સુરત: ઓમિક્રોન (Omicron) ની દહેશત વચ્ચે સુરતમાં કોરોનાના કેસમાં એકાએક વધારો થવા માંડતા તંત્ર દોડતું થયું છે. કામરેજ વિસ્તારમાં કોરોનાના લીધે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે તો બીજી તરફ સુરતના અડાજણ વિસ્તારમાં એક જ પરિવારના 5 સભ્યોને કોરોના પોઝીટીવ આવતા ભયનો માહોલ વ્યાપી ગયો છે. તાત્કાલિક સાવચેતીના પગલાં લેતા સુરત મનપા દ્વારા પરશુરામ ગાર્ડન પાસે આવેલી આ સોસાયટીને કલ્સ્ટર જાહેર કરી દેવામાં આવી છે. લાંબા સમય બાદ સુરતમાં કોઈ સોસાયટીને કલ્સ્ટર જાહેર કરાતા સમગ્ર વિસ્તારના રહીશોમાં ચિંતા વ્યાપી ગઈ છે.
શહેરમાં (Surat) પ્રતિદિન નોંધાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં રવિવારે આંશિક વધારો નોંધાયો હતો. શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના (Corona) વધુ 8 કેસ નોંધાયા હતા. જેમાં રાંદેર (Rander) ઝોનમાં એક જ પરિવારના 5 સભ્યો કોરોનાની ચપેટમાં આવ્યા હતા. અડાજણ વિસ્તારમાં પરશુરામ ગાર્ડન પાસેની સાંઈલીલા રો-હાઉસ સોસાયટીના એક જ પરિવારના પાંચ સભ્યો કોરોનાથી સંક્રમિત થયા હતા. જેથી સાંઈ-લીલા રો-હાઉસને ક્લસ્ટર કરવામાં આવી છે. કોન્ટેક્ટ ટ્રેસિંગમાં મનપા દ્વારા ટેસ્ટિંગ કરાયું હતું. તે ઉપરાંત અઠવા ઝોનમાં વધુ 3 કેસ નોંધાયા હતા. અને તે સાથે જ શહેરમાં કુલ કેસનો આંક 1,11,856 પર પહોંચ્યો છે. તેમજ વધુ પાંચ દર્દીઓ સાજા થયા હતા. અને આજદિન સુધીમાં કુલ 1,10,205 દર્દીઓ સાજા થયા છે અને રિકવરી રેટ 98.52 ટકા પર પહોંચ્યો છે.
સુરત જિલ્લામાં કામરેજમાં કોરોનાના એક દર્દીનું મોત, વધુ એક કેસ નોંધાયો
છેલ્લા થોડા સમયથી સુરત જિલ્લાનાં કોરોનાની વિદાય થઇ ચૂકી હોય તેવો માહોલ હતો પરંતુ હાલમાં જિલ્લામાં કામરેજ ખાતે કોરોનાના એક દર્દીનું મોત થવા પામ્યું છે. સાથે સાથે આજે કામરેજ તાલુકામાં જ કોરોનાનો એક કેસ પણ નવો નોંધાયો છે. આ સાથે સુરત જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક 32219 પર પહોંચ્યો છે.
છેલ્લા 24 કલાકમાં શહેરમાં વધુ 87 મુસાફરો વિદેશથી આવ્યા
શહેરમાં દેશ બહારથી આવનારા લોકોને મનપા દ્વારા ક્વોરન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં વિદેશથી કુલ 87 મુસાફરો આવ્યા હતા. જે પૈકી 7 લોકો હાઈ રિસ્ક દેશોમાંથી મુસાફરી કરીને આવ્યા હતા. હાલ તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મનપા દ્વારા તમામના આરટીપીસીઆર સેમ્પલ લેવામાં આવ્યા છે અને તમામને 7 દિવસ માટે કોરેન્ટાઈન કરાયા છે.
સોમવારે વિદેશથી આવેલા 41 મુસાફરોના 7 દિવસનો ક્વોરન્ટાઈન પિરીયડ પુરો: મનપા તમામના ટેસ્ટ કરશે
મનપા દ્વારા વિદેશથી આવેલા તમામ મુસાફરોને 7 દિવસ માટે કોરેન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. જેમાં 7 દિવસ અગાઉ વિદેશથી આવેલા તમામને કોરેન્ટાઈન પીરીયડ સોમવારે પુર્ણ થશે તેવા તમામ 41 મુસાફરોના મનપા દ્વારા ફરીવાર આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે.