Comments

ચંડોળા તળાવ વિસ્તારમાં હજારો ભારતીયોનાં ઘરો પણ તોડી પડાયાં છે

પહેલગામમાં આતંકવાદી હુમલા પછી અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંગ્લા દેશીઓ વસે છે તેમ કહીને મેગા ડિમોલિશન ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં બાંગ્લા દેશી મુસ્લિમો ઉપરાંત કેટલાક બિહારી અને બંગાળી મુસ્લિમોનાં મકાનો પણ તોડી પાડવામાં આવ્યાં હતાં. મોટા ઉપાડે શરૂ કરવામાં આવેલી ડિમોલીશનની ઝુંબેશ ગયા સપ્તાહે કોઈ અકળ કારણોસર અટકાવી દેવામાં આવી હતી તે મંગળવારે ફરી શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ દરમિયાન ગુજરાત મોડેલની કરુણ વાસ્તવિકતા નજર સમક્ષ આવી હતી કે આઝાદીનાં ૭૭ વર્ષ પછી પણ સરકાર હજારો ગરીબોને રહેવા માટેનાં મકાન આપી શકી નથી અને હવે ચોમાસું માથા પર છે ત્યારે ગુજરાતમાં ઠેકઠેકાણે મેગા ડિમોલિશન ડ્રાઇવ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં ગરીબ લોકોને કોઈ પણ વૈકલ્પિક આવાસ આપ્યા વિના બેઘર કરવામાં આવ્યાં છે.

લગભગ બે અઠવાડિયાં પહેલાં ચંડોળા તળાવના સિયાસત નગરના બંગાળી વિસ્તારમાં શરૂ થયેલ ડિમોલિશન ઝુંબેશ હવે સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગઈ છે. આ સમય દરમિયાન ગરીબ લોકો કડક પોલીસ સુરક્ષા વચ્ચે પોતાનાં ઘર બચાવવા માટે સંઘર્ષ કરતાં જોવા મળ્યાં હતાં. આ ઝુંબેશ અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક, અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમની હાજરીમાં હાથ ધરવામાં આવી હતી. કાળઝાળ તડકામાં ઊભા રહેલાં લોકો આક્રોશ, ગુસ્સો, લાચારી અને રડતાં બાળકોની ચીસો વચ્ચે ખાખી યુનિફોર્મમાં સજ્જ પોલીસકર્મીઓના જુલમને સહન કરતાં પોતાનાં ઘરો તૂટતાં જોઈ રહ્યાં છે.

આ વિસ્તારમાં હજારો ઘરો હતાં, જે હવે જમીનદોસ્ત થઈ ગયાં છે. જો કે, ધાર્મિક સ્થળોને હાલ પૂરતું આમાંથી બાકાત રાખવામાં આવ્યાં છે. લોકો સવાલ કરી રહ્યા છે કે જો આ મકાનો ગેરકાયદે હતાં તો તેમને આટલાં વર્ષો સુધી કેમ તોડવામાં નહોતાં આવ્યાં? ભાજપના નેતાઓ આ લોકોનો ઉપયોગ પોતાની મતબેન્ક તરીકે કરી રહ્યા હતા. અમદાવાદમાં આવી ગયેલા તમામ મ્યુનિસિપલ કમિશનરે આ ગેરકાયદે બાંધકામો પ્રત્યે આંખ આડા કાન કર્યા હતા. હવે તેમના રાજકીય ગોડફાધરોના ઇશારે કોઈ પણ નોટિસ વગર લોકોને બેઘર કરવામાં આવ્યા છે.

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલું ચંડોળા તળાવ લગભગ ૧,૨૦૦ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે. જ્યારે પણ અમદાવાદમાં ગેરકાયદેસર રીતે રહેતાં વિદેશી નાગરિકો, ખાસ કરીને બાંગ્લા દેશી નાગરિકોનો મુદ્દો ચર્ચામાં આવે છે, ત્યારે દાણીલીમડા, શાહઆલમ, મણિનગર અને ઇસનપુર વચ્ચે આવેલાં ચંડોળા તળાવની આસપાસની વસાહતો ચોક્કસપણે સામે આવે છે. પોલીસે અગાઉ પણ ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ગયા વર્ષે ૨૪ ઓક્ટોબરના રોજ ગુજરાત પોલીસે કાર્યવાહી કરી હતી અને લગભગ ૪૮ લોકોની અટકાયત કરી હતી અને તેમને બાંગ્લા દેશ મોકલવાની પ્રક્રિયા શરૂ કરી હતી. પોલીસે તે સમયે દાવો કર્યો હતો કે આ બધાં લોકો નકલી આધાર કાર્ડ, રેશન કાર્ડ વગેરેના આધારે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર મકાનોમાં રહેતાં હતાં. અહીં રહેતાં કેટલાંક લોકોએ જણાવ્યું કે તેમની પાસે બધા દસ્તાવેજો છે અને તેઓ દાયકાઓથી આ વિસ્તારમાં રહે છે. ચંડોળા તળાવ વિસ્તારમાં રહેતાં બાંગ્લા દેશીઓને દૂર કરવાના નામે સૂકા ભેગું લીલું પણ બાળવામાં આવી રહ્યું છે.

ચંડોળા તળાવ દાણીલીમડા, ઇસનપુર અને શાહ-એ-આલમ જેવા વિસ્તારોમાં ફેલાયેલું છે. આ આખા વિસ્તારમાં કેટલાં ઘર હશે તેનો કોઈ ચોક્કસ અંદાજ નથી, પરંતુ ઘણાં લોકો કહે છે કે તેમની સંખ્યા હજારોમાં હશે. આ બધાં લોકો હાલમાં ચંડોળા તળાવના મેદાનમાં બનેલી નાની ઝૂંપડીઓમાં રહે છે અને ભાડાનું ઘર મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. બે અઠવાડિયાં પહેલાં જેસીબી દ્વારા જેમનાં ઘરો નાશ પામ્યાં હતાં તે કેટલાંક લોકો હવે નજીકના વિસ્તારોમાં રહેવા માટે સ્થળાંતર કરી રહ્યાં છે. વહીવટીતંત્રનું માનવું છે કે આ વિસ્તારમાં વેશ્યાવૃત્તિ, ડ્રગ્સનો વેપાર, દારૂનો ધંધો, સટ્ટો અને જુગાર સહિત ઘણી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેરાત કરી છે કે સરકારી આવાસ યોજના હેઠળ રૂ. ૭,૫૦૦ ચૂકવીને વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરી શકાય છે, પરંતુ તેમની પાસે ૭,૫૦૦ રૂપિયા પણ નથી.

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ૨.૫૦ લાખ ચોરસ મીટરથી વધુ જમીન પર ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ડિમોલિશન પ્રક્રિયા દરમિયાન સુરક્ષા માટે ૩,૦૦૦ થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યાં હતાં. મોટી સંખ્યામાં બુલડોઝર લાવવામાં આવ્યા હતા. એસઆરપીની ૨૫ કંપનીઓ અને ૩,૦૦૦ પોલીસકર્મીઓની તૈનાતી સાથે આ અતિક્રમણ દૂર કરવામાં આવી રહ્યું છે. પહેલી વાર ઝુંબેશ દરમિયાન પકડાયેલાં લોકો સામે દેશનિકાલની કાર્યવાહી કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં કોર્પોરેશન દ્વારા લગભગ ૧.૫ લાખ ચોરસ મીટર વિસ્તાર સાફ કરવામાં આવ્યો હતો અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વિસ્તારમાં મોટા પાયે તોડફોડ કરવામાં આવી હતી.

આ વિસ્તારમાં રહેતાં કેટલાંક લોકોએ મકાનો તોડી પાડવાની કાર્યવાહી અટકાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જો કે, હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી છે, તેથી મકાનો તોડી પાડવાની પ્રક્રિયા ચાલુ છે. આ અરજી અંગે વકીલ આનંદ યાજ્ઞિકે પત્રકારોને જણાવ્યું હતું કે ચંડોળા તળાવની આસપાસ રહેતાં લોકોમાં કેટલાંક બાંગ્લા દેશીઓ હોઈ શકે છે તે વાતને નકારી શકાય નહીં. જો કોઈ બાંગ્લા દેશી છે, તો મારું માનવું છે કે તેને સન્માન સાથે અને કાયદેસર રીતે બાંગ્લા દેશ પરત મોકલવાં જોઈએ. ગુજરાત સરકારે એપ્રિલ મહિનામાં જે ૧,૨૦૦થી ૧,૫૦૦ લોકોને પકડ્યાં હતાં તેમાંથી ૯૦ ટકા લોકોને છોડી દીધાં છે, કારણ કે તેઓ ભારતનાં મુસ્લિમ નાગરિકો હતાં. હવે તેમનાં મકાનો પણ તોડી પાડવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

ચંડોળા તળાવ પાસે બશીર અલાઉદ્દીન નામનો એક વૃદ્ધ માણસ પોતાનો સામાન લઈને બેઠો હતો. તેણે ૧૯૭૦ના દાયકાથી સખત મહેનત કરીને પોતાનું ઘર બનાવ્યું છે. તેના પરિવારમાં લગભગ ૩૦ લોકો છે, જેમાં તેમનાં ભાઈ અને બહેનનાં પરિવારનો પણ સમાવેશ થાય છે. તેની પાસે લગભગ ૫૦ ઘેટાં, બકરાં, મરઘીઓ વગેરે છે. આ બધાં લોકો સાથે તે ચંડોળા તળાવના મેદાનમાં પોતાનો સામાન લઈને બેઠો છે. તે કહે છે કે મારું હૃદય ખૂબ જ દુઃખી છે, મને સમજાતું નથી કે શું કરું. મેં આ ઘેટાં-બકરાંને મારાં બાળકોની જેમ ઉછેર્યાં છે, હવે મારી પાસે તેમને વેચવા સિવાય કોઈ વિકલ્પ નથી. તેની પત્નીનાં આંસુ અટકતાં નહોતાં. તેણે કહ્યું કે અમે આ પ્રાણીઓને ક્યાં લઈ જઈએ? કોઈ અમને ઘર ભાડે પણ નથી આપતું. પોતાનું ઘર બરબાદ થયેલું જોઈને બશીરભાઈએ કહ્યું કે ગઈ કાલે અહીં શાંતિ હતી. આજે કાટમાળના ઢગલા છે. જુઓ શું થયું છે? મારું હૃદય દુઃખી છે. તેના ઘરની બાજુમાં જ બિસ્મિલ્લા બીબીનું ઘર હતું. તે સાંજે ચંડોળા વિસ્તારમાં પાપડ અને બટાકા વેચીને ગુજરાન ચલાવતી હતી. તે કહે છે કે મને ખબર નથી કે હવે હું કેવી રીતે બચીશ. મને ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે. મને ખબર નથી કે હું ક્યાં જઈશ.

ચંડોળા તળાવ વિસ્તારમાં મુસ્લિમો ઉપરાંત ગરીબ હિન્દુઓનાં ઘરો પણ તોડી પાડવામાં આવ્યાં છે. તેમાંનાં એક હીરાબહેનની માતા ૪૦ વર્ષથી ચંડોળામાં રહે છે. હીરાબહેને કહ્યું કે અમે અમદાવાદના મીરા વિસ્તારમાં રહેતા હતા, જ્યાં રમખાણો થયાં હતાં. તેથી અમે તે વિસ્તાર છોડીને ચંડોળામાં રહેવા આવ્યાં હતાં. ગઈ કાલે બુલડોઝર આવ્યું અને એક જ દિવસમાં અમે બેઘર થઈ ગયાં.

પહેલગામમાં તો લોકોને પૂછપરછ કર્યા પછી મારી નાંખવામાં આવ્યાં, અહીં તેઓએ પૂછ્યા વિના અમારું ઘર તોડી પાડ્યું. સવિતા ચાવડા નામની વૃદ્ધ મહિલાએ કહ્યું કે અમે આ ઘર ઈંટો ભેગી કરીને બનાવ્યું છે. અમારી પાસે ક્યાંય ઘર ભાડે લેવા માટે પૂરતા પૈસા નથી. તેથી અમારે કહેવું પડશે કે કૃપા કરીને અમને બીજે ક્યાંક રહેવા માટે જગ્યા આપો. સવિતાબહેને કહ્યું કે અમે ગઈ રાત રસ્તા પર વિતાવી હતી. લોકોએ અમને ખાવાનું આપ્યું તે અમે અહીં રસ્તા પર બેસીને ખાધું છે. આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top