World

ઈઝરાયલ ડિફેન્સ ફોર્સના હુમલામાં હમાસનો આ માસ્તર માઈન્ડ માર્યો ગયો

નવી દિલ્હી: હમાસ (Hamas) અને ઇઝરાયેલ (Israel) વચ્ચે ચાલી રહેલા યુદ્ધને (War) એક અઠવાડિયું થઇ ગયું છે. આ દરમિયાન ઇઝરાયેલના ડિફેન્સ ફોર્સે શનિવારે એક મોટો દાવો કરતા કહ્યું કે, તેઓએ ગાઝા પટ્ટીમાં આખી રાત હવાઇ હુમલાઓ કરીને હમાસના હવાઈ જૂથના વડા અબુ મુરાદને મારી નાખ્યો છે.

ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સે આ હુમલામાં હમાસના મુખ્યાલયને નિશાન બનાવ્યું હતું જ્યાંથી આતંકવાદી જૂથ તેની હવાઈ હુમલાની પ્રવૃત્તિને નિયંત્રિત કરતુ હતું.

નોંધનીય છે કે, ગયા અઠવાડિયે ઈઝરાયેલ પર થયેલા હમાસના હુમલા દરમિયાન અબુ મુરાદે આતંકવાદીઓને નિર્દેશિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેમાં હમાસના લડવૈયાઓ હેંગ ગ્લાઈડર દ્વારા ઈઝરાયેલમાં પ્રવેશ્યા હતા.

બંને તરફ લગભગ 3000 લોકોના મોત
7 ઑક્ટોબરના રોજ હમાસે ઇઝરાયેલ પર અચાનક હુમલાઓ કર્યા જેમાં સેંકડો લોકો માર્યા ગયા હતાં. ત્યારથી હુમલામાં ઇઝરાયેલમાં 1,300 થી વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે ઇઝરાયેલના જવાબી હવાઈ હુમલામાં ગાઝામાં 1,530 થી વધુ લોકો માર્યા ગયા છે.

ઈઝરાયેલે દાવો કર્યો છે કે ઈઝરાયેલની અંદર લગભગ 1,500 જેટલા હમાસ આતંકવાદીઓ માર્યા ગયા છે. ઈઝરાયેલે શુક્રવારે ગાઝામાં રહેતા લોકોને 24 કલાકની અંદર ગાઝા છોડી દેવાનો આદેશ આપ્યો હતો. યુનાઈટેડ નેશન્સ અનુસાર 4,00,000 થી વધુ ગાઝાવાસીઓને પટ્ટીના દક્ષિણ ભાગમાં ખસેડવામાં આવ્યા છે.

ઇઝરાયેલી સેના હવે ગાઝામાં ચારે બાજુથી જમીની કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. આ દરમિયાન, IDF એ પુષ્ટિ કરી છે કે તેના 120 થી વધુ નાગરિકો હજુ પણ ગાઝામાં હમાસ લડવૈયાઓ દ્વારા બંધક બનાવે છે. આવી સ્થિતિમાં ઇઝરાયેલ સામે ખરો પડકાર તેના પકડાયેલા નાગરિકોની સુરક્ષિત મુક્તિનો છે.

ઈઝરાયેલ સેનાએ ગાઝા પટ્ટીની સરહદ પર ટેન્ક તૈનાત કરી
ઇઝરાયેલી ટેન્ક અને સશસ્ત્ર વાહનો ગાઝાની દક્ષિણ સરહદે પહોંચી ગયા છે. ગાઝા પટ્ટીની અંદર ઇઝરાયેલની અત્યાધુનિક યુદ્ધ ટેન્ક ‘મેરકાવા’ મોખરે છે અને સશસ્ત્ર વાહનો સહિત સેનાના યાંત્રિક દળો યુદ્ધ માટે તૈયાર છે. ઇઝરાયેલી સેનાનું લક્ષ્ય ગાઝાની અંદરના તમામ મહત્વપૂર્ણ વિસ્તારોને કબજે કરીને હમાસને ખતમ કરવાનું છે.

હમાસના ટનલ નેટવર્કને નષ્ટ કરવા માટે મોટી સંખ્યામાં બુલડોઝર, અર્થ મૂવર્સ અને અન્ય કર્મચારીઓને પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ગાઝા જેવા ગીચ વસ્તીવાળા વિસ્તારમાં લશ્કરી કાર્યવાહી કરતી વખતે ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આ ટેન્કો માત્ર દક્ષિણ સરહદ પર જ નહીં પરંતુ ગાઝાની ઉત્તરીય સરહદ પર પણ તૈનાત કરવામાં આવી છે. ઓર્ડર મળતાની સાથે જ તે ગાઝામાં પ્રવેશવા માટે તૈયાર છે. ઇઝરાયેલ હમાસના ઠેકાણાઓ પર સતત બોમ્બમારો કરી રહ્યું છે.

Most Popular

To Top