Columns

આ દરવાજો પણ બંધ કરી દે

એક ધનિક શેઠે મોટો મહેલ જેવો બંગલો બંધાવ્યો.ચારે બાજુ તેની વાહ વાહ થવા લાગી.શેઠના મનમાં એક ડર સતત રહેતો હતો કે કોઈ તેમની પર હુમલો કરશે અને કોઈ તેમની સંપત્તિ લૂંટી જશે એટલે સુરક્ષાની દ્રષ્ટિએ તેમણે બહુ ધ્યાન રાખ્યું હતું.બંગલાની આજુબાજુ ઊંચી દીવાલો હતી અને બંગલામાં કોઈ આવી ન શકે તે માટે કોઈ બારી બનાવી જ ન હતી અને એક માત્ર દરવાજો હતો જ્યાં કડક ચોકીપહેરો હતો.બીજા કોઈ દરવાજા બંગલામાં હતા જ નહિ.

ધનિક શેઠ પોતાના ગુરુજીને નવા બંગલામાં પધારવાનું આંમત્રણ આપવા ગયા અને બહુ જ આગ્રહ કરી બંગલો જોવા પોતાની સાથે લઇ આવ્યા.ગુરુજીને બહુ ગર્વ સાથે બંગલો બતાવતા શેઠે ગુરુજીને કહ્યું, ‘ગુરુજી, મેં આ બંગલામાં સુરક્ષાને ધ્યાનમાં રાખી એક પણ બારી બનાવી જ નથી અને માત્ર એક જ દરવાજો બનાવ્યો છે.અને અંદર દરેક કક્ષમાં સુંદર રાચરચીલું વિદેશથી મંગાવ્યું છે.’

ગુરુજી તેની વાત સાંભળી બોલ્યા, ‘એક કામ કર. આ એક દરવાજો રાખ્યો છે તે પણ બંધ કરી દે.’ શેઠ બોલ્યા, ‘ગુરુજી, તો તો આ બંગલો એક કબર સમાન બની જશે.બહારથી કંઈ અંદર નહિ આવી શકે તો અમે મરી જશું.’ ગુરુજી હસ્યા અને બોલ્યા, ‘અરે વાહ, તને ખબર છે કે આ દરવાજો બંધ કરી દેવાથી તારું મૃત્યુ થઈ જશે.પણ મૂર્ખ તેં જે રીતે ઊંચી દીવાલો બાંધી છે…એક પણ બારી બંગલામાં બનાવી નથી અને એક સિવાય બધા દરવાજા બંધ કરી દીધા છે એટલે આમ તો જીવન સાથેનો તારો સંબંધ કપાઈ જ ગયો છે તો ભલે મૃત્યુ થતું.આમ પણ તાજી હવા …ખુલ્લા આકાશ …અને ચમકતા સૂર્યપ્રકાશ સાથે તે સંબંધ કોઈ રાખ્યો જ નથી.

તારી સંપત્તિ કોઈ ચોરી જશે કે તારી પર કોઈ હુમલો કરશે ….આ ખોટા ડરને કારણે તે કારણ વિના જીવન સાથે સંબંધ તોડી જ નાખ્યો છે તો આ એક દરવાજો પણ બંધ કરી મૃત્યુ જ સ્વીકારી લે.અથવા તો બધા દરવાજા ખોલી બારીઓ બનાવી જીવનને ખુલ્લા મને સ્વીકારી લે.’ ગુરુજીએ શેઠને ખોટો ડર કાઢી જીવન સાથે નાતો ફરી જોડવા સમજાવ્યું. મનનો ખોટો ડર જીવન સાથેનો સંબંધ તોડી નાખે છે અને ભયભીત મન સાથે જીવવું મોત સમાન જ છે.માટે ખોટો ડર રાખવો નહિ. જીવન જિંદાદિલ બની જીવવું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top