા ખાણ ખનિજ વિભાગના કર્મચારીઓને સાથે રાખી તાબડતોબ કાર્યવાહી કરી હતી. કાર્યવાહી દરમિયાન કુલ 4 ટ્રેક્ટર, એક જેસીબી, એક બાઇક સહિત બે ડ્રાઇવરને ખોદકામ કરી માટી લઇ જતા અલગ અલગ રસ્તેથી પકડી પાડ્યા હતા, આ કાર્યવાહી દરમિયાન બે ઈસમો ૨ ટ્રેક્ટર લઈ ફરાર થઈ ગયા હતા. જેઓની શોધખોળ કરવા મામલતદારે જણાવતાં વિરસદ પોલીસે પણ વધુ કાર્યવાહી હાથ ધરી છે. માટી ખનન સ્થળેથી જપ્ત કરેલા વાહનો પોલીસના હવાલે કરવામાં આવ્યા છે.