Comments

આ તે કેવી સરકાર જેમાં મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓની ઈજારાશાહી સ્થપાતી હોય!

રવિવારના લેખમાં કહ્યું હતું એમ વીતેલી સદીમાં થયેલી અર્થશાસ્ત્રીય ચર્ચામાં ચાર થીયરી ફેશનમાં હતી. એક પરકોલેશન થીયરી જેમાં જમણેરી અર્થશાસ્ત્રીઓ કહેતા હતા કે સંપત્તિ થોડા હાથોમાં સંગ્રહિત થઈને રહી જશે અને થોડા લોકો ધનવાન બનશે અને ગરીબ કાયમ માટે ગરીબ રહેશે એની ચિંતા કરવાની જરૂર નથી.

Businesss collaborations concept. Vector of businesspeople reaching an agreement after successful negotiations

રૂપિયો નીચે ગળતો ગળતો છેલ્લા માણસ સુધી પહોંચશે. બીજી થીયરી હતી કલ્યાણ રાજ્યની, જેમાં શાસકો કહેતા હતા કે સંપત્તિના વિતરણની ચિંતા નહીં કરો, અમે બેઠા છીએ ને! સમાજ-કલ્યાણની અનેક યોજનાઓ રાજ્ય લાગુ કરશે જેને માટે મૂડીપતિઓ પાસેથી કરવેરા અને બીજી રીતે નાણાં ભેગા કરવામાં આવશે. ત્રીજી થીયરી લેસ્સી ફૅઅર થીયરી હતી જેમાં એમ કહેવામાં આવતું હતું કે મૂડીવાદ સ્વભાવત: લચીલો હોય છે. જો વધારે પામવા મળતું હોય તો પામવા માટે જરૂરી હોય એટલું છોડવા જેટલું લચીલાપણું મૂડીવાદ ધરાવે છે.

ટૂંકમાં જીવો અને જીવવા દો અથવા ખાવ અને ખવડાવો એ મૂડીવાદના ટકાઉપણાનું લક્ષણ છે. ચોથી થીયરી હતી અ-સરકારી અસરકારી. નિયંત્રણો અને સર્જકતા સાથે ન ચાલી શકે. જો સર્જકતાને (અર્થાત્ ઉત્પાદકતાને) તેની સોળે કળાએ ખીલવા દેવી હોય તો નિયંત્રણો નહીંવત્ હોવાં જોઈએ.

માત્ર જમણેરી અર્થશાસ્ત્રીઓ જ નહીં; જગતનાં વિકસિત દેશો, વિશ્વબેંક તેમ જ આંતરરાષ્ટ્રીય નાણાં નિધિ જેવી નાણાં સંસ્થાઓ અને જેને થીંક-ટેંક તરીકે ઓળખાવવામાં આવે છે એવી બીજી અનેક પોલીસી રીસર્ચ સંસ્થાઓ પણ આમ જ કહેતા હતા.

જુઓ વિકસિત દેશો તમારી સામે છે. તેઓ વિકસિત એટલા માટે છે કે તે સમાજવાદને રવાડે ચડ્યા નહોતા. એની સામે સમાજવાદી દેશોની હાલત જોઈ જુઓ. વિકાસમાં ક્યાંય પાછળ છે અને ઉપરથી અમલદારશાહી આગળ વધવા દેતી નથી અને ભ્રષ્ટાચાર ખદબદે છે.

સવાલ એ છે કે તેઓ શું જગતને છેતરતા હતા કે પછી પોતે જ છેતરાતા હતા? ગઈ સદીમાં જ્યારે આ થીયરીઓની જોરશોરથી વકીલાત કરવામાં આવતી હતી ત્યારે અનેક ડાબેરી અર્થશાસ્ત્રીઓ અને સમાજવાદી કર્મશીલો તેને કોર્પોરેટ કંપનીઓના તેમ જ મૂડીવાદી વિકસિત દેશોના કાવતરા તરીકે ઓળખાવતા હતા.

વૈશ્વિક નાણાંસંસ્થાઓ તેમના કબજામાં છે, કહેવાતી થીંક ટેંક તેમની રચેલી છે જે પ્રોપેગેન્ડા અને લોબિંગનું કામ કરે છે અને અર્થશાસ્ત્રીઓ તેમના માટે કામ કરે છે. ‘વોશિંગ્ટન કન્સેસસ’ અને ‘મેન્યુફેક્ચરિંગ કન્સેન્ટ’ એવા બે શબ્દપ્રયોગ દ્વારા કાવતરાને ઓળખાવવામાં આવતું હતું. વોશિંગ્ટનમાં સર્વસંમતિ સાધવામાં નથી આવતી, વોશિંગ્ટનમાં સર્વસંમતિ પેદા કરવામાં આવે છે, જ્યાં મૂડીવાદના મક્કા અમેરિકન સરકાર, વિશ્વ બેંક અને આંતરરાષ્ટ્રીય નાણાંનિધિ બેસે છે.  

હવે એમ લાગે છે કે જમણેરી અર્થશાસ્ત્રીઓ છેતરતા નહોતા, પણ પોતે જ છેતરાતા હતા. તેઓ દૂરનું ભવિષ્ય જોઈ શક્યા નહોતા, જ્યારે કે તેમના વર્તમાનમાં ભવિષ્યના સંકેતો મળતા પણ હતા.

તેમણે તેની ઉપેક્ષા નહોતી કરી, પણ ઉલટું એ સંકેતોને પોતાની થીયરીના સમર્થનમાં વાપરતા હતા. જેમ કે ભારતમાં ૧૯૮૦ પછી જે બે-ત્રણ ઉદ્યોગપતિઓ પેદા થયા એ મહેનત કરીને સફળ થયા છે એનાથી વધુ સરકારના ખભા ઉપર બેસીને સફળ થયા છે.

એને જો કોઈ ઓળખ આપવી હોય તો ‘મીડ-નાઈટ નોટિફિકેશન ઇન્ડસ્ટ્રીઆલિસ્ટ’ તરીકેની આપી શકાય. ટાટા-બિરલા જેવા આગલી પેઢીના ઉદ્યોગપતિઓ મહેનત કરીને અને જોખમ ઉઠાવીને સફળ થયા હતા જ્યારે ૧૯૮૦ ના દાયકાના ઉદ્યોગપતિઓ મુખ્યત્વે શાસકો સાથેની સાંઠગાંઠ દ્વારા સફળ થયા હતા.

જમણેરી અર્થશાસ્ત્રીઓ આ સ્થિતિ માટે સરકારી નિયંત્રણોને જવાબદાર ઠેરવતા હતા અને કહેતા હતા કે ઓછામાં ઓછું શાસન કરનારી સરકારો હશે તો આ બીમારીનો આપોઆપ અંત આવી જશે. ન રહેગા બાંસ, ન રહેગી બાંસુરી. તેમને એ વાત ધ્યાનમાં નહોતી આવી કે જે લોકો શાસકોને ખરીદી શકે છે એ આખેઆખી શાસનવ્યવસ્થાને પણ ખરીદી શકે છે.

જે લોકો શાસનવ્યવસ્થાને ખરીદી શકે એ લોકો સમૂળગા રાજ્યને અર્થાત્ દેશને ખરીદી શકે છે. ‘મીડ-નાઈટ નોટિફિકેશન’ દ્વારા નવશ્રીમંતોનું આખું કુળ અસ્તિત્વમાં આવ્યું હતું. ‘મીડ-નાઈટ નોટિફિકેશન’ દ્વારા તેમણે કપાલ મેહરા જેવા હરીફોને ખતમ કર્યા હતા અને ‘મીડ-નાઈટ નોટિફિકેશન દ્વારા તેમણે ટાટા અને બિરલાઓને પાછળ છોડી દીધા હતા.

ટૂંકમાં મૂડીની ખરીદશક્તિ, વ્યવસ્થા ઉપર પકડ જમાવવાની શક્તિ અને જમાવી રાખવાની શક્તિ જમણેરી અર્થશાસ્ત્રીઓના ધ્યાનમાં નહોતી આવી. તેઓ તો એમ જ માનતા હતા કે નિયંત્રણમુક્ત શાસનવ્યવસ્થા અસ્તિત્વમાં આવશે એટલે બધાં સારાં વાનાં થઈ જશે.

હવે તેમાંના કેટલાક અર્થાસ્ત્રીઓને સમજાવા લાગ્યું છે કે તેમનું આકલન ખોટું હતું અને તેઓ છેતરાયા હતા. ભારતની રીઝર્વ બેન્કના ગવર્નર રહી ચૂકેલા રઘુરામ રાજને બે પુસ્તકો લખ્યાં છે, જેમાંના પહેલા પુસ્તકનું તો શીર્ષક જ એટલું બોલકું છે કે કોઈ ટિપ્પણીની જરૂર રહેતી નથી. પુસ્તકનું શીર્ષક છે; ‘સેવિંગ કેપિટલિઝમ ફ્રોમ કેપીટાલીસ્ટ’. મૂડીવાદને મૂડીવાદીઓથી બચાવો એવો પોકાર તેમણે તેમાં કર્યો છે.

એ પુસ્તકમાં રાજને લખ્યું છે કે રાજ્યે વિકસાવેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા અને રાજ્યે સ્થાપેલા ઔદ્યોગિકીકરણને મદદરૂપ થાય એવા મોટા ઉદ્યોગોનો લાભ લઈને ઉદ્યોગપતિઓ સફળ થયા છે. એ પછી તેઓ શાસકોને ખરીદીને વધારે મોટા થયા. વખત જતાં આ બે માર્ગે તેઓ એટલા કદાવર અને વૃકોદર (મોટું પેટ ધરાવનારા ભૂખાળવા) થયા કે તેમણે સરકારી ઉદ્યોગો ઉપર નજર દોડાવી અને એ ખાનગીકરણને નામે ખરીદી લીધા.

હજુ વધારે વૃકોદર થયા પછી તેમણે સરકારી સેવાઓ (તાર-ટપાલ, ટેલિકોમ્યુનિકેશન, ટ્રાન્સપોર્ટ, આરોગ્યસેવા વગેરે) ખરીદવા લાગ્યા. તેઓ હજુ વધારે વૃકોદર થયા અને હરીફોને ખતમ કરીને સમૂળગી માર્કેટ જ કબજે કરવા લાગ્યા. પાંચ વરસ પહેલાં કેટલી ટેલીકોમ કંપનીઓ હતી અને આજે કેટલી છે.

ટૂંકમાં રાગદારી શરૂઆત થઈ હતી. ફ્રી માર્કેટના મહિમાના આલાપથી અને તેનો અંત આવ્યો માર્કેટ પર કબજો કરીને ઈજારાશાહી સ્થાપિત કરવાના દ્રુતથી. રઘુરામ રાજન કહે છે કે આ સ્થિતિનો અંત આવવો જોઈએ. નહીં તો એક દિવસ સ્વભાવત: સર્જનશીલ મૂડીવાદને મૂડીપતિઓ ભરખી જશે.

રઘુરામ રાજને ઉક્ત પુસ્તક પંદર વરસ પહેલાં લખ્યું હતું. સવાલ એ હતો કે વૃકોદર મૂડીપતિઓથી મૂડીવાદને અર્થાત્ ફ્રી માર્કેટને બચાવે કોણ? સામ્યવાદમાં સરકારની ઈજારાશાહી હતી તો અહીં મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓની ઈજારાશાહી સ્થપાઈ રહી છે. વાત તો એક જ થઈ. તો સવાલ એ છે કે કોણ હસ્તક્ષેપ કરે? સરકાર? તો તો પછી જે શાસનની ઉત્પાદકતામાં અવરોધરૂપ ગણાવીને નિંદા કરી હતી તેનું સ્વાગત કરવું પડે. તો ઉપાય શું?

ઉક્ત પુસ્તક લખ્યા પછી ડૉ. રાજન ભારતમાં રીઝર્વ બેંકના ગવર્નર તરીકે આવે છે. જે રાજન ભારત આવ્યા હતા એ મૂડીપતિઓથી મૂડીવાદને બચાવવા માગનારા રાજન હતા એટલે દેખીતી રીતે ભારતનાં વૃકોદર મૂડીપતિઓને તેઓ પરવડતા નહોતા.

વૃકોદરોને રાજન સામે વાંધો હતો એટલે તેમને ઇશારે સરકારે એવી સ્થિતિ પેદા કરી કે રાજન ભારત છોડીને જતા રહે. ભારત છોડીને જતા રહ્યા પછી ડૉ. રાજને બીજું પુસ્તક લખ્યું છે જેનું શીર્ષક છે; ‘ધ થર્ડ પીલ્લર: હાઉ માર્કેટ્સ એન્ડ ધ સ્ટેટ્સ લીવ ધ કોમ્યુનીટી બિહાઈન્ડ’. એ પુસ્તકમાં રાજને હજુ વધારે ઊહાપોહ કર્યો છે જેની વાત હવે પછી.    

આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.    

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top