National

સુરતમાં આગામી 24 કલાક ધોધમાર વરસાદની આગાહી, ઠંડી પણ વધશે

અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) શિયાળાની સિઝનમાં( winter season) ચોમાસા (Monsoon) જેવી સ્થિતિ ઉભી થઈ છે. કમોસમી વરસાદના (Rain) કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો છે. હવામાન વિભાગ (weather department)દ્વારા આગાહી (Forecast) કરવામાં આવી હતી કે 30 નવેમ્બરની સાંજથી વાતાવરણમાં પલટો આવશે અને 1 ડિસેમ્બર અને 2 ડિસેમ્બરે વરસાદ પડી શકે છે. આગાહી અનુસાર કાલ રાતથી જ ગુજરાતનાં અલગ અલગ શહેરોમાં વરસાદ પડવા માંડ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 22 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ ગીર-સોમનાથ (Gir Somnath) જિલ્લાના ઉના તાલુકામાં 29 મિમી નોંધાયો છે. બુધવારે રાત્રે અમદાવાદ, સુરત સહિત વડોદરા શહેરના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતાં. જ્યારે અમદાવાદના પૂર્વ અને પશ્વિમ વિસ્તારમાં વહેલી સવારે 6 વાગ્યે ધીમી ધારે વરસાદી ઝાંપટા હતાં. સુરત શહેરમાં બુધવારે રાત્રે ઝાપટાં પડ્યા બાદ આજે સવારથી જ ધીમી ગતિએ રિમઝીમ વરસાદ વરસી રહ્યો છે. વરસાદ સાથે ઠંડા પવન ફૂંકાવાના લીધે શહેરીજનો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. નોકરીયાતોને સવારે રેઈનકોટ લઈને બહાર નીકળવાની ફરજ પડી હતી.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાઈ રહેલા લો પ્રેશરના કારણે કમોસમી વરસાદ પડી રહ્યો હોવાનું હવામાન વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. લો પ્રેશર (Low pressure) અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbances) ને કારણે વરસાદ પડી રહ્યો છે. વરસાદના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવ્યાં છે. રાજ્યમાં આવતી કાલે પણ વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ પણ વરસાદ પડવાની આગાહી છે. ડાંગ, તાપી, આહવા, સુરત, દાહોદ અને અમદાવાદમાં વરસાદની સ્થિતિ રહેશે. તેમજ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના છે.

વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડી પ્રસરી ગઈ હતી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 22 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લાનાં ઉના તાલુકામાં 29 મિ.મી વરસાદ નોંધાયો છે. તેમજ આવતી કાલે સુરતમાં અઢી ઈંચ વરસાદ પડવાની શકયતા છે. માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સુરત શહેરનું મહત્તમ તાપમાન 33.1 ડીગ્રી અને લઘુતમ 23.4 ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 47 ટકા અને સાંજે 38 ટકા રહ્યું છે. નવસારીમાં પણ વરસાદ પડ્યો હતો. એ ઉપરાંત મહીસાગર જિલ્લાના કેટલાક વિસ્તારો તથા પંચમહાલમાં પણ દાહોદ અને લીમડી સહિતના વિસ્તારોમાં માવઠું થયું છે.

હવામાન વિભાગે કરેલી આગાહીના પગલે માર્કેટ યાર્ડ હરકતમાં આવી ગયું છે. અમદાવાદ અને રાજકોટની માર્કેટ યાર્ડમાં ખુલ્લા પડેલા અનાજને ઢાંકવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજકોટ માર્કટિંગ યાર્ડે ખુલ્લામાં પડેલી 30 હજાર ગુણ મગફળી ઢાંકવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી જણાવ્યું હતું કે 30 નવેમ્બરની સાંજથી વાતાવરણમાં પલટો આવશે. બંગાળની ખાડીના લો પ્રેશરના કારણે કમોસમી વરસાદ વરસી શકે છે. 30 નવેમ્બરની 2 ડિસેમ્બર સુધી કમોસમી વરસાદ પડી શકે છે.

Most Popular

To Top