Sports

‘આ મારી ટીમ છે…’, હાર્દિક પંડ્યાએ સંજુ સેમસનને તક ન મળવા પર તોડ્યું મૌન

નવી દિલ્હી: ન્યુઝીલેન્ડ (New Zealand) સામેની T20 શ્રેણીમાં (T20 series) ભારતે (India) 1-0થી શાનદાર જીત મેળવી હતી. આ T20 શ્રેણીમાં, સંજુ સેમસન (Sanju Samson) અને ઉમરાન મલિક (Umran Malik) જેવા સ્ટાર ખેલાડીઓ પ્લેઈંગ ઈલેવનમાં હોવાની અપેક્ષા હતી. પરંતુ ફેન્સની આ અપેક્ષાઓ પૂરી ન થઈ શકી હતી. સેમસન અને ઉમરાન મલિકને બંને મેચમાં રમવાની તક મળી ન હતી. સેમસનને પ્લેઈંગ-11માં સામેલ ન કરવાને લઈને ઘણા સવાલો ઉભા થયા છે. હવે હાર્દિક પંડ્યાએ (Hardik Pandya) પણ સંજુ સેમસન અને ઉમરાન મલિક જેવા ખેલાડીઓ અંગે મૌન તોડ્યું છે. આ T20 સિરીઝમાં ભારતીય ટીમના સુકાની રહેલા હાર્દિક પંડ્યાએ કહ્યું કે જેમને તક નથી મળી તેઓને આવનારા સમયમાં અવશ્ય તક મળશે. હાર્દિકનું માનવું છે કે બહાર જે બોલાઈ રહ્યું છે તેનાથી તેને કોઈ ફરક નથી પડતો.

હું બહુ બદલાવ કરતો નથી: હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘સૌ પ્રથમ તો બહારથી કોણ શું કહે છે તેનાથી આ લેવલ પર કોઈ ફરક પડતો નથી. આ મારી ટીમ છે, કોચ અને હું અમે જે પણ ઇચ્છીએ છીએ અને ગમે તેમને જ રમાડીશું. ઘણો સમય છે, દરેકને તક મળશે અને જ્યારે તક મળશે ત્યારે લાંબો સમય મળશે. જો મોટી શ્રેણી હોત, વધુ મેચો હોત, તો સ્વાભાવિક રીતે વધુ તકો મળી હોત. તે એક ટૂંકી શ્રેણી હતી. હું વધુ પરિવર્તનમાં માનતો નથી અને ભવિષ્યમાં પણ નહીં કરું.

હાર્દિક પંડ્યા કહે છે, ‘જેમ કે મને સિક્સ બોલિંગનો વિકલ્પ જોઈતો હતો. જેમ કે દીપક હુડ્ડાએ બોલિંગ કરી છે. ધીરે ધીરે, જો આવા બેટ્સમેન ચિપિંગ કરતા રહેશે, તો તમારી પાસે નવા બોલરોનો ઉપયોગ કરીને વિરોધી ટીમને આશ્ચર્યચકિત કરવાની ઘણી તકો મળશે. તેણે આગળ કહ્યું, ‘સાચું કહું તો હું વસ્તુઓ સરળ રાખું છું. ભલે હું મેચમાં કપ્તાન તરીકે કામ કરૂ કે પછી સિરિઝમાં, હું મારી રીતે ટીમનું નેતૃત્વ કરીશ. જ્યારે પણ મને તક આપવામાં આવી ત્યારે હું જાણું છું તેમ ક્રિકેટ રમ્યો હતો. કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાની આ બીજી T20 સિરીઝ જીત છે. આ પહેલા તેમના નેતૃત્વમાં ભારતે જૂન મહિનામાં આયર્લેન્ડને 2-0થી હરાવ્યું હતું.

રિષભ પંતે માર્યા માત્ર 17 રન
ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરીઝમાં વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસનને બદલે પ્લેઈંગ-11માં રિષભ પંત જેવા ખેલાડીને મહત્વ આપવામાં આવ્યું હતું, જે બેટથી બંને ઈનિંગ્સમાં ફ્લોપ રહ્યો હતો. બીજી T20 મેચમાં પંત માત્ર છ રન જ બનાવી શક્યો હતો. તે પછી નેપિયરમાં રમાયેલી છેલ્લી ટી20 મેચમાં તેના બેટમાંથી માત્ર 11 રન જ બનાવ્યા હતા. સેમસને તેની છેલ્લી ટી20 મેચ વિન્ડીઝ પ્રવાસ પર રમી હતી, ત્યારથી તે તકની રાહ જોઈ રહ્યો છે.

સંજુને માત્ર 26 મેચ રમવાની તક મળી
સંજુને હાલના સમયમાં બહુ ઓછી તકો મળી છે. આ પહેલા સેમસનને ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરીઝ માટે ટીમમાં જગ્યા મળી ન હતી. ત્યારપછી એશિયા કપ અને T20 વર્લ્ડ કપ માટે સંજુ સેમસન કરતાં રિષભ પંત અને દિનેશ કાર્તિક જેવા ખેલાડીઓને પસંદ કરવામાં આવ્યા હતા. સંજુ સેમસને અત્યાર સુધી ભારત માટે 16 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 21.14ની એવરેજ અને 135.15ની સ્ટ્રાઈક રેટથી 296 રન બનાવ્યા છે. બીજી તરફ વનડેમાં સંજુના 73.50ની એવરેજથી 294 રન છે.

Most Popular

To Top