ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)ની તાજેતરમાં પૂરી થયેલી 15મી સિઝનમાં કુલદીપ યાદવે પોતાની બોલીંગના જોરે જોરદાર પુનરાગમન કર્યું હતું અને તેણે 14 મેચમાં 21 વિકેટ લીધી હતી, જેને પગલે તેને ફરીથી ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી મળી હતી. એવું લાગતું હતું કે યુઝવેન્દ્ર ચહલ સાથે મળીને તે 9 જૂનથી શરૂ થનારી દક્ષિણ આફ્રિકા સામેની ઘરઆંગણે રમાનારી T-20 સીરિઝમાં હંગામો મચાવશે. અને ‘કુલચા’ના નામથી જાણીતી આ સ્પીન બેલડી મહેમાનોને ગરબા રમાડશે, જો કે કુલદીપ માટે નસીબ બે ડગલા આગળ ચાલતું હોય તેવું લાગી રહ્યું છે અને અફસોસ સાથે કહેવું પડે છે કે કુલચા બેલડી ધમાલ મચાવશે સહિતની બધી આશાઓ તૂટી ગઈ છે, કારણ કે કુલદીપ યાદવ ઈજાગ્રસ્ત થઈને આ સીરિઝમાંથી બહાર થઈ ગયો છે.
કુલદીપ બોલીંગ નહીં પણ બેટીંગ પ્રેક્ટિસ દરમિયાન ઘાયલ થયો
ડાબોડી સ્પીનર કુલદીપ યાદવનું કામ પોતાની સ્પીન બોલીંગ વડે વિરોધીઓને ફસાવવાનું છે, પરંતુ એ નસીબ નહીં તો બીજું શું છે કે તે બેટિંગની પ્રેક્ટિસ કરતી વખતે ઘાયલ થયો અને સીરિઝમાંથી આઉટ થઇ ગયો. પોતાની સ્પીન બોલીંગ માટે આત્મવિશ્વાસુ એવો કુલદીપ પોતાની બેટીંગ સુધારવા માટે નેટ્સમાં બેટિંગ પ્રેક્ટિસ કરતો હતો અને તેના જમણા હાથમાં ઈજા થઈ હતી અને તેના કારણે તે ઘરઆંગણે રમાનારી સીરિઝમાંથી આઉટ થઇ ગયો હતો. કુલદીપને પોતાને પણ આ રીતે સીરિઝમાંથી બહાર થવાના કારણે નિરાશા થઇ હશે કારણ કે લાંબા સમય પછી ટીમમાં સ્થાન મેળવ્યા પછી ઘરઆંગણે સારું પ્રદર્શન કરીને તે વર્લ્ડકપ માટે પોતાનો દાવો મજબૂત બનાવી શકે તેમ હતો.
IPL દરમિયાન કુલદીપમાં આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો
કોલકાતા નાઈટ રાઈડર્સમાંથી બહાર થયેલા કુલદીપ યાદવને આ વખતે દિલ્હી કેપિટલ્સે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. નવી ટીમમાં જતાની સાથે જ જાણે કે તેનામાં ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો ફર્યો હતો અને આ ચાઈનામેન બોલર 14 મેચમાં 21 વિકેટ લઈને સર્વાધિક વિકેટ લેનારા બોલરોની યાદીમાં પાંચમા સ્થાને રહ્યો હતો. તેના આ પ્રદર્શનને કારણે તેણે ટીમ ઈન્ડિયામાં પુનરાગમન કર્યું હતું. યુઝવેન્દ્ર ચહલ પણ ગત T-20 વર્લ્ડકપની ટીમમાં સ્થાન મેળવવામાં ફેલ રહ્યો હતો અને તેના કારણે આગામી T-20 વર્લ્ડકપને ધ્યાને લેતા ઘરઆંગણે રમાનારી કુલચાની જોડી દક્ષિણ આફ્રિકન ટીમને મુશ્કેલીમાં મૂકી શકે તેમ હતું. જો કે કુલદીપ તેમાંથી બાકાત થઇ ગયો છે.
ચાઇનામેન બોલર તરીકે જાણીતા કુલદીપ યાદવનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ
ચાઈનામેને 24 T-20 ઈન્ટરનેશનલ મેચોમાં 41 વિકેટ લીધી છે, જેમાં તેની ઈકોનોમી 7.07 હતી. 14 ડિસેમ્બર 1994ના રોજ કાનપુરમાં જન્મેલા કુલદીપ યાદવે 7 ટેસ્ટ મેચ અને 66 વનડે પણ રમી છે. જેમાં તેણે 26 અને 109 વિકેટ ઝડપી હતી. તે વનડેમાં સૌથી ઝડપી 50 વિકેટ લેનાર પાંચમો બોલર બન્યો હતો. T-20 ઈન્ટરનેશનલમાં કુલદીપ યાદવની સ્ટ્રાઈક રેટ બીજી સૌથી શ્રેષ્ઠ સ્ટ્રાઇક રેટ છે.
KKRમાં પોતે ઘણા સારા અને ખરાબ દિવસો જોયા હોવાની કુલદીપની કબૂલાત
એક ઈન્ટરવ્યૂ દરમિયાન કુલદીપે જણાવ્યું કે કોલકાતા ફ્રેન્ચાઈઝીમાં શું ખોટું થયું. તેણે કહ્યું કે સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તીના કારણે તેને તક નથી મળી રહી. તેણે કહ્યું, “હું તેમના માટે 8 વર્ષ રમ્યો. તે એક પરિવાર જ હતો. મેં ત્યાં ઘણા સારા અને ખરાબ દિવસો જોયા છે. એવું નથી કે સેટઅપ ખરાબ હતું. બેજ (બ્રેન્ડન મેક્કુલમ) એક સારો કોચ હતો. પરંતુ કેટલીક વાર, તમને ટીમમાં સ્થાન મળતું નથી અને તેના કારણો અલગ હોય છે.
KKRમાં સુનીલ નરેન અને વરૂણ ચક્રવર્તીને કારણે તક મળી નહોતી
કુલદીપને પ્રી-સીઝન મેગા ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સે રૂ. 2 કરોડમાં લીધો તે પહેલા ડાબોડી સ્પિનર અગાઉ આઠ સીઝન માટે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) નો ભાગ હતો. જો કે, ફ્રેન્ચાઇઝીએ તેને છેલ્લા કેટલાક વર્ષોમાં વધુ તક આપી ન હતી. તેણે છેલ્લા ત્રણ વર્ષમાં માત્ર 14 મેચ રમી છે. કુલદીપે કહ્યું, સુનીલ નરેન વર્ષોથી તેના માટે નંબર 1 સ્પિનર છે. આવી સ્થિતિમાં ત્રીજા સ્પિનરને પ્લેઇંગ 11માં જગ્યા ન જ મળે, તેથી જ મને તક મળી નથી. એક ખેલાડી તરીકે તમે હંમેશાં રમવા ઈચ્છશો. જો તમને તકો ન મળે, તો તમે તમારી જાત પર શંકા કરવા લાગો છો.