ગુજરાત મિત્રના તારીખ 24/ 5/ 2023 ના અંક ના પહેલે પાને ‘હાય ….!રે ગરીબી બાળકોના પગ દાઝી નહીં જાય તે માટે મહિલાએ તેમના પગ પર પોલીથીન બેગ વીંટાળી’ શીર્ષક હેઠળ તસવીર સાથે સમાચાર છપાયા છે તે ખરેખર હૃદય દ્રાવક છે. આ સંદર્ભમાં અમારા એક પરમ સ્નેહી મિત્ર એક એક ખાનગી શાળાના નિવૃત્ત આચાર્ય અને સામાજિક કાર્યકર શ્રી ધનસુખભાઈ શાહ ઉર્ફે ધનસુખ માસ્તર દ્વારા દાતાઓની સહાયથી થતી સેવાઓ યાદ આવે છે. અડધો એપ્રિલ મહિનો જાય ત્યાં સુધીમાં દાતાઓને તૈયાર કરીને બધા પાસેથી એક એક હજાર જોડી ચંપલ સ્લીપર જુદા જુદા માપની દાનમાં મેળવી લે અને એવા જ કોઈ દાતાની સહાયથી આદિવાસી વિસ્તારોમાં ખાસ કરીને ઉજજડ વિસ્તારોમાં ફરે અને તાપમા ઉઘાડે પગે ચાલતા આદિવાસી સ્ત્રી પુરુષ બાળકો વગેરેને મજૂરીકામમાં રાહત રહે તેવી ભાવનાથી તેમને માપ પ્રમાણે ચંપલ ભેટમાં આપે.
ઓછામાં ઓછી અગ્યાર હજાર જોડી ચંપલ તે મણે જરૂરિયાતમંદ માણસો સુધી પહોંચાડી છે. એ પહેલા મરોલી પાસે પોંસરા નામના પછાત ગામમાં દર શનિવારે દર્શન કરવા જાય અને સાથે ત્યાંના ગરીબ બાળકોને નાસ્તો મળે તેવી વ્યવસ્થા કરતા. શહેરના દાતાઓ ઉત્સાહપૂર્વક આ કામમાં જોડાતા. પછી તો તેમણે અવિધિસરના અભ્યાસ વર્ગો પણ ચાલુ કરાવ્યા અને આ ગામ સંસ્કારના રંગે રંગાવા માંડ્યું. પ્રસિધ્ધિની પરવા કર્યા વિના તેમણે આવી પ્રવૃત્તિઓ કર્યે જ રાખી છે. સેવા કાર્ય માટે મૂડી જોઈએ એ વાત ખોટી છે. સાચી મૂડી ભાવના છે, તે જોઈ શકાય છે.
ફેનિલ – ભૂપેન્દ્ર વાંકાવાલા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
મહાકાલ પણ બેહાલ
ગજબ સમય ચાલી રહ્યો છે અમૃત્કાલ.જેના પ્રભાવ થી સ્વયમ મહાકાલ પણ બચી ન શક્યા. આઝાદી પછીની સૌથી ઈમાનદાર, રાષ્ટ્રવાદી, રામરાજ્ય સ્થાપના વાળી, દેશ ને વિશ્વગુરુ બનાવી દેવા વાળી, અત્યંત ઝડપી બુલેટ ટ્રેનની ગતિ થી વિકાસ કરનારી ડબલ એન્જિન સરકાર માં ફ્કત આઠ મહિના પેહલા બનેલા મહાકાલ પરિસર માં કરોડો રૂપિયાની મૂર્તિઓ હવાના કારણે તૂટીને પડી ગઇ પણ આ ભ્રષ્ટાચાર ન કહેવાય આતો કુદરતી કોપ કેહવાય. થોડા સમય પેહલા બનેલ પાવાગઢ પરિસર માં પણ બાંધકામ તૂટી ગયું પણ એ ભ્રષ્ટાચાર ન કેહવાય.
કરોડો રૂપિયાની લાગત થી બનેલ બેસ્ટ ડ્રેનેજ સિસ્ટમ વાળા સાહેબ ના નામ વાળા સૌથી મોટા સ્ટેડિયમ માં પાણી ભરાઈ ગયું પણ એ પણ ભ્રષ્ટાચાર ન કહેવાય. અટલજી ના નામ પર બનેલ બ્રિજ ના કાચ તુટી ગયા, અમદાવાદ માં નવો બનેલો એક આખો ઓવરબ્રિજ તોડવા માટે કોર્ટે હુકમ કર્યો પરંતુ એ પણ ભ્રષ્ટાચાર ન કેહવાય.હું કરું તે લીલા બીજા કરે તે પાપ. ઉતાવળિયા પગલાં શેતાન ના હોય પણ કોઈ સમજવા તૈયાર નથી. ભગવાન ની મરજી વગર પાંદડું પણ હલતું નથી. હશે આ પણ એની જ મરજી.એમ પણ શિવ તો વિષ પી ને દુનિયા બચાવનાર છે.
સુરત – કિશોર પટેલ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.