નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અમદાવાદ જેવા તદ્દન ઔદ્યોગિક શહેરી વિસ્તારની મહાનગરપાલિકાના મેયર તરીકે ક્ષત્રિય ઠાકોર સમાજના કાનાજી ઠાકોરને જવાબદારી સોંપવામાં આવી હતી! વાણિયા, બ્રાહ્મણ, ક્ષત્રિય, શિક્ષિત-અશિક્ષિત, પાટીદાર આવા કોઇ પણ મુદ્દા ચર્ચાયા વગર! કારણ? કારણ ગુજરાતના રાજકારણમાં અસરકારક મતસંખ્યા ક્ષત્રિય ઠાકોર સમાજની છે! આખા ને આખા મત વિસ્તારો આ સમાજના પ્રભુત્વમાં છે. છતાં આપણા મીડિયા કે ચૂંટણી વિશ્લેષકો કદી તેમના ‘પાવર’ ની ચર્ચા કરતા નથી અને છાશવારે ‘પાટીદાર પાવર’ના ગણિત વર્તમાનપત્રો અને ચેનલોમાં બ્રેકિંગ ન્યૂઝ બને છે.
તો શું ખરેખર ગુજરાતના મતદાની વસ્તી ગણતરીમાં આ મત અસરકારક છે! વસ્તીના આંકડા મુજબ પાટીદાર બહુમતવાળા વિસ્તારમાં એટલે કે ઉત્તર ગુજરાતમા મહેસાણા જિલ્લા અને સૌરાષ્ટ્રમાં રાજકોટ આસપાસના વિસ્તારમાં 18 ટકા થી 20 ટકા પાટીદાર મત છે, જે અસરકારક માનવામાં આવે છે. પણ જો રાજકારણમાં જ્ઞાતિનું ગણિત જોર પકડે અને પાટીદાર વિરુધ્ધ અન્યની રાજરમત રમાય તો ઉલ્ટાનો પાટીદાર પાવર નબળો પડે છે કારણ કે 12 ટકા કે 18 ટકા વોટથી આખી બેઠક કબજે ના થાય!
હા, કોઇ ખુલ્લા મેદાનમાં કોઇ જ્ઞાતિસભા એકઠી થાય ત્યારે મોટો માનવમહેરામણ ઉમટે! પણ આ માનવમહેરામણ જુદા જુદા વિધાનસભા ક્ષેત્રમાંથી આવ્યો હોય! મોટા મેદાનમાં શકિતપ્રદર્શન માટે ભેગા થયેલા કોઇ પણ જ્ઞાતિના લોકો પોતપોતાના મત ક્ષેત્રમાં જાય ત્યારે તેમના મત કેટલા અસરકારક છે તે વિચારવું પડે! જે આપણું મીડિયા વિચારતું જ નથી! ખુદ પાટીદાર આગેવાનો અને સામાન્ય નાગરિકો આ વાત જાણે જ છે! હમણાં જ એક પાટીદાર સાક્ષર સાથે મુલાકાત થઇ ત્યારે તેમણે દુ:ખી હૃદયે કહ્યું કે આ છાપાં-ચેનલવાળા અમારા એકાદ નેતાની મહત્ત્વાકાંક્ષા કે અસંતોષને અમારા માથે કેમ નાખી દે છે! આવા સમાચારો અને શીર્ષકોથી અમારા જેવા સામાન્ય લોકો પર શું વીતે છે તે કેમ કોઇ નથી સમજતું? શું દરેક પાટીદાર સાવ આવી રીતે મતદાન કરતો હશે!
વાત વિચારવા જેવી છે. માત્ર પાટીદાર જ નહીં, કોળી પટેલ સમાજ, ચૌધરી સમાજ, ઠાકોર સમાજ… કે ઇવન મુસ્લિમો પોતપોતાની રાજકીય સમજ ધરાવે છે. તેમના કોઇ એકાદ નેતાના આમ કે તેમ જવાથી તે આખો સમાજ પોતાની વિચારધારા બદલી નાખતો નથી! હા, જ્ઞાતિ-જાતિનું પરિબળ રાજનીતિમાં છે. પણ તે સમગ્રતયામાં છે. કોઇ એક વ્યકિત સાથે નથી. વળી અત્યારે ટેકનોલોજીએ વસ્તીનું ધર્મ, જ્ઞાતિ વિભાજન,વર્ગીકરણ સાવ સરળ બનાવી દીધું છે. બધા જ રાજકીય પક્ષોને ખબર છે કે કયા પ્રદેશમાં કઇ બેઠકમાં કઇ જ્ઞાતિ સમુદાયનું પ્રભુત્વ છે! અને માટે પ્રતિનિધિ પસંદ કરવામાં તે બાબત ધ્યાનમાં લેવાય જ છે. ચૌધરી સમાજના પ્રભુત્વવાળા વિસ્તારમાં બંને પક્ષ ચૌધરી પ્રતિનિધિ ઊભા રાખે ત્યારે જ્ઞાતિ પરિબળ સમાન રીતે વહેંચાઇ જાય છે. આ વાત સાદી સમજણની છે.
ગુજરાતના રાજકારણનો ઇતિહાસ તપાસીએ તો પહેલા ‘લોબીંગ’ ચાલતું. રાજપૂત લોબીનું રાજનીતિ અને મંત્રી મંડળમાં પ્રભુત્વ રહેતું! વણીક, બ્રાહ્મણ સમાજનું વોટીંગની દ્રષ્ટિએ શું મૂલ્ય છે તેની ચર્ચા વગર જ તેમનું સત્તાના અગત્યના સ્થાનો પર પ્રભુત્વ રહેતું! પણ છેલ્લા વીસ વર્ષમાં જ્ઞાતિ, પેટા જ્ઞાતિ કે પ્રદેશ વિસ્તારના પ્રતિનિધત્વ અને લાગણીનો મુદ્દો વધારે ને વધારે ચર્ચામાં રહ્યો છે. ટીકીટ વહેંચણી વખતથી જ શરૂ થઇ જાય છે કે આ જ્ઞાતિને આટલી ટીકીટ અને આ જ્ઞાતિને આટલી… વળી આ આટલે અટકતુ નથી. પરિણામો આવી જાય પછી મંત્રી મંડળની રચનામાં આજ જ્ઞાતિવાદી-પ્રદેશવાદી વિભાજનો રજૂ થાય છે. આવા વિભાજનો કદી જીતેલો રાજકીય પક્ષ તો ઇચ્છી જ નહીં!
અને ઊભા કરે જ નહીં! જે તે નેતા જ આવા મુદ્દા ઊભા કરે! વળી શહેરોમાં પચરંગી વસ્તી પ્રમાણ હોવાથી શહેરોમાં જ્ઞાતિ કરતા ધર્મ અને પક્ષીય રાજનીતિની અસર પડે છે જયાં પક્ષની મુખ્ય નેતાગીરી વોટીંગ પર અસર પાડે છે એટલે જ્ઞાતિના સમીકરણો ગ્રામ્ય ક્ષેત્રમા વધારે અસર કરનારા હોય છે. ગુજરાતમાં આ રીતે જોતા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સુધીના એક આખા પટ્ટામાં ક્ષત્રીય ઠાકોર મતોનું પ્રભુત્વ છે અને સૌરાષ્ટ્રના પટ્ટામાં કોળી પટેલ મતોનું પ્રભુત્વ છે. પાટીદાર મતોનું સમગ્ર ગુજરાતના રાજકારણમાં નહીવત પ્રભુત્વ છે. અગાઉના વર્ષોમાં આખે આખા પક્ષ આ ‘પાવર’ સાથે ચુંટણી જીતવા મેદાને પડયા હતા પણ ‘અન્ય જ્ઞાતિ મતો’ સામે તેઓ સમ ખાવા પૂરતી બેઠકોપણ જીતી શકયા નથી. હા, ગુજરાતમાં એક જ્ઞાતિને બદલે તમામ અન્ય પછાત જ્ઞાતિને સાથે રાખીને ચુંટણી લડવાની વ્યુહરચના સફળથયાના દાખલા છે અને અત્યારે ભાજપના ‘હિન્દુત્વ’નો મુખ્ય મુદ્દો જ આ જ્ઞાતિઓને ભેગી કરવાનો છે!
પણ મૂળ વાત આ નથી. મૂળ વાત તો એ છે કે શા માટે સમૂહ માધ્યમો તદ્દન જ્ઞાતિવાદી સમાચારોને મહત્ત્વના બનાવે છે! શા માટે કોઇ ખાસ જ્ઞાતિના નેતાઓ, તેમણે બોલાવેલાં સંમેલનો કે તેમના અસંતોષને મહત્ત્વ આપવું જોઇએ! શું આ નેતાઓ પોતે જ પોતાના પ્રમોશન માટે મીડિયાનો ઉપયોગ નહીં કરતા હોય? રાજકીય પક્ષોને જ્ઞાતિ સમૂહના દબાણ સામે નમાવવા આવા સમાચારોનો ઉપયોગ થતો હશે? કે માત્ર અપરિપકવતામાંથી જ આ સમાચાર સર્જાય છે! આમ તો મીડિયા રાજનેતાઓને જ્ઞાતિવાદી રાજનીતિ માટે દોષ દે છે. પણ કયારેક આ માધ્યમોના વડાઓએ પોતાની જાત સામે પણ જોવું જોઇએ! કોંગ્રેસ કે ભાજપની પોતપોતાની ખાસિયતો-ખૂબીઓ છે! પ્રજા તેમને ચાહે કે ધિક્કારે છે! પણ એકાદ વ્યકિતના આવવાથી આ પક્ષો તરી જશે કે એકાદના જવાથી ડૂબી જશે તે માનવું ભૂલભરેલું છે! આવા વ્યકિતલક્ષી, જ્ઞાતિવાદી સમાચારો ‘બ્રેકિંગ ન્યૂઝ’ નથી. મીડિયાની ‘બ્રેકિંગ ઇમેજ’ છે!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે