Sports

દિલ્હી ટેસ્ટ પહેલા વિરાટ કોહલીએ આ રીતે તૈયારી કરતા ઓસ્ટ્રેલિયન કેમ્પમાં ખળભળાટ

નવી દિલ્હી: : ઓસ્ટ્રેલિયા (Australia) સામે અહીં શરૂ થઇ રહેલી બીજી ટેસ્ટ પૂર્વે ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ (Virat Kohli) ખાસ તૈયારી કરી હતી. કોહલી ટીમ બસ આવે તેના અડધા કલાક પહેલા જ ફિરોજશા કોટલા ગ્રાઉન્ડ પર પહોંચી ગયો હતો અને થોડી વારમાં જ તે ડ્રેસિંગ રૂમમાંથી સીધો નેટ પ્રેક્ટિસ માટે પહોંચી ગયો હતો. તે વધારાનો સમય બેટીંગ પ્રેક્ટિસ કરવા માગતો હોવાથી અન્ય ખેલાડીઓ કરતાં વહેલો પહોંચ્યો હતો.

  • દિલ્હી ટેસ્ટ પહેલા વિરાટ કોહલીએ રફ પીચ પર સ્પીનરો સામે લાંબો સમય પ્રેક્ટિસ કરી
  • વિરાટે શરૂઆતમાં થ્રો ડાઉન અને મિડિયમ પેસર સામે પહેલા બેટીંગ પ્રેક્ટિસ કરી, પછી રફ પીચ પર જઇને વધારાનો કલાક સ્પીનરનો સામનો કર્યો

વિરાટે પહેલા થ્રો ડાઉન પર પ્રેક્ટિસ કરી હતી અને તે પછી તેણે મિડિયમ પેસર બોલરો સામે બેટીંગ પ્રેક્ટિસ કરી હતી. આ પ્રેક્ટિસ પછી વિરાટ અન્ય નેટમાં ગયો હતો, જ્યોની પીચ થોડી ખરબચડી હતી. આ પીચ પર જઇને તેણે કહ્યું હતું કે સ્પીનરોને બોલાવો. તેણે પહેલા આ પ્રેક્ટિસ પીચનું નિરિક્ષણ કર્યા પછી પોતાના પગ વડે તેને વધુ ખરબચડી બનાવી હતી. બેટીંગ કોચ વિક્રમ રાઠોરે પણ ત્યાં જઇને તેને સ્પીનરો સામે રમવા માટે કેટલાક સૂચન કર્યા હતા.

સ્પીનરો સામેની પ્રેક્ટિસમાં યુપીના યુવા સૌરભ કુમારે વિરાટને પરેશાન કર્યો
વિરાટ કોહલી એ પરિસ્થિતિનો અભ્યાસ કરવા માગતો હતો, જ્યાં બોલ પોતાની મેળે કોઇપણ દિશામાં સ્પીન થઇ શકતી હતી. ભારત-એ વતી નિયમિત રમનારા ઉત્તરપ્રદેશના સૌરભ કુમારની ડાબોડી સ્પીન બોલિંગે તેને થોડો પરેશાન કર્યો હતો. કોહલીને ખાસ કરીને એવા બોલે સમસ્યા થઇ હતી, જેમાં બોલ ટપ્પો પડ્યા પછી વધુ ઉછળતો હતો. કોહલીએ પુલકિત નારંગ અને ઋત્વિક શૌકીનની ઓફ સ્પીન બોલિંગ પર પણ પ્રેક્ટિસ કરી હતી.

જો શ્રેયસ પાંચ દિવસની ટેસ્ટનો લોડ લઇ શકશે તો તે પ્લેઇંગ ઇલેવનમાં હશે : રાહુલ દ્રવિડ
ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે બુધવારે કહ્યું હતું કે જો શ્રેયસ અય્યર પાંચ દિવસની ટેસ્ટનો લોડ લઇ શકે તેમ હોય તો તાજેતરના સમયમાં તેણે રમેલી કેટલીક અન્ડર પ્રેશર ઇનિંગને કારણે તેનો પ્લેઇંગ ઇલેવનમાં વિના સંકોચે સમાવેશ કરવામાં આવશે. પીઠની સમસ્યાને કારણે તેને ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરિઝ પહેલા ટીમમાંથી બહાર થયેલો શ્રેયસ અય્યર ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ પણ રમી શક્યો નહોતો અને નેશનલ ક્રિકેટ એકેડમી ખાતે એક મહિનાના રિહેબિલિટેશન પછી હવે તે ફિટ થઈ ગયો છે.

રાહુલ દ્રવિડે દિલ્હી ટેસ્ટ પહેલા મીડિયા સાથે વાત કરતા કહ્યું કે કોઈ વ્યક્તિ ઈજામાંથી પરત આવે તે હંમેશા સારું હોય છે. અમે નથી ઈચ્છતા કે કોઈ ઘાયલ થાય. મને ખુશી છે કે તે પાછો ફર્યો છે અને ફિટ છે. અમે થોડા દિવસની ટ્રેનિંગ બાદ નિર્ણય લઈશું. આજે તેનું સેશન લાંબું હતું, રાહુલ દ્રવિડે વધુમાં જણાવ્યું હતું કે આવતીકાલે પણ તેનું મૂલ્યાંકન કરવામાં આવશે. વધુમાં તેણે એવું ઉમેર્યું હતું કે જો તે ટેસ્ટ મેચના પાંચ દિવસ માટે ફિટ અને તૈયાર છે, તો કોઈ શંકા વિના તે તેના ભૂતકાળના પ્રદર્શનને કારણે સીધો પ્લેઈંગ ઈલેવનમાં આવી જશે.

ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં રવિચંદ્રન અશ્વિન બીજા સ્થાને પહોંચ્યો
દુબઇ: ભારતીય સ્પીનર ​​રવિચંદ્રન અશ્વિન આઇસીસી મેન્સ ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ટોચના સ્થાને પાછો ફરવાના આરે પહોંચ્યો છે, અશ્વિન હાલ 846 રેટિંગ્સ પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. જ્યારે રવિન્દ્ર જાડેજાએ પણ ઓસ્ટ્રેલિયા સામેની મોટી જીત બાદ જોરદાર છલાંગ લગાવી છે. ઘૂંટણની ઈજાને કારણે લગભગ પાંચ મહિનાથી બહાર રહેલો ડાબોડી સ્પિનર ​​રવિન્દ્ર જાડેજા 16માં સ્થાને પહોંચી ગયો છે.

રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ સંયુક્ત 15 વિકેટ ખેરવીને આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની વર્તમાન સાયકલમાં બે મુખ્ય દેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં ભારતને એક દાવ અને 132 રનથી જીત અપાવી હતી. 36 વર્ષીય અશ્વિન ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાના સુકાની પેટ કમિન્સ કરતા માત્ર 21 રેટિંગ પોઈન્ટ પાછળ છે. કમિન્સના 867 પોઇન્ટ છે. અશ્વિન 2017 પછી પ્રથમ વખત નંબર 1 રેન્કિંગ મેળવવાના માર્ગ પર છે.

ટેસ્ટ રેન્કિંગ ટોપ ટેન બોલર્સ
ક્રમ ખેલાડી દેશ રેટિંગ

  • 1 પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયા 867
  • 2 રવિચંદ્રન અશ્વિન ભારત 846
  • 3 જેમ્સ એન઼્ડરસન ઇંગ્લેન્ડ 835
  • 4 ઓલી રોબિન્સન ઇંગ્લેન્ડ 805
  • 5 જસપ્રીત બુમરાહ ભારત 803
  • 6 શાહિન આફ્રિદી પાકિસ્તાન 787
  • 7 કગિસો રબાડા દક્ષિણ આફ્રિકા 776
  • 8 કાઇલ જેમિસન ન્યુઝીલેન્ડ 772
  • 9 મિચેલ સ્ટાર્ક ઓસ્ટ્રેલિયા 742
  • 10 જોશ હેઝલવુડ ઓસ્ટ્રેલિયા 726

Most Popular

To Top