Business

સાપ -સીડીની રમત જેવી છે શ્રીમંતોની આ ચડતી-પડતી

અહીં વાત છે વિશ્વના સૌથી શ્રીમંતોની યાદીમાં સમાવેશ એવા અમીરોની. આ લક્ષ્મીપુત્રોની નામાવલિ પણ એક અજબની જણસ છે. પ્રત્યક દિવસે એ બદલાતી જાય-પલટાતી જાય. વધતી-ઘટતી સંપત્તિ અનુસાર અમીરોનો ક્રમાંક બદલાતો જાય. આજનો સૌથી શ્રીમંત આવતી કાલે ‘નંબર -વન’માંથી પાંચમા નંબરે ધકેલાઈ જાય. …ધનવાનોની આવી યાદીમાં કોર્પોરેટ વર્લ્ડને વધુ રસ પડે એટલે અમીરોની વધતી-ઘટતી આવક-મિલકત-સંપત્તિના ખબરઅંતર ફોર્બ્સ-ફોર્ચ્યુન-બિઝનેસવીક(બ્લૂમબર્ગ) અને ઈ.ટી. વેલ્થ ઈત્યાદિ જેવાં મેગેઝિન્સ રાખે છે. રાજ્કારણીઓ તો આવા શ્રીમંતો પર વિશેષ ધ્યાન રાખે કારણ કે સંપત્તિના આંકડા દ્વારા જાણ થાય કે ક્યા શ્રીમંત ક્યા ક્ષેત્રમાં વધુ વગ ધરાવે છે અને ભવિષ્યમાં એમની વગનો રાજકારણમાં કેવી રીતે ઉપયોગ કરવો….

 હમણાં શ્રીમંતોની યાદીમાં આવી ઊથલપાથલ આપણા ઘરઆંગણે થઈ ગઈ. કોવિડના ઓછાયામાં દેશને જબરો આર્થિક ફ્ટકો પડ્યો હતો છતાં ન જાણે કેમ આપણા શેરબજારનો ઈન્ડેક્સ છેલ્લાં દોઢેક વર્ષથી સતત એવો વધતો રહ્યો કે શેરબજારના આર્થિક પંડિતોથી લઈને ખાંટુ ખેલાડીઓ વિસ્મય પામી રહ્યા હતા ત્યાં અચાનક શેરમાર્કેટમાં જબરો કડાકો થયો. આના કારણે ‘રિલાયન્સ’ શેરના ભાવ તૂટયા અને ‘અદાણી’ ગ્રુપના શેરોમાં તેજી આવી. આ અને શેરમાર્કેટનાં અન્ય પરિબળોને લીધે નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં પ્રવાહ એવો પલટાયો કે વર્ષોથી દેશના સૌથી ધનિકના પદે રહેલા મુકેશ અંબાણીને ખસેડીને ગૌતમ અદાણી ગોઠવાઈ ગયા. એટલું જ નહીં, એ એશિયાના પણ સૌથી અમીર આદમી બની ગયા.

આમ જુઓ તો આ બધા ક્રમાંક કામચલાઉ છે. ક્યારેક થોડા દિવસ તો કયારેક કેટલાક કલાક્ની જ આ રમત હોય છે. થોડાં વર્ષ અગાઉ-૨૦૧૫ની એક સવારે અચાનક શેરબજારની રૂખ એવી બદલાય કે મુકેશ અંબાણીના સ્થાને ‘સનફાર્મા’ના દિલીપ સંઘવી ભારતના સૌથી શ્રીમંત બની ગયા અને એ પછી ગણતરીના કલાકોમાં જ મુકેશભાઈ ફરી દેશના સૌથી ધનાઢય વ્યક્તિ બની ગયા હતા! અત્યારના સિનારિયોમાંય આનું ઍકશન રિ-પ્લે થઈ શકે. આ કૉલમ પ્રગટ થશે ત્યાં સુધીમાં ફરી એક વાર મુકેશ અંબાણી- ગૌતમ અદાણીના ‘શ્રીમંત’ ક્રમાંક પલટાઈ પણ જાય તો નવાઈ પામવા જેવું કશું નથી….

સામાન્ય રીતે,આપણે ત્યાં શ્રીમંતોના ક્ર્માંકમાં આવા પલટા આવતા નથી પણ આ પ્રકારની ફેરબદલી વિદેશી અબજોપતિમાં બહુ સામાન્ય છે. આજે બિલ ગેટ્સ ધનવાનોની યાદીમાં નંબર –1  છે તો કાલે એના સ્થાને વોરેન બફેટ  આવી શકે તો પરમ દિવસે એના સ્થાને ‘ફેસબુક’ના માર્ક ઝુકરબર્ગ પણ ગોઠવાય શકે. ત્યાંના અમીરોમાં આવી ‘હુંસાતુંસી’ સતત ચાલ્યા જ કરે છે. એમાંય છેલ્લાં ૪-૫ વર્ષથી તો બિલ ગેટ્સ- વોરેન બફેટ – જેફ બેઝોસ-માર્ક ઝુકરબર્ગ- એલોન મસ્ક- રિચાર્ડ બ્રાનસન ઈત્યાદિ અબજોપતિઓ વચ્ચે વિશ્વના સૌથી શ્રીમંત થવાની હોડ ચાલે છે. જો કે એમાંય છેલ્લા કેટલાક સમયથી ખરાખરીના ખેલ તો જેફ બેઝોસ અને એલોન મસ્ક વચ્ચે રમાય છે. રાતે જો એલોન મસ્ક વિશ્વનો સૌથી માલદાર આદમી હોય તો બીજી સવારે દુનિયાના સૌથી અમીર વ્યક્તિના સ્થાને જેફ બેઝોસ હોય…! અત્યારે આપણે ત્યાં અંબાણી-અદાણી ગ્રુપ વચ્ચે જે રસ્સીખેંચની રમત ચાલી રહી છે એવી જ ગેમ જેફ અને એલોન વચ્ચે રમાઈ રહી છે. એ બન્ને વચ્ચે ‘નજીવા’ અબજો ડોલરના તફાવતને લીધે ‘વર્લ્ડ રિચેસ્ટ મેન’ના પદ માટે ખેલ ખરાખરીનો-ખેલ બરાબરીનો જામ્યો છે.

 આમેય ‘એમેઝોન’ના સર્વેસર્વા એવા જેફ બેઝોસ અને અતિ આધુનિક ઈલેક્ટ્રિક કાર ‘ટેસ્લા’ના ઉત્પાદક એવા એલોન મસ્ક વચ્ચે ઉદ્યોગ-ધંધામાં એક્મેકને પછાડવાની ‘શેડો બૉક્સિંગ’ લાંબા સમયથી ચાલે છે. એમાં થોડા મહિના પહેલાં એ બન્ને વચ્ચે સર્વપ્રથમ અંતરિક્ષ યાત્રા કરવાની સ્પર્ધા જામી હતી. ‘સ્પેસ ટુરિઝમ’માં પહેલું કોણ મેદાન મારે છે એની ઉત્તેજનાસભર રસાકસી પણ શરૂ થઈ હતી,જે હજુ ચાલે છે.  જેફ બેઝોસ સ્વભાવે-વિચારે ધીરગંભીર માણસ છે. વ્યવસ્થિત પ્લાનિંગ વગર એ કોઈ પણ કામનો નિર્ણય લેતો નથી અને એ પોતાને સંતોષ ન થાય ત્યાં સુધી એ પોતાના કોઈ વિચાર કે નિર્ણયની કોઈને જાણ પણ થવા દેતો નથી. એક જ ધંધામાં વિકાસ કરવાને બદલે એ વિભિન્ન ધંધામાં હાથ અજમાવતો રહે છે..

 આવા જેફ બેઝોસની સરખામણીએ એલોન મસ્ક ક્યારે શું કરશે એ કળી ન શકાય એવો અલગારી ધંધાદારી આદમી છે. એ પોતાના ચાહકો – ગ્રાહકો સાથે ખુલ્લા દિલે વાત કરવામાં માને છે. કેટલાક આર્થિક નિર્ણય લેતાં પહેલાં એ પોતાના ચાહકોના અભિપ્રાય પણ જાહેરમાં પૂછતા અચકાતો નથી. તાજેતરમાં જ એણે ‘ટ્વિટર’ પર લોકોને પૂછયું કે ‘સરકારી ટેક્સ ચૂકવવા શું મારે ‘ટેસ્લા’ના અમુક ટકા શેર્સ વેચી નાખવા જોઈએ?’ આવા ટ્વિટર પોલ દ્વારા એણે લોકમત લીધો. એમાં આશરે ૩૧ લાખ લોકોએ ભાગ લીધો એમાંથી ૫૮ % લોકોએ કહ્યું : ‘હા, વેચો…’ અને એલોન મસ્કે આંખનું મટકું માર્યા વગર રાતોરાત લગભગ ૭ અબજ ડોલરના શેર્સ વેચી નાખ્યા…!

Mukesh Ambani may look to Walton family playbook on succession: Report -  Hindustan Times

આજની તારીખે (આ લખાય છે એ ૨૮ નવેમ્બર-૨૦૨૧ની રાતે) જગતના સૌથી પ્રથમ પાંચ ધનવાનની યાદીમાં એલોન મસ્ક પ્રથમ સ્થાને છે. આજે એની સંપત્તિ ૨૯૨ અબજ ડોલરના આંકને આંબી ગઈ છે. (જસ્ટ જાણ ખાતર, ૧ ડોલર= આપણા ૭૫ રૂપિયા ). બીજે ક્ર્માંકે છે ‘એમેઝોન’ના જેફ બેઝોસ,જેમની સંપત્તિ છે ૧૯૬.૩ અબજ. આમ બન્નેની કુલ સંપત્તિ ગણો તો થાય ૪૮૮.૩ અબજ! 

‘યુનો’ના કહેવા મુજબ આજે દુનિયામાં દર વર્ષે ૯૦ લાખથી વધુ લોકો ભૂખમરાથી પ્રાણ ગુમાવે છે. દર વર્ષે આશરે ૪ કરોડથી વધુ લોકો ભૂખમરાના ભોગ બને એવી આશંકા પણ છે .એમને ઉગારવા માટે ૬ અબજ ડોલરની જરૂર છે. બીજી તરફ, જેફ બેઝોસની આજે જે પણ ધન-સંપત્તિ છે એના માત્ર ૩% અને એલોન મસ્કની સંપત્તિના માત્ર ૨% રકમ જ એ ભૂખમરાને ટાળવા માટે પૂરતી છે…! આપણે ત્યાં પણ આ જ રીતે અંબાણી- અદાણી જેવા અમીર પરિવારોની આવક -મિલકત અનુસાર એમાંથી કેટલા ટકા રકમ ક્યા ક્યા લોકસેવાનાં કાર્યમાં સ-રસ રીતે ઉપયોગમાં લઈ શકાય એ વિચારવા જેવું છે….

Most Popular

To Top