આ બ્રહ્મપુત્રા નદી આવે છે ક્યાંથી? આજથી પોણા બસો વરસ પહેલાં ભારત ઉપર રાજ કરનારા અંગ્રેજોને આ સવાલ થયો હતો. આ પ્રશ્ન પાછળ શુદ્ધ કુતુહલ અને સંશોધન કરીને સત્ય શોધવાની વિજ્ઞાનનિષ્ઠા તો હતાં જ, પણ એમાં રાજકારણ અને આર્થિક સ્વાર્થ પણ હતાં. ભારતની કોઈ નદીમાં જોવા નથી મળતી એટલી વિપુલ જળરાશી આ નદી ધરાવે છે, પણ છે તોફાની. ચોમાસામાં રોદ્ર સ્વરૂપ ધારણ કરે ત્યારે આ નદી વિનાશનું પણ કારણ બને છે. માટે જાણવું જોઈએ કે આ નદી આવે છે ક્યાંથી? ચીનથી, તિબેટથી, મોંગોલિયાથી? બર્મા તો અંગ્રેજોના કબજામાં હતું એટલે એ વાતની તેમને ખબર હતી કે આ નદી બર્માથી ઉત્તરમાં ફંટાય છે.
જો નદીનાં મૂળની અને તે કયા કયા દેશોમાંથી પ્રવાસ કરતી ભારતમાં આવે છે એની જો ખબર પડે તો તેનાં પાણીનો વિનિયોગ કેમ કરવો તેની ખબર પડે. જો નદીની સંહારકશક્તિને મેનેજ કરવામાં આવે તો પાણીનો અને જે પ્રદેશમાંથી થઈને આ નદી બંગાળના ઉપસાગરને મળે છે એ ઇશાન ભારત તેમ જ પૂર્વ બંગાળની જમીનનો ઉપયોગ કરી શકાય. રોજગારી પેદા કરીને અન્ય ભારતમાંથી લોકોને અહીં વસાવી પણ શકાય અને એ પ્રદેશોના વાંશિક જૂથોની દાદાગીરીને નાથી શકાય. આમ આ પ્રશ્ન પાછળ હકીકત જાણવાનું કુતુહલ અને ભવિષ્યનું રોકાણ એમ બન્ને હતાં.
બ્રહ્મપુત્રાના મૂળને અને તેના પ્રવાસને જાણવા માટે અંગ્રેજોએ શું શું નથી કર્યું? એનો એક દિલધડક ઈતિહાસ છે. ચાર-પાંચ બંગાળીઓને બૌદ્ધ લામા જેવાં વસ્ત્રો પહેરાવીને, તેમને તિબેટી બૌદ્ધ ધર્મના પ્રાથમિક કર્મકાંડ શીખવાડીને અને તિબેટી ભાષા શીખવાડીને તિબેટ મોકલવામાં આવ્યા. તેમને કહેવામાં આવ્યું હતું કે તિબેટમાં જે મોટામાં મોટી નદી હોય એના કિનારે રાવટીમાં મઠ સ્થાપીને રોજ રાતના અંધારામાં નિશાન કરેલાં મોટાં લાકડાં નદીમાં વહાવવા. આ બાજુ આસામમાં અલગ અલગ જગ્યાએ ચોવીસે કલાક મશાલો સાથે નદીમાં પહેરો કરવા નદીની અંદર ચોકીઓ સ્થાપવામાં આવી હતી.
છ મહિના સુધી કોઈ લાકડાં તરતાં તરતાં ન આવ્યાં ત્યારે પહેરો ઉઠાવી લેવામાં આવ્યો હતો. અંગ્રેજોએ માન્યું હતું કે કદાચ બ્રહ્મપુત્રા નથી તિબેટમાંથી પસાર નહીં થતી હોય, પણ એક સાદી સમજ મુજબ તેમને એ વાત ગળે ઉતરતી તો નહોતી અને તેમણે બીજી રીતે પ્રયત્નો ચાલુ રાખ્યા હતા. દરમ્યાન પેલા લામાઓનું શું થયું અને શા માટે લાકડાં તરતાં તરતાં ભારતમાં ન આવ્યા એવો કુતુહલજન્ય પ્રશ્ન જો તમારા મનમાં થતો હોય (હા, જો થતો હોય તો) તો એનો ઉત્તર એ છે કે લામાઓ તિબેટમાં પકડાઈ ગયા હતા અને તેવી શક્યતાથી અંગ્રેજો અજાણ નહોતા.
જે જાણતા નથી એ જાણવાનું કુતુહલ માનવસહજ છે, પણ શું જાણવું એ કેળવણીનો ભાગ છે.
આજથી આઠસો વરસ પહેલાં ભારતનાં મસાલાઓ (તજલવિંગ વગેરે)ની યુરોપમાં ખુબ માંગ હતી. એટલી માંગ કે મધદરિયે વહાણો લૂંટાતા હતા અને કાપાકાપી ચાલતી હતી. આ જોઇને યુરોપમાં કેટલાક લોકોને પ્રશ્ન થયો હતો કે આ ભારત દેશ આવ્યો છે ક્યાં? અંતે તો આ પૃથ્વી ઉપર જ કોઈક જગ્યાએ હશે. પૂછતા પૂછતા તો લંકા પહોંચાય એટલે શોધી કાઢવો જોઈએ એ દેશ અને મસાલાનો સીધો વેપાર આપણે જ શા માટે ન કરીએ? એ પછી જે બન્યું એ ઈતિહાસ છે. એક પ્રશ્ન થયો, સત્ય શોધવાની જહેમત ઊઠાવી, જોખમ વહોર્યા અને પરિણામે એક દિવસ ભારત દેશ ગુલામ બન્યો.
ભારતમાં એ સમયે જે વેપારીઓ મસાલાઓનો વેપાર કરતા હતા તેમને પણ જાણ હતી કે તેમના મસાલાઓની દૂરદૂરના દેશોમાં વ્યાપક માગ છે. એટલી બધી માગ છે કે મધદરિયે લૂટાલૂટ અને કાપાકાપી થઈ રહી છે. ત્યારે એક પણ ભારતીય વેપારીને કે એક પણ ભારતીયને પ્રશ્ન નહોતો થયો કે આ મસાલા આખરે જાય છે ક્યાં અને વાપરે છે કોણ? મૂળ વપરાશકાર સુધી સીધા જ કેવી રીતે પહોંચી શકાય. આ વચેટિયાઓ વચ્ચે નફો શા માટે લઈ જાય? પણ આવો કોઈ પ્રશ્ન તેમને નહોતો થયો. આગળ કહ્યું એમ જે નથી જાણતા એ જાણવાનું કુતુહલ માનવસહજ છે, પણ શું જાણવું એ કેળવણીનો ભાગ છે.
પહેલાનાં યુગમાં લડાઈઓ મુષ્ટિયુદ્ધ, ગદાયુદ્ધ કે તલાવારયુદ્ધ દ્વારા થતી હતી અને એમાં બે લડવૈયાઓએ શારીરિક રીતે ઓક્બીજાની નજીક જવું પડતું હતું. ધનુષબાણ અને તીરકામઠાંનો ઉપયોગ કરીને દૂરથી લડી શકાતું હતું, પણ તેની પણ એક મર્યાદા હતી. વધુમાં વધુ અડધો કિલોમીટર દૂર બાણ ફેંકી શકાય. પ્રત્યંચાને એક હદથી વધારે તાણો તો તૂટી જાય. એમ કહેવાય છે કે ઈ.સ ૧૫૨૬ની સાલમાં બાબરે ભારત પર ચડાઈ કરી ત્યારે તે તોપ લઈને આવ્યો હતો. આ એક એવું સાધન હતું જેના દ્વારા બે-ત્રણ કિલોમીટર દૂર ઊભેલા સૈનિકો ઉપર પ્રહાર થઈ શકતો હતો અને એના દ્વારા પાછો એવો દારૂગોળો ફેંકવામાં આવતો હતો જેના દ્વારા પ્રતિસ્પર્ધીની વ્યાપક ખુવારી થાય.
પણ આશ્ચર્ય એ વાતનું છે કે એ સમયે આવાં અસરકારક શસ્ત્ર જોઇને અને તેને કારણે પરાજીત થવા છતાં ભારતનાં કોઈ રાજવીને પ્રશ્ન નહોતો થયો કે આ શસ્ત્ર અને દારૂગોળો બને છે કેવી રીતે, કોણ બનાવે છે, ક્યાં મળે છે, તેની ટેકનોલોજી શું છે અને આપણે પણ તેને કેમ ન અપનાવી શકીએ? જો આવો પ્રશ્ન કોઈકને થયો હોત તો ભારતનો ઈતિહાસ જુદો હોત. ભારતના મસાલા જાય છે ક્યાં એવો પ્રશ્નો કોઈને થયો હોત તો ભારતનો ઈતિહાસ જુદો હોત. આગળ કહ્યું એમ જે નથી જાણતા એ જાણવાનું કુતુહલ માનવસહજ છે, પણ શું જાણવું એ કેળવણીનો ભાગ છે. તો પછી જાણવા વિશેની આપણી કેળવણી કઈ રીતની છે? બે પ્રસંગ ટાંકુ છું.
મંગળવારે નાસિકમાં બે જૂથો વચ્ચે મારામારી થઈ. કુતુહલ એ વાતનું હતું કે હનુમાનજીનો જન્મ ક્યાં થયો હતો. નાસિકમાં પધારેલા દક્ષીણના સ્વામી ગોવિંદસ્વામીએ દાવો કર્યો કે હનુમાનજી કિષ્કિન્ધાના હતા તો નાસિકના સુધીરદાસ નામના મહંતનો દાવો હતો કે હનુમાનજી મહારાષ્ટ્રમાં અંજનેરીના વતની હતા. નક્કી થયું કે ચાલો શાસ્ત્રાર્થ કરીને નિશ્ચય કરીએ. પાછા વિદ્વાનો ખરા ને! બે પક્ષ વચ્ચે શાસ્ત્રાર્થ યોજવામાં આવ્યો. ફાંટ ભરીને ગ્રંથો લાવવામાં આવ્યા અને શાસ્ત્રાર્થ શરુ થયો. થોડીવાર થઈ નહીં અને સર્વશાસ્ત્રનિપુણ વિદ્વાનો દલીલોની જગ્યાએ ગાળાગાળી ઉપર ઉતરી આવ્યા, બાથાબાથી થઈ અને પોલીસને બોલાવવી પડી.
આપણે પણ કુતુહલ ધારાવીએ છીએ પણ આપણી કેળવણી અલગ પ્રકારની છે. આપણાં શાસ્ત્રોમાં બધું જ છે, માત્ર શોધવાની વાર છે. દુનિયા જે કાંઈ જાણે છે એ આપણા થકી જાણે છે. બીજો પ્રસંગ એવો છે જેમાં એક હિંદુનરપુંગવને કોઈ એક માણસની વિચિત્ર હરકતો જોઇને કુતુહલ થયું કે આનો ધર્મ શો હશે? આવી હરકતો કયા ધર્મનો માણસ કરે? ભારતને વિશ્વગુરુ જાહેર કરનારા ગુરુજનોમાંથી કોઈકે તેને જ્ઞાન આપ્યું હશે કે વિચિત્ર હરકતો માત્ર મ્લેચ્છ કરે. તે એ માણસની પાસે ગયો અને પૂછ્યું કે તું કયા ધર્મનો છે. પેલાએ કોઈ જવાબ આપ્યો નહીં એટલે હિંદુનરપુંગવે તેને મુક્કો માર્યો અને પૂછ્યું શું તારું નામ અહમદ છે? પેલો માણસ જવાબ આપ્યા વિના બાઘાની જેમ જોતો રહ્યો. પેલા હિંદુનરપુંગવનો ગુસ્સો વધતો જતો હતો.
મારતો જાય અને પૂછતો જાય, બોલ બોલ, તારું નામ અહમદ છે? જ્ઞાનપિપાસા બ્રહ્મપુત્રાનું મૂળ શોધવા માગતા અંગ્રેજો કે મસાલાનો દેશ ભારત શોધવા માગતા યુરોપિયનો કરતાં જરાય ઓછી નહોતી. જ્ઞાનપિપાસુએ સત્યાન્વેષણ માટે પેલાને ઢોરમાર માર્યો જેમાં એ માણસ મરી ગયો. પાછળથી ખબર પડી કે એ માણસનું નામ રામલાલ જૈન હતું અને તે માનસિક રીતે વિક્ષિપ્ત હતો. માટે જાણવાનું કુતુહલ તો માનવસહજ છે, એમાં કોઈ મોટી વાત નથી; પણ શું જાણવું એ મહત્ત્વનું છે અને એ કેળવણીનો ભાગ છે. ખાસ પ્રકારની કેળવણી આપીને ખાસ પ્રકારની જમાત પેદા કરવામાં આવી રહી છે જેને હનુમાનજીનું વતન અને ગરીબ બીમાર વ્યક્તિનો ધર્મ જાણવામાં વધારે રસ છે. તમને નથી લાગતું કે આ દેશ ચાર-પાંચ દાયકા પાછળ ધકેલાઈ જવાનો છે? -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આ બ્રહ્મપુત્રા નદી આવે છે ક્યાંથી? આજથી પોણા બસો વરસ પહેલાં ભારત ઉપર રાજ કરનારા અંગ્રેજોને આ સવાલ થયો હતો. આ પ્રશ્ન પાછળ શુદ્ધ કુતુહલ અને સંશોધન કરીને સત્ય શોધવાની વિજ્ઞાનનિષ્ઠા તો હતાં જ, પણ એમાં રાજકારણ અને આર્થિક સ્વાર્થ પણ હતાં. ભારતની કોઈ નદીમાં જોવા નથી મળતી એટલી વિપુલ જળરાશી આ નદી ધરાવે છે, પણ છે તોફાની. ચોમાસામાં રોદ્ર સ્વરૂપ ધારણ કરે ત્યારે આ નદી વિનાશનું પણ કારણ બને છે. માટે જાણવું જોઈએ કે આ નદી આવે છે ક્યાંથી? ચીનથી, તિબેટથી, મોંગોલિયાથી? બર્મા તો અંગ્રેજોના કબજામાં હતું એટલે એ વાતની તેમને ખબર હતી કે આ નદી બર્માથી ઉત્તરમાં ફંટાય છે.
જો નદીનાં મૂળની અને તે કયા કયા દેશોમાંથી પ્રવાસ કરતી ભારતમાં આવે છે એની જો ખબર પડે તો તેનાં પાણીનો વિનિયોગ કેમ કરવો તેની ખબર પડે. જો નદીની સંહારકશક્તિને મેનેજ કરવામાં આવે તો પાણીનો અને જે પ્રદેશમાંથી થઈને આ નદી બંગાળના ઉપસાગરને મળે છે એ ઇશાન ભારત તેમ જ પૂર્વ બંગાળની જમીનનો ઉપયોગ કરી શકાય. રોજગારી પેદા કરીને અન્ય ભારતમાંથી લોકોને અહીં વસાવી પણ શકાય અને એ પ્રદેશોના વાંશિક જૂથોની દાદાગીરીને નાથી શકાય. આમ આ પ્રશ્ન પાછળ હકીકત જાણવાનું કુતુહલ અને ભવિષ્યનું રોકાણ એમ બન્ને હતાં.
બ્રહ્મપુત્રાના મૂળને અને તેના પ્રવાસને જાણવા માટે અંગ્રેજોએ શું શું નથી કર્યું? એનો એક દિલધડક ઈતિહાસ છે. ચાર-પાંચ બંગાળીઓને બૌદ્ધ લામા જેવાં વસ્ત્રો પહેરાવીને, તેમને તિબેટી બૌદ્ધ ધર્મના પ્રાથમિક કર્મકાંડ શીખવાડીને અને તિબેટી ભાષા શીખવાડીને તિબેટ મોકલવામાં આવ્યા. તેમને કહેવામાં આવ્યું હતું કે તિબેટમાં જે મોટામાં મોટી નદી હોય એના કિનારે રાવટીમાં મઠ સ્થાપીને રોજ રાતના અંધારામાં નિશાન કરેલાં મોટાં લાકડાં નદીમાં વહાવવા. આ બાજુ આસામમાં અલગ અલગ જગ્યાએ ચોવીસે કલાક મશાલો સાથે નદીમાં પહેરો કરવા નદીની અંદર ચોકીઓ સ્થાપવામાં આવી હતી.
છ મહિના સુધી કોઈ લાકડાં તરતાં તરતાં ન આવ્યાં ત્યારે પહેરો ઉઠાવી લેવામાં આવ્યો હતો. અંગ્રેજોએ માન્યું હતું કે કદાચ બ્રહ્મપુત્રા નથી તિબેટમાંથી પસાર નહીં થતી હોય, પણ એક સાદી સમજ મુજબ તેમને એ વાત ગળે ઉતરતી તો નહોતી અને તેમણે બીજી રીતે પ્રયત્નો ચાલુ રાખ્યા હતા. દરમ્યાન પેલા લામાઓનું શું થયું અને શા માટે લાકડાં તરતાં તરતાં ભારતમાં ન આવ્યા એવો કુતુહલજન્ય પ્રશ્ન જો તમારા મનમાં થતો હોય (હા, જો થતો હોય તો) તો એનો ઉત્તર એ છે કે લામાઓ તિબેટમાં પકડાઈ ગયા હતા અને તેવી શક્યતાથી અંગ્રેજો અજાણ નહોતા.
જે જાણતા નથી એ જાણવાનું કુતુહલ માનવસહજ છે, પણ શું જાણવું એ કેળવણીનો ભાગ છે.
આજથી આઠસો વરસ પહેલાં ભારતનાં મસાલાઓ (તજલવિંગ વગેરે)ની યુરોપમાં ખુબ માંગ હતી. એટલી માંગ કે મધદરિયે વહાણો લૂંટાતા હતા અને કાપાકાપી ચાલતી હતી. આ જોઇને યુરોપમાં કેટલાક લોકોને પ્રશ્ન થયો હતો કે આ ભારત દેશ આવ્યો છે ક્યાં? અંતે તો આ પૃથ્વી ઉપર જ કોઈક જગ્યાએ હશે. પૂછતા પૂછતા તો લંકા પહોંચાય એટલે શોધી કાઢવો જોઈએ એ દેશ અને મસાલાનો સીધો વેપાર આપણે જ શા માટે ન કરીએ? એ પછી જે બન્યું એ ઈતિહાસ છે. એક પ્રશ્ન થયો, સત્ય શોધવાની જહેમત ઊઠાવી, જોખમ વહોર્યા અને પરિણામે એક દિવસ ભારત દેશ ગુલામ બન્યો.
ભારતમાં એ સમયે જે વેપારીઓ મસાલાઓનો વેપાર કરતા હતા તેમને પણ જાણ હતી કે તેમના મસાલાઓની દૂરદૂરના દેશોમાં વ્યાપક માગ છે. એટલી બધી માગ છે કે મધદરિયે લૂટાલૂટ અને કાપાકાપી થઈ રહી છે. ત્યારે એક પણ ભારતીય વેપારીને કે એક પણ ભારતીયને પ્રશ્ન નહોતો થયો કે આ મસાલા આખરે જાય છે ક્યાં અને વાપરે છે કોણ? મૂળ વપરાશકાર સુધી સીધા જ કેવી રીતે પહોંચી શકાય. આ વચેટિયાઓ વચ્ચે નફો શા માટે લઈ જાય? પણ આવો કોઈ પ્રશ્ન તેમને નહોતો થયો. આગળ કહ્યું એમ જે નથી જાણતા એ જાણવાનું કુતુહલ માનવસહજ છે, પણ શું જાણવું એ કેળવણીનો ભાગ છે.
પહેલાનાં યુગમાં લડાઈઓ મુષ્ટિયુદ્ધ, ગદાયુદ્ધ કે તલાવારયુદ્ધ દ્વારા થતી હતી અને એમાં બે લડવૈયાઓએ શારીરિક રીતે ઓક્બીજાની નજીક જવું પડતું હતું. ધનુષબાણ અને તીરકામઠાંનો ઉપયોગ કરીને દૂરથી લડી શકાતું હતું, પણ તેની પણ એક મર્યાદા હતી. વધુમાં વધુ અડધો કિલોમીટર દૂર બાણ ફેંકી શકાય. પ્રત્યંચાને એક હદથી વધારે તાણો તો તૂટી જાય. એમ કહેવાય છે કે ઈ.સ ૧૫૨૬ની સાલમાં બાબરે ભારત પર ચડાઈ કરી ત્યારે તે તોપ લઈને આવ્યો હતો. આ એક એવું સાધન હતું જેના દ્વારા બે-ત્રણ કિલોમીટર દૂર ઊભેલા સૈનિકો ઉપર પ્રહાર થઈ શકતો હતો અને એના દ્વારા પાછો એવો દારૂગોળો ફેંકવામાં આવતો હતો જેના દ્વારા પ્રતિસ્પર્ધીની વ્યાપક ખુવારી થાય.
પણ આશ્ચર્ય એ વાતનું છે કે એ સમયે આવાં અસરકારક શસ્ત્ર જોઇને અને તેને કારણે પરાજીત થવા છતાં ભારતનાં કોઈ રાજવીને પ્રશ્ન નહોતો થયો કે આ શસ્ત્ર અને દારૂગોળો બને છે કેવી રીતે, કોણ બનાવે છે, ક્યાં મળે છે, તેની ટેકનોલોજી શું છે અને આપણે પણ તેને કેમ ન અપનાવી શકીએ? જો આવો પ્રશ્ન કોઈકને થયો હોત તો ભારતનો ઈતિહાસ જુદો હોત. ભારતના મસાલા જાય છે ક્યાં એવો પ્રશ્નો કોઈને થયો હોત તો ભારતનો ઈતિહાસ જુદો હોત. આગળ કહ્યું એમ જે નથી જાણતા એ જાણવાનું કુતુહલ માનવસહજ છે, પણ શું જાણવું એ કેળવણીનો ભાગ છે. તો પછી જાણવા વિશેની આપણી કેળવણી કઈ રીતની છે? બે પ્રસંગ ટાંકુ છું.
મંગળવારે નાસિકમાં બે જૂથો વચ્ચે મારામારી થઈ. કુતુહલ એ વાતનું હતું કે હનુમાનજીનો જન્મ ક્યાં થયો હતો. નાસિકમાં પધારેલા દક્ષીણના સ્વામી ગોવિંદસ્વામીએ દાવો કર્યો કે હનુમાનજી કિષ્કિન્ધાના હતા તો નાસિકના સુધીરદાસ નામના મહંતનો દાવો હતો કે હનુમાનજી મહારાષ્ટ્રમાં અંજનેરીના વતની હતા. નક્કી થયું કે ચાલો શાસ્ત્રાર્થ કરીને નિશ્ચય કરીએ. પાછા વિદ્વાનો ખરા ને! બે પક્ષ વચ્ચે શાસ્ત્રાર્થ યોજવામાં આવ્યો. ફાંટ ભરીને ગ્રંથો લાવવામાં આવ્યા અને શાસ્ત્રાર્થ શરુ થયો. થોડીવાર થઈ નહીં અને સર્વશાસ્ત્રનિપુણ વિદ્વાનો દલીલોની જગ્યાએ ગાળાગાળી ઉપર ઉતરી આવ્યા, બાથાબાથી થઈ અને પોલીસને બોલાવવી પડી.
આપણે પણ કુતુહલ ધારાવીએ છીએ પણ આપણી કેળવણી અલગ પ્રકારની છે. આપણાં શાસ્ત્રોમાં બધું જ છે, માત્ર શોધવાની વાર છે. દુનિયા જે કાંઈ જાણે છે એ આપણા થકી જાણે છે. બીજો પ્રસંગ એવો છે જેમાં એક હિંદુનરપુંગવને કોઈ એક માણસની વિચિત્ર હરકતો જોઇને કુતુહલ થયું કે આનો ધર્મ શો હશે? આવી હરકતો કયા ધર્મનો માણસ કરે? ભારતને વિશ્વગુરુ જાહેર કરનારા ગુરુજનોમાંથી કોઈકે તેને જ્ઞાન આપ્યું હશે કે વિચિત્ર હરકતો માત્ર મ્લેચ્છ કરે. તે એ માણસની પાસે ગયો અને પૂછ્યું કે તું કયા ધર્મનો છે. પેલાએ કોઈ જવાબ આપ્યો નહીં એટલે હિંદુનરપુંગવે તેને મુક્કો માર્યો અને પૂછ્યું શું તારું નામ અહમદ છે? પેલો માણસ જવાબ આપ્યા વિના બાઘાની જેમ જોતો રહ્યો. પેલા હિંદુનરપુંગવનો ગુસ્સો વધતો જતો હતો.
મારતો જાય અને પૂછતો જાય, બોલ બોલ, તારું નામ અહમદ છે? જ્ઞાનપિપાસા બ્રહ્મપુત્રાનું મૂળ શોધવા માગતા અંગ્રેજો કે મસાલાનો દેશ ભારત શોધવા માગતા યુરોપિયનો કરતાં જરાય ઓછી નહોતી. જ્ઞાનપિપાસુએ સત્યાન્વેષણ માટે પેલાને ઢોરમાર માર્યો જેમાં એ માણસ મરી ગયો. પાછળથી ખબર પડી કે એ માણસનું નામ રામલાલ જૈન હતું અને તે માનસિક રીતે વિક્ષિપ્ત હતો. માટે જાણવાનું કુતુહલ તો માનવસહજ છે, એમાં કોઈ મોટી વાત નથી; પણ શું જાણવું એ મહત્ત્વનું છે અને એ કેળવણીનો ભાગ છે. ખાસ પ્રકારની કેળવણી આપીને ખાસ પ્રકારની જમાત પેદા કરવામાં આવી રહી છે જેને હનુમાનજીનું વતન અને ગરીબ બીમાર વ્યક્તિનો ધર્મ જાણવામાં વધારે રસ છે. તમને નથી લાગતું કે આ દેશ ચાર-પાંચ દાયકા પાછળ ધકેલાઈ જવાનો છે?
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.