ભારતના વડા પ્રધાન કે ભૂતપૂર્વ વડા પ્રધાન પણ દેશમાં ગમે ત્યાં જાય તો તેમની સુરક્ષાની જવાબદારી સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી) નામનું અદ્યતન દળ સંભાળતું હોય છે, જેમાં દેશના સૌથી ચુનંદા અને કાબેલ પોલીસ અધિકારીઓને લેવામાં આવતા હોય છે. આ દળ સીધું ભારત સરકારના ગૃહ ખાતાના આદેશ હેઠળ કામ કરે છે. વડા પ્રધાન જે રાજ્યની મુલાકાત લેવાના હોય તે રાજ્યની પોલીસની ભૂમિકા તેમની સુરક્ષામાં શૂન્ય બરાબર હોય છે. વડા પ્રધાનનો રૂટ નક્કી કરવાથી માંડીને તેમના કાર્યક્રમમાં કોણ સ્ટેજ ઉપર હશે? ક્યાં વાહનો તેમના કાફલામાં હશે? વગેરે તમામ નિર્ણયો એસપીજી કરતું હોય છે. જો વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબ મુલાકાત દરમિયાન તેમની સુરક્ષામાં કોઈ ખામી રહી ગઈ હોય તો તેના માટે સ્થાનિક પોલીસ નહીં એસપીજી જવાબદાર છે.
વડા પ્રધાનની પંજાબ મુલાકાત દરમિયાન સુરક્ષામાં ખામી રહી ગઈ હોવાનો મુદ્દો ચગાવવામાં આવ્યો છે, પણ હકીકતમાં તેનો ઉહાપોહ કરવાનું કારણ કાંઈક અલગ જ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી ભટીંડા વિમાનમાં આવવાના હતા અને ત્યાંથી ફિરોઝપુર હેલિકોપ્ટરમાં જઈને બપોરે ૧ વાગ્યે રેલીને સંબોધન કરવાના હતા. કિસાન આંદોલન પછી પંજાબમાં વડા પ્રધાનની આ પહેલી રેલી હોવાથી તેના માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કેન્દ્રીય સુરક્ષા દળના આશરે દસ હજાર જવાનોને ઠેકઠેકાણે ગોઠવી દેવામાં આવ્યા હતા. રેલીની આગલી રાતે ફિરોઝપુરમાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો હતો. બુધવારે પણ ભારે વરસાદની આગાહી હતી, પણ ભાજપ તરફથી તેની કોઈ તૈયારી કરવામાં આવી નહોતી. સ્ટેજ વોટરપ્રૂફ બનાવવામાં આવ્યું હતું, પણ પ્રેક્ષકો માટે વરસાદથી બચવાની કોઈ સગવડ ઊભી કરવામાં આવી નહોતી. પંજાબની સરકાર દ્વારા વરસાદની પરિસ્થિતિને લઈને રેલી મુલતવી રાખવાની વિનંતી કરવામાં આવી હતી, પણ વડા પ્રધાનના કાર્યાલયે તે વિનંતી ઠુકરાવી દીધી હતી.
પંજાબ સરકાર દ્વારા વડા પ્રધાનના કાર્યાલયને સૂચના આપવામાં આવી હતી કે પંજાબના કિસાનોનું આંદોલન ચાલી રહ્યું છે. તેઓ રેલીના સ્થળે વિરોધ પ્રદર્શન કરે તેવી સંભાવના પણ છે. સ્વાભાવિક છે કે ગુપ્તચર સંસ્થાઓ પાસે પણ આ માહિતી હતી. તેમની ફરજ હતી કે આંદોલન કરી રહેલાં કિસાન સંગઠનો પર નજર રાખવી અને તેમની યોજનાની વિગતો મેળવીને એસપીજીને પહોંચાડવી. જો ગુપ્તચર સંસ્થાઓએ કિસાનોની ગતિવિધિઓ પર બરાબર નજર રાખી હોત તો તેમને ખબર પડી જવી જોઈતી હતી કે તેઓ ક્યા સ્થળે રસ્તા રોકો કરવાના છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના નિયત ટાઇમટેબલ મુજબ વિમાનમાં ભટીંડા પહોંચી ગયા હતા. ત્યાંથી તેઓ હેલિકોપ્ટરમાં બેસીને ફિરોઝપુર જવાના હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે તેમનો કાર્યક્રમ બદલવો પડ્યો હતો. વડા પ્રધાન જ્યારે પણ મુસાફરી કરે છે ત્યારે તેમનો વૈકલ્પિક મુસાફરી પ્લાન તૈયાર જ હોય છે. તેના રૂટની પણ ચોકસાઈ કરી લેવામાં આવી હોય છે. વડા પ્રધાને ફિરોઝપુર હેલિકોપ્ટરથી જવાને બદલે મોટરમાર્ગે જવાનું નક્કી કર્યું હતું. ફિરોઝપુરથી ભટીંડા ૧૦૦ કિલોમીટર દૂર હોવાથી મોટરમાર્ગે લગભગ બે કલાકનો રસ્તો હતો. વડા પ્રધાનના કાર્યક્રમમાં ફેરફારનો નિર્ણય એસપીજીએ લીધો હતો. તેમાં પંજાબ પોલીસની કોઈ ભૂમિકા નહોતી.કિસાન સંગઠનને આ બદલાયેલા રૂટની જાણકારી મળી ગઈ હતી.
તેઓ ટ્રેક્ટરો લઈને તે રસ્તા પર પહોંચી ગયા હતા અને તેમણે વડા પ્રધાનનો રસ્તો રોકી લીધો હતો. વડા પ્રધાનનો કાફલો ૨૦ મિનિટ સુધી ફ્લાયઓવર પર રોકાઇ ગયો હતો. દરમિયાન પંજાબ પોલીસે રસ્તો સાફ કર્યો હતો. આંદોલન કરી રહેલા કિસાનો વડા પ્રધાનના કાફલાથી એક કિલોમીટર જેટલા દૂર હતા. તેમણે વડા પ્રધાનની કારને ઘેરી લીધી હોય કે તેની નજીક આવી ગયા હોય તેવી કોઈ ઘટના બની નહોતી. પંજાબ પોલીસે તેમને ખસેડી પણ લીધા હતા. તો પણ વડા પ્રધાન ફિરોઝપુર રેલીના સ્થળે પહોંચવાને બદલે પાછા ભટીંડા એરપોર્ટ પર પહોંચી ગયા હતા. રેલી તેના નિયત સમય કરતાં ૪૫ મિનિટ મોડી યોજાઈ હતી. તેને પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ ઉપરાંત ભાજપના પંજાબ એકમના પ્રમુખ અશ્વનિ શર્માએ સંબોધી હતી. રેલી માટે આશરે ૭૦,૦૦૦ ખુરશીઓ લાવવામાં આવી હતી. તેની સામે માંડ ૭૦૦ પ્રેક્ષકો હાજર રહ્યા હતા. તેમાંના બહુ ઓછા પાસે છત્રીઓ હતી. કેટલાકે વરસાદથી રક્ષણ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કટઆઉટ માથે ઓઢી લીધા હતા તો કેટલાકે ખુરશીનો ઢાલ તરીકે ઉપયોગ કર્યો હતો. રેલી સંપૂર્ણપણે ફ્લોપ હતી.
વડા પ્રધાનની રેલી કેમ ફ્લોપ ગઈ? તેનું કારણ જાણવા માટે આપણે પંજાબમાં વર્તમાનમાં પ્રવર્તમાન રાજકીય પરિસ્થિતિની સમીક્ષા પણ કરવી પડશે. કિસાન આંદોલન દરમિયાન અને ત્યાર પછી સમગ્ર પંજાબમાં માત્ર ભાજપવિરોધી નહીં પણ તમામ રાજકીય પક્ષોવિરોધી માહોલ છે. પંજાબના મતદારો તમામ રાજકીય પક્ષોથી વિરુદ્ધ થઈ ગયા છે, કારણ કે કિસાન આંદોલન દરમિયાન તેમની મદદે કોઈ આવ્યું નહોતું. પંજાબના કિસાનો દ્વારા કોઈ પણ રાજકીય નેતાને તેમના ગામમાં પ્રવેશ કરવા પર બંધી ફરમાવી દેવામાં આવી છે. તેનો સખત અમલ પણ થઈ રહ્યો છે.
આ સંયોગોમાં પંજાબમાં રેલી કરવાનો નિર્ણય કરીને વડા પ્રધાને મોટું જોખમ વહોરી લીધું હતું. કદાચ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ દ્વારા તેમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. વડા પ્રધાનની રેલીનો પ્રચાર કરવા ફિરોઝપુરમાં ઠેકઠેકાણે વડા પ્રધાનનાં પોસ્ટરો અને કટઆઉટ લગાડવામાં આવ્યા હતા. કેટલીક રીક્ષાઓ અને સાઇકલ રીક્ષા ઉપર ભાજપના ઝંડાઓ પણ લગાડવામાં આવ્યા હતા. રેલી પહેલાં કિસાન આંદોલન દ્વારા મોટા ભાગનાં પોસ્ટરો ફાડી કાઢવામાં આવ્યાં હતાં અને ઝંડાઓ કાઢી લેવામાં આવ્યા હતા. રેલીમાં લોકોને ભેગા કરવા માટે ભાજપના નેતાઓ દ્વારા ગામે ગામ બસો મોકલવામાં આવી હતી. લોકો તે બસમાં બેસવા તૈયાર નહોતા. તેને કારણે બસો ખાલી પાછી ફરી રહી હતી. ભાજપે તેના કાર્યકરોને રેલીમાં લાવવા પંજાબ ઉપરાંત હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સુધી બસો દોડાવી હતી.
કિસાનો દ્વારા આ બસો રસ્તામાં જ રોકી પાડવામાં આવી હતી. તેને કારણે રેલીમાં ખુરશીઓ ખાલી હતી.વડા પ્રધાનને તેમની મુસાફરી દરમિયાન રેલીનો ક્ષણે ક્ષણનો હેવાલ મળતો હતો. રેલી ફ્લોપ જવાના ડરે તેઓ અકળાયેલા જ હતા. તેમાં કિસાનો દ્વારા તેમનો રસ્તો રોકાઈ જતાં તેમને રેલીમાં ન જવાનું મજબૂત કારણ મળી ગયું હતું. તેઓ થોડા વિલંબ પછી રેલીમાં પહોંચી શકે તેમ હતા, પણ રસ્તા રોકો આંદોલનનું કારણ આગળ ધરીને તેમણે રેલીમાં જવાનું માંડી વાળ્યું હતું. તેઓ પાછા ભટીંડા પહોંચી ગયા હતા. જો રેલીમાં લાખ માણસોની હાજરીના હેવાલ મળ્યા હોત તો વડા પ્રધાન તેમની રેલી કેન્સલ કરત ખરા? વડા પ્રધાને સુરક્ષામાં ખામીને મોટો મુદ્દો બનાવીને તેમની રેલી ફ્લોપ ગઈ તે હકીકતથી લોકોનું ધ્યાન બીજે દોરવામાં સફળતા હાંસલ કરી લીધી હતી. જો કે તેમ કરવાથી પંજાબનો જંગ જીતાઈ જવાનો નથી. કિસાનો કોઈ રીતે સમાધાન કરવા તૈયાર નથી. વડા પ્રધાન પંજાબમાં ઘણી રેલી કરવાના છે. આ રેલીને કેવી રીતે સફળ બનાવવી તે ભાજપનું શિરદર્દ રહેશે.