બારડોલી : ઘર, દુકાન, મંદિરમાં ચોરી (Theft) થતી સાંભળી હશે પરંતુ હવે તો ચોરો સ્મશાનને (crematorium) પણ નથી છોડી રહ્યા. બારડોલી તાલુકાના વરાડ (Varad) ગામે સ્મશાનમાંથી તસ્કરો 3 સગડીની ચોરી કરી જતાં ચકચાર મચી ગઈ હતી. ચોરીના ગુના ઉકેલવામાં નિષ્ફળ રહેલી બારડોલી (Bardoli) ગ્રામ્ય અને ટાઉન પોલીસને તસ્કરોએ એક નવો પડકાર ફેંક્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલી તાલુકાના વરાડ ગામે બારડોલી-કડોદ રોડ પર મોક્ષધામ નામથી સ્મશાન આવેલું છે, જેમાં મૃતદેહનાં અંતિમસંસ્કાર માટે ત્રણ લોખંડની સગડી મૂકવામાં આવી છે. ગત 6 જુલાઈની રાત્રિએ આ સ્મશાનમાંથી ત્રણેય સગડીની ચોરી થઈ છે. આ અંગે ગ્રામજનોએ બારડોલી ગ્રામ્ય પોલીસમથકમાં જાણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ભગવાનને નહીં છોડતા તસ્કરો હવે મનુષ્યની અંતિમસંસ્કારની જગ્યા પરથી પણ ચોરી કરવાનો ડર રહ્યો નથી. સ્મશાનની ભટ્ઠીની ચોરી થઈ હોવાની વાત સમગ્ર પંથકમાં વાયુવેગે પ્રસરતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.
સેલવાસમાં પણ ડ્રગ્સનો કાળો કારોબાર: મેફેડ્રોન ડ્રગ્સ સાથે ત્રણ ઝડપાયા
સુરત : દમણ બાદ સેલવાસમાંથી ડ્રગ્સ ઝડપાઈ ગયું છે. પોલીસે 33 હજારની કિંમતના ડ્રગ્સ સાથે રેકેટ ચલાવતા શખ્સો પૈકીના ત્રણ લોકોને પકડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. સ્પેશિયલ ઇન્ચાર્જના પી.એસ.આઈ. સોનુ દુબેને ગુપ્ત રાહે બાતમી મળી હતી કે, એક શાહનવાઝ નામના વ્યક્તિ ડ્રગ્સ વેચવા સેલવાસ આવી રહ્યો છે. જેથી સેલવાસ પોલીસ વિભાગના એસ.ડી.પી.ઓ. સિદ્ધાર્થ જૈનના નેજા હેઠળ પી.એસ.આઈ.
સોનુ દુબેએ એક પોલીસ ટીમ બનાવી સેલવાસની ડેન હોટલ પાસે છાપો માર્યો હતો. જ્યાંથી શાહનવાઝ આરીફ શેખ (ઉં. 33 રહે. જલારામ મંદિર પાછળ, બહુમાળી સેલવાસ, મૂળ આઝમગઢ ઉત્તર પ્રદેશ) ઝડપાઈ ગયો હતો. જેથી પાસેથી રૂપિયા 33,200 ની કિંમતનું 3.32 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. આ કેસની તપાસ પી.એસ.આઈ. પ્રદિપ રાજગરને સોંપાઈ છે. જ્યાં પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરતાં તેણે ડ્રગ્સ વાપીના સાહીલ અને સફીકના નામ આપ્યા જેથી પોલીસે 8 જુલાઈના રોજ વાપીના પેપીલોન હોટલ પાછળ વૈશાલી સિનેમા પાસેના વૈશાલી એપાર્ટમેન્ટમાં રહેતા 28 વર્ષિય શાહીલ જાવેદ માલવિયા તથા સુમેરુ કોમ્પલેક્ષમાં રહેતા 29 વર્ષિય સફીક અબ્દુલ્લા અંસારીની ધરપકડ કરી સેલવાસ લાવી ત્રણેય આરોપીને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે આરોપીના 12 જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.