વાપી, ઉમરગામ : ઉમરગામ વિધાનસભા વિસ્તાર એક તરફ મહારાષ્ટ્ર તો બીજી તરફ સંઘપ્રદેશ સાથે સંકળાયેલો છે. એક તરફ દરિયા કાંઠો હોવાથી આ વિધાનસભા વિસ્તાર ગુજરાતનું પ્રવેશ દ્વાર પણ ગણાય છે. ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ભાજપે તેનો ગઢ હવે સલામત રાખવાનો જંગ ખેલવાનો છે. જયારે છેલ્લી ત્રણ ચૂંટણીથી લાગલગાટ હારનો સામનો કરી રહેલી કોંગ્રેસ માટે હવે તેનો જૂનો ગઢ ફરી મેળવવાનો પ્રતિષ્ઠાનો જંગ છે. અહીં ભાજપ-કોંગ્રેસ સાથે આ વખતે આપ પાર્ટીએ પણ એન્ટ્રી મારી છે. જોકે ઉમરગામ વિધાનસભા બેઠકનો ઇતિહાસ છે કે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો જ અહીં સ્પર્ધામાં રહે છે. પરંતુ રાજકીય સમીકરણો ક્યારે બદલાય તે કહી શકાય નહીં. આ ચૂંટણી ઘણી રીતે સિમાચિન્હરૂપ બની રહેશે. ૨૦૦૨માં ભાજપના રમણભાઈને કોંગ્રેસના શંકરભાઈ વારલીએ નજીવી લીડથી હરાવ્યા હતા. તે સમયે શિવસેનાએ અહીં ઉમદવાર ઊભો રાખ્યો હતો. તે ભાજપના મત તોડી ગયો હતો. આ વખતે આપ કોને નડે છે તે કહી શકાય નહીં. ભાજપ અને આપ પાર્ટી તરફથી હજી ઉમેદવાર જાહેર થયા નથી. જયારે કોંગ્રેસે આ વખતે વારલી સમાજમાંથી ઉમેદવાર જાહેર કર્યો છે.
છેલ્લી ચૂંટણીમાં ભાજપ 41,690 મતે જીત્યું હતું
વિધાનસભાની ઉમરગામ બેઠક ઉપર 2017ની ચૂંટણીમાં ભાજપના રમણભાઈ પટેલ 41,690 મતથી જીત્યા હતા. ભાજપના ઉમેદવાર રમણભાઈને 96,004 મત મળ્યા હતાં. જયારે કોંગ્રેસના ઉમેદવાર અશોકભાઈ પટેલને 54,314 મત મળ્યા હતા. આમ 41,690 જેવી મોટી લીડથી ભાજપનો વિજય થયો હતો. છેલ્લી ચૂંટણીમાં ભાજપના વારલી જ્ઞાતિના ઉમેદવાર રમણભાઈની સામે કોંગ્રેસે ધોડી સમાજના અશોકભાઈ પટેલને ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા. રમણભાઈ પાંચમી વખત આ બેઠક ઉપર જીત્યા હતાં.
ઉમરગામ વિધાનસભા બેઠકનો ઇતિહાસ
182 નંબરની ઉમરગામ વિધાનસભા બેઠક અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે અનામત બેઠક છે. ઉમરગામ વિધાનસભા મત વિસ્તારમાં વાપી તાલુકાના ડુંગરા તેમજ ચણોદનો સમાવેશ થયો છે. 1962થી 1990 સુધી આ બેઠક પર કોંગ્રેસના જ ઉમેદવાર જીતતા આવ્યા છે. એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી ઉમરગામ વિધાનસભા બેઠક હવે ભાજપ માટે સલામત બેઠક બની ગઈ છે. ખાસ તો આ બેઠક પરના ભાજપના વારલી જ્ઞાતિના ઉમેદવાર રમણભાઇ પાટકર હવે ભાજપ માટે સક્ષમ ઉમદવાર સાબિત થઇ રહ્યાં છે. પરંતુ એ પહેલા આ બેઠક પર ધોડી જ્ઞાતિના છોટુભાઇ વેસ્તાભાઇ પટેલનો દબદબો હતો. ૧૯૭૫થી કોંગ્રેસના છોટુભાઇ પટેલ 1990 સુધી ચાર ચૂંટણીમાં લાગલગાટ આ બેઠક પર જીત્યા હતા. જેમાં હાલના ધારાસભ્ય રમણભાઇ પાટકર બે વખત જનતા પાર્ટી તેમજ એક વખત જનતાદળમાંથી ઉભા રહ્યાં હતા ત્યારે પરાજયનો સામનો કરવો પડયો હતો. જયારે 1995માં પહેલી વખત રમણભાઇ ભાજપમાંથી ઉભા રહ્યાં ત્યારે છોટુભાઇ પટેલનો પરાજય થયો હતો. આ બેઠક પર 2002માં કોંગ્રેસના શંકરભાઇ વારલી સામે ભાજપના રમણભાઇ પાટકરનો પરાજય થયો હતો. ત્યાર બાદ ત્રણે ચૂંટણીમાં રમણભાઇ જીતતા આવ્યા છે. રમણભાઇ આ બેઠક પરથી ચાર વખત હાર્યા છે અને પાંચ વખત જીત્યા છે. ઉમરગામ બેઠક ઉપર હાલ 1,51,902 પુરુષ મતદારો જયારે 1,33,493 સ્ત્રી મતદારો છે. અન્ય 3 મતદારો છે. વલસાડ જિલ્લાની પાંચ બેઠકોમાં સૌથી વધુ મતદારો 2,85,398 ઉમરગામ બેઠક પર છે.
છેલ્લી ત્રણ ચૂંટણી ચૂંટણીના પરિણામ
વિધાનસભા ચૂંટણી- 2007
- રમણભાઇ પાટકર(ભાજપ) મળેલ મત- 85,278
- ભરતભાઇ ધોડી (કોંગ્રેસ) મળેલ મત – 33,667
- ભાજપના રમણભાઇનો 51,611 મતે વિજય
વિધાનસભા ચૂંટણી- 20212
- રમણભાઇ પાટપ) મળેલ મત- 69,450
- ગોવિંદભાઇ પટેલ (કોંગ્રેસ) મળેલ મત- 41,151
- ભાજપના રમણભાઇનો 28,299 મતથી વિજય
વિધાનસભા – 2017
- રમણભાઈ પાટકર (ભાજપ) મળેલ મત – 96,004
- અશોકભાઈ પટેલ (કોંગ્રેસ) મળેલ મત – 54,314
- ભાજપના રમણભાઈનો 41,690 મતથી વિજય
આ બેઠક ઉપર જ્ઞાતિના સમીકરણ
વારલી: 23 ટકા
ઓબીસી: 22 ટકા
ધોડી: 17 ટકા
હળપતિ: 7 ટકા
આ બેઠક ઉપર મહત્વના મુદ્દાઓ
– પોરબંદર સુધી માછીમારી કરવા જવુ પડતું હોવાથી મત્સ્ય બંદરની 40 હજાર ખલાસીની માગ
– વાપી, દમણ કે વલસાડ સુધી જવુ પડતું હોવાથી મીની સિવિલ જેવી હોસ્પિટલની માગ છે
– અહીં એક સરકારી એન્જિનિયરીંગ કોલેજની પણ વર્ષો જૂની માગ છે
– ભીલાડ ડહેલી સુગર ફેકટરી બે દાયકા કરતા વધુ સમયથી કાર્યરત થઇ નથી
ભાજપના સંભવિત ઉમેદવાર
ભાજપના ઉમેદવાર તરીકે કાંઠાના વિસ્તાર પર પકડ ધરાવતા વારલી સમાજમાંથી આવતા રમણભાઈ પાટકર અહીં ૨૦૧૭માં જીત્યા બાદ રૂપાણીની સરકારમાં વન અને આદિજાતીના મંત્રી બન્યા હતા. પાંચ વખત આ બેઠક પર વિજેતા થયેલા રમણભાઈ પાટકર છેલ્લી ચૂંટણીમાં પણ મોટી લીડથી જીત્યા હતા.
કોંગ્રેસના ઉમેદવાર નરેશભાઈ પાળવી
કોંગ્રેસના ઉમેદવાર નરેશભાઈ પાળવી ગ્રામ પંચાયતમાં સરપંચથી લઈને તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતમાં આ વિસ્તારમાંથી સભ્ય તરીકે જીત્યા હતા. વારલી સમાજમાંથી આવતા નરેશભાઈની પોતાની પ્રતિભા એવી છે કે તેમના દરેક સાથે વ્યકિતગત સંબંધ તેમનું જમા પાસું છે.