સુરત : (Surat) સુરત મનપાની આસપાસના વિસ્તારનો પણ સમતોલ વિકાસ કરવા માટે એકથી વધુ આયોજન સુરત અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી (SUDA) દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતને અડીને પસાર થઇ રહેલા મહત્વાકાંક્ષી એવા બુલેટ ટ્રેનને (Bullet Train) પ્રોજેકટના સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં પણ વધુમાં વધુ વિકાસ થાય તેવું સ્પેશિયલ પ્લાનિંગ પણ કરાયું છે.
મ્યુનિ.કમિ. અને સુડાના ચેરમેન બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેનનું જે સ્ટેશન સુરતને અડીને અંત્રોલી ખાતે બનનાર છે તેને ધ્યાને રાખીને અંત્રોલીની આસપાસના વિસ્તારના વિકાસ માટે સુડા દ્વારા સ્પેશિયલ આયોજન કરવામાં આવ્યુ છે. સુડા સ્પેશિયલ ટ્રાન્ઝિકટ ઓરિએન્ટલ ડેવલોપમેન્ટ પ્લાન તરીકે ઓળખાનારા આ પ્લાનિંગમાં અંત્રોલી બુલેટ ટ્રેન સ્ટેશનની આસપાસના 906 હેકટર વિસ્તારમાં સ્પેશિયલ પ્લાનિંગ કરાશે. આ જગ્યા હાલ મોટા ભાગે ગ્રીન ફીલ્ડ છે. એટલે કે કોરી પાટી જેવી હોવાથી ત્યાં જેવું કરવું હોય તેવું પ્લાનિંગ થઇ શકે તેમ છે. આ પ્લાનિંગના કારણે કામરેજ-પલસાણા કોરિડોર, આઉટર રિંગ રોડ અને હાઇસ્પીડ રેલ કોરિડોર (Bullet Train)ના વિસ્તારોને ફાયદો થશે.
બુલેટ ટ્રેન માટે જાપાન ટેકનિકલ આસિસ્ટન્ટ આપશે
બુલેટ ટ્રેન દેશનો મહત્વાકાંક્ષી પ્રોજેકટ છે. જાપાન (Japan) સરકાર આ પ્રોજેકટમાં ફન્ડિંગ કરી રહી છે. આ પ્રોજેકટ જાપાનમાં સાકાર કરનાર કંપની ‘જાયકા’ જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી’ દ્વારા આ પ્રોજેકટને આગળ વધારવા મદદ કરવાના કરાર થયા છે. તેથી તાજેતરમાં આ કંપની દ્વારા પ્રોજેકટ માટે ટેકનિકલ આસિસ્ટન્ટ આપવાની સહમતી આવી ચૂકી હોવાનું પણ સુડાના ચેરમેન બંછાનિધી પાનીએ જણાવ્યું હતું.