Business

બહુ બધાં વેઠ્યાં હશે, તડકા તરસ ને સંકટો, એ પછી વરસાદ છે, આહલાદ્ છે, સ્વાગત કરો!

વાગઢના પોલીસ સ્ટેશનમાં હાજર થયા ત્યારે મહેન્દ્રસિંહને બધું નવું નવું લાગતું હતું. અજાણું ગામ, અજાણ્યા માણસો અને અજાણ્યું પોલીસ સ્ટેશન. એક માત્ર પોલીસની વર્દી જ પરિચિત હતી! મૂળ સૌરાષ્ટ્રના મહેન્દ્રસિંહને અજાણી જગ્યાએ વસવાનો કે નોકરી કરવાનો અણગમો નહોતો કે નહોતી એમને કોઈની બીક. એ નાનપણથી જ જવાંમર્દ હતા એટલે ગમે તે જગ્યાએ ગોઠવાઈ જવાની એમની આવડત હતી.  એમની બીજી ખાસિયત એ હતી કે, એ અન્યાય સહન નહોતા કરી શકતા. સામે ગમે તેટલી શક્તિશાળી વ્યક્તિ હોય પણ અન્યાય કરનારની સામે એ લડી જ લેતા. આના પરિણામ સ્વરૂપે એમની વારંવાર બદલી થયા કરતી!v એમણે નવાગઢમાં સારા મકાનની શોધ શરૂ કરી અને બે-ત્રણ દિવસમાં એમને યોગ્ય મકાન મળી પણ ગયું.  એકાદ અઠવાડિયામાં તો મહેન્દ્રસિંહને નવાગઢનો પરિચય થઈ ગયો. ગામ સારું હતું. મોટાભાગના માણસો પણ સારા હતા.

રેલવે સ્ટેશન પર કેટલાક નબળા માણસો હતા પણ એવા માણસો તો ભારતના લગભગ દરેક રેલવે સ્ટેશન પર જોવા મળે જ! “સાહેબ,” એક દિવસ એ પોલીસ સ્ટેશનમાં બેઠા હતા ને એક યુવાન એની પત્ની સાથે આવીને એને પગે લાગ્યો.  “અરે, અરે,” મહેન્દ્રસિંહે એને ઊભો કરતાં પૂછ્યું, “બોલો, શું કામ હતું?”  “સાહેબ,” યુવાનની પત્નીએ કહ્યું, “અમારી દીકરીના લગન છે છ-સાત મહિના પછી અને એના માટે અમે દાગીનો બનાવડાવેલો પણ છ મહિના પહેલાં અમારે ઘરના રિપેરિંગમાં પૈસાની જરૂર પડી એટલે ઓલ્યા નાણાં ધીરનાર  આસુમલ પાસે અમે ગયા. ચાર મહિનાનો વાયદો કરીને એની પાસેથી પાંચ હજાર રૂપિયા લાવ્યા. દર મહિને અમે એને વ્યાજ આપી દેતા હતા. આજે અમે દાગીના છોડાવવા પાંચ હજાર રૂપિયા લઈને ગયા, તો એણે કહ્યું કે, તમારી મુદત ચાર મહિનાની હતી ને છ મહિના થઈ ગયા છે, બે મહિના વધુ થયા છે એટલે હવે દાગીના પાછા નહીં મળે. ઘર ભેગા થઈ જાવ.”

‘‘હં.’’ મહેન્દ્રસિંહ બોલ્યા, “પછી શું થયું?” “પછી શું સાહેબ,” પેલો યુવાન બોલ્યો, “અમે બન્ને ઘણું કરગર્યા, એના પગમાં પડ્યા, પણ એ ન જ માન્યો ને અમે રડતાં રડતાં અહીં આવ્યાં. સાહેબ, દીકરીના લગન આવીને ઊભા છે, જો એને દાગીનો નહીં ચડાવીએ તો સમાજમાં અમારી આબરૂ જશે અને બીજા દાગીના કરાવવાનો અમારો વેંત નથી. તમે સાહેબ, અમારી ફરિયાદ લખી લો અને અમને ન્યાય અપાવો તો મેરબાની સાહેબ. હું તો રિક્ષા ચલાવીને પૂરું કરું છું.”  ‘‘જુઓ ભાઈ,” મહેન્દ્રસિંહ બોલ્યા, “હું તમારી ફરિયાદ નોંધીશ તો કેસ કોર્ટમાં જશે ને દાગીના કદાચ પાછા મળે તો એ ક્યારે મળે એ પણ નક્કી નથી. એના બદલે હું એને મળીને સમજાવીને તમારા દાગીના પાછા અપાવીશ.”

‘‘ચોક્કસ સાહેબ?” યુવતીએ મહેન્દ્રસિંહની આંખમાં આંખ પરોવીને કહ્યું, “એ માણસ માથાભારે છે, ગામમાં કોઈ એનું નામ નથી લઈ શકતું. એની પડખે એના આઠ-દસ માણસો ચોવીસે કલાક ઊભા જ હોય છે.” “ભલે ઊભા હોય,’’ મહેન્દ્રસિંહે ઊભા થતાં કહ્યું, “આપણે ક્યાં ઝગડો કરવો છે? હું એને મારી રીતે સમજાવીશ. પહેલાં હું એને ફોન કરીને જ જઈશ. એનો નંબર છે તમારી પાસે?” યુવાને લેન્ડલાઈન ટેલિફોન નંબર આપ્યો એટલે મહેન્દ્રસિંહે ફોન લગાડ્યો. “હું પોલીસ સ્ટેશનમાંથી મહેન્દ્રસિંહ બોલું છું,’’ મહેન્દ્રસિંહે ફોનમાં કહ્યું, “પેલા ભાઈના દાગીના આપવાની તમે ના પાડી એ ખોટું કર્યું છે. બિચારાની દીકરીના લગન છે, અને…” ‘‘સાચું-ખોટું હું ન જાણું,” સામા છેડેથી આસુમલનો અવાજ આવ્યો, “આ તો મારો ધંધો છે, મુદત પતે એટલે દાગીના જાય જ.”

‘‘એવું ન કરો આસુમલ,” મહેન્દ્રસિંહ બોલ્યા, “હું મળવા આવું છું.”  આટલું કહીને મહેન્દ્રસિંહે ફોન મૂકી દીધો. એ બપોરે બાઈક લઈને આસુમલના ઘેર પહોંચ્યા ત્યારે એ સાત-આઠ માણસોથી ઘેરાએલો ખુરશી પર બેઠો હતો, એની આગળ મોટું ટેબલ હતું. મહેન્દ્રસિંહે આસુમલની સામેની ખુરશી પર આસન જમાવ્યું.  “બોલો,” મહેન્દ્રસિંહે કહ્યું, “પેલા બિચારા રિક્ષાવાળાની દીકરીના લગન છે, એને દાગીના ચડાવવાના છે, જો એ પાછા નહીં મળે તો બિચારાની જિંદગી ધૂળધાણી થઈ જશે. વાંધો શો છે પાછા આપવામાં?”  ‘‘એને ચાર મહિનાનો વાયદો હતો,’’ આસુમલે કહ્યું, “ને છ મહિના થયા. દાગીના તો પાછા ન જ મળે ને?”  “પણ એવું હોય તો બે મહિનાનું વધારાનું વ્યાજ લઈ લો,” મહેન્દ્રસિંહે ફરી કહ્યું, “એની પાસે પૈસા નહોતા એટલે….”  ‘‘આમાં તારે ડહાપણ નહીં કરવાનું.” આસુમલ સીધો તુંકારા પર આવી ગયો, “નહીં તો ભારે પડી જશે. મને મારું કામ મારી રીતે કરવા દેવાનું.”

‘‘નહીં તો તું શું કરી નાખવાનો હતો?” કહીને મહેન્દ્રસિંહ પણ ખુરશીમાંથી ઊભા થઈને એની નજીક ગયા. એ જ વખતે આસુમલે ટેબલના ખાનામાંથી દેશી તમંચો કાઢ્યો. મહેન્દ્રસિંહની ચબરાક નજરમાં એ આવી ગયું ને એમણે ખિસ્સામાંથી છરી કાઢી. આસુમલ તમંચાની ટ્રીગર દબાવવા જાય એ પહેલાં મહેન્દ્રસિંહ કૂદીને આસુમલ પર ધસ્યા. આસુમલ ખુરશી પરથી પડી ગયો. એનો તમંચો મહેન્દ્રસિંહે ઝૂંટવી લીધો ને છરી કાઢીને એના પર પ્રહાર કરવાનું શરૂ કર્યું. એ જ વખતે આસુમલના માણસે પાછળથી મહેન્દ્રસિંહના બરડામાં પાઈપ મારી એટલે મહેન્દ્રસિંહે એના પાઈપવાળા હાથ પર છરી મારી. આ જોઈને આસુમલના બધા માણસો રફુચક્કર થઈ ગયા! હાથ પર છરી વાગેલી એ પણ ભાગ્યો! મહેન્દ્રસિંહને હવે મોકો મળી ગયો. એમણે છરીના અઢાર ઘા આસુમલને માર્યા અને ત્યાંથી દાગીના જલ્દી પાછા આપવાની સૂચના આસુમલને આપીને નીકળી ગયા.

આસુમલના માણસોએ એને હોસ્પિટલના આઈ.સી.યુ.વોર્ડમાં દાખલ કર્યો અને ફરિયાદ નોંધાવી. ઈ.પી.કો. ૩૦૭ મુજબ મહેન્દ્રસિંહ પર ગુનો દાખલ થયો ને સાત દિવસ માટે મહેન્દ્રસિંહ અજ્ઞાતવાસમાં ચાલ્યા ગયા. આઠમા દિવસે જામીનની વ્યવસ્થા કરીને એ હાજર થઈ ગયા ને જામીન પર છૂટી ગયા. એમણે વકીલની સલાહ માગી – શું કરવું હવે? વકીલે કહ્યું કે, જો આસુમલ ડાઈંગ ડેક્લેરેશન આપશે ને જીવી જશે તો તમને ૩૦ર લાગશે ને એ પ્રમાણે સજા થશે એ નક્કી વાત છે પણ જો એ ડાઈંગ ડેક્લેરેશન આપ્યા પહેલાં અવસાન પામે તો શંકાનો લાભ લઈને તમે મુક્ત થઈ શકો.

મહેન્દ્રસિંહ એમના ચાર-પાંચ માણસોને લઈને હોસ્પિટલ પહોંચ્યા. આસુમલને લગાડેલી ઓક્સિજનની ને બીજી પાઈપો કાઢી નાખી. આસુમલના માણસો આજીજી કરવા લાગ્યા પણ મહેન્દ્રસિંહ સામે એક જ લક્ષ્ય હતું- આસુમલનું અવસાન! ‘‘સાહેબ,” આસુમલના એક માણસે કહ્યું, “આ મરી જશે તો અમને મુશ્કેલી થશે. હજી કલાક પહેલા જ પોલીસવાળા ને મામલતદાર ને એ બધાં એમનું નિવેદન લઈ ગયા છે. મહેન્દ્રસિંહ ચમક્યા- આ તો ઊંધું થયું! એમણે તરત એ માણસને નજીક બોલાવ્યો. ‘‘જા,” મહેન્દ્રસિંહે એને કહ્યું, “જલ્દી ડૉક્ટરને બોલાવી લાવ ને આની બધી પાઈપો પાછી ભરાવડાવી દે, જો એ મરી જશે તો હું તમને બધાને મારી નાખીશ, જા, જલ્દી જા.”

એ વાતને પાંચેક મહિના પસાર થઈ ગયા. આસુમલ હોસ્પિટલમાંથી ઘેર આવી ગયો ને આસુમલ પાસે નિવેદન ફરીથી લખાવીને મહેન્દ્રસિંહ પણ મુક્ત થઈને નોકરી પર હાજર થઈ ગયા. પેલા રિક્ષાવાળને ઘેર માણસ મોકલીને આસુમલે ઘરેણાં પાછાં મોકલી આપ્યાં. પચીસ હજાર તો ન લીધા, પણ વ્યાજ પણ ન લીધું! એ હાજર થઈને ઘેર આવ્યા, એ જ વખતે એમના ઘેર પંદર-વીસ બૈરાઓનું ટોળું ધસી આવ્યું. ‘‘સાહેબ,” એક સ્ત્રીએ આગળ આવીને કહ્યું, “અમને આસુમલના વ્યાજમાંથી છોડાવો. અમને ખબર છે કે, તમે પેલા રિક્ષાવાળાનાં ઘરેણાં માટે બહુ મહેનત કરી છે.”

‘‘જુઓ બહેનો,” મહેન્દ્રસિંહ બોલ્યા, “હું તો ગરીબોના ભલા માટે જ કામ કરું છું. મારી રીત સાચી છે કે ખોટી તે ઉપરવાળો જાણે પણ ઝડપથી સૌને ન્યાય મળે એ મારો હેતુ છે. હવે મને આખી વાત સમજાવો.” “સાહેબ,” પેલી સ્ત્રીએ કહ્યું, “અમે અહીં રેલવે કોલોનીમાં રહીએ છીએ. અમારા બધાના વર રેલવેમાં નોકરી કરે છે. કોઈ સાંધાવાળામાં છે, કોઈ ફાટકવાળો છે, કોઈ લાઈટવાળો છે, કોઈ સફાઈનું કામ કરે છે. અમારા બધાના વરને દારૂની લત છે ને એટલા માટે આસુમલ પાસેથી વીસ ટકાના વ્યાજે પૈસા લે છે.” ‘‘વીસ ટકાના વ્યાજે?” મહેન્દ્રસિંહ ચમક્યા.

‘‘હા સાહેબ,” પેલીએ વાત આગળ ચલાવી, “ને પગાર આપે ત્યારે અમારા બધાના વર પાસે સહી કરાવી લે છે, ને પૈસા એનો માણસ રેલવેના કલાર્ક પાસેથી સીધા જ લઈ લે છે. અમારે ઘર કઈ રીતે ચલાવવું એ જ પ્રશ્ન છે એટલે અમે અહીં આવ્યા છીએ.”  ‘‘સારું, સારું,” મહેન્દ્રસિંહ બોલ્યા, “તમે રેલવે કોલોનીમાં જ રહો છો ને? તો હું સાંજે ત્યાં આવીશ. તમે બધા ભેગા થઈ જજો, ને તમારા બધાના વરને પણ રાખજો. હું રસ્તો કરી દઈશ.”  એ સાંજે મહેન્દ્રસિંહ રેલવે કોલોની ગયા. કેટલાક દારૂ પીને ઘોરતા હતા, કેટલાક બહાર ગયા હતા, એ બધાને ભેગા કરાવડાવ્યા પછી મહેન્દ્રસિંહ એમને મંદિરે લઈ ગયા.  ‘‘જુઓ, સાંભળો બધા,” મહેન્દ્રસિંહ બોલ્યા, “આવતા મહિનાથી આસુમલ તમારો પગાર નહીં લઈ લે. હું એને કહી દઉં છું.

તમે લીધેલા પૈસા પણ તમારે નથી આપવાના. બદલામાં, તમારામાંથી જો કોઈએ દારૂ પીધો છે કે, આસુમલ કે બીજા કોઈની પાસેથી પૈસા વ્યાજે લીધા છે તો આસુમલની જે દશા કરી એ હું એની પણ કરીશ. માતાજીના સોગંદ ખાઈને પ્રતિજ્ઞા કરો.”  બધાએ પ્રતિજ્ઞા લીધી એટલે મહેન્દ્રસિંહે ખિસ્સામાંથી કોરો કાગળ કાઢયો.  હવે આના ઉપર તમારા ને તમારા ભાઈબંધોના કેટલા પૈસા આસુમલ માગે છે ને પગાર લઈ લે છે એ મને લખી દો એટલે એ પૈસા આપવાનું હું બંધ કરાવી દઈશ.” થોડી વારમાં કોરા કાગળમાં ૯૦ નામ લખાયાં ને રકમ થતી હતી પંદર લાખ!  “સાહેબ,” એક સ્ત્રી બોલી, “હવે આખો પગાર અમને મળશે ને?”

“હા, હા,” મહેન્દ્રસિંહે કહ્યું, “મેં રેલવેના કલાર્કને કહી દીધું છે કે જો આસુમલ કે તેના માણસો પગારના દિવસે સ્ટેશનમાં પગ મૂકશે તો જવાબદારી એની રહેશે અને તમારા પૈસાનું લિસ્ટ પણ હું આસુમલને મોકલાવી દઉં છું, એ પણ બંધ થઈ જશે. પણ હવે તમારે બધાએ પગારના દિવસે તમારા પતિ સાથે જવાનું. એ સહી કરી દે એટલે એને મહિનાના વાપરવાના થોડા પૈસા આપી બાકીના પૈસા લઈને ઘર ચલાવવાનું.” હસતા મુખે બધા વિખેરાયા ને મહેન્દ્રસિંહે પેલું લિસ્ટ એમના માણસ સાથે આસુમલને મોકલીને એને ફોન લગાડ્યો.  “આસુમલ,’’ મહેન્દ્રસિંહે કહ્યું, “તને લિસ્ટ મોકલ્યું છે એ બધા ગરીબોના પૈસા તું ચૂસે છે, એ હવે બંધ કરી દે. એ બધાના પૈસા માફ કરી દે.”  ‘‘અરે પણ આ તો પંદર લાખ છે,” આસુમલે કહ્યું, “આ તો માફ કઈ રીતે થાય? તમે કહો તો તમને અત્યારે પાંચ લાખ આપી દઉં પણ મારો ધંધો ચાલવા દો.”

‘‘આવા ગરીબોના પૈસા મારા  માટે હરામ બરાબર છે સમજ્યો?” મહેન્દ્રસિંહે કહ્યું.  ‘‘પણ બાપુ,” આસુમલ કરગર્યો, “આમાં તો મારા ધંધાની પથારી ફરી જશે, બધા મારા પૈસા ડૂબાડશે, મારી ધાક જતી રહેશે. તમે કહો તો તમને વીસ લાખ આપું.”  ‘‘તારે જીવતા રહેવું છે કે ધાક જીવતી રાખવી છે?” મહેન્દ્રસિંહે સાનમાં સમજાવી દીધું, “આ પહેલી તારીખથી જો તારો કોઈ માણસ રેલવેમાં પૈસા લેવા ગયો તો યાદ રાખજે, તારી શું દશા થશે એ તને કહેવાની…” આસુમલ કશું બોલી ન શક્યો, ને એ મહિનાથી રેલવે કોલોનીમાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું. બધાએ મહેન્દ્રસિંહનું સન્માન કર્યું ને જમણવાર ગોઠવવાની વાત કરી.  “તમારી સાથે જમીશ.” મહેન્દ્રસિંહ બોલ્યા,“પણ પૈસા મારા ને રસોઈયા પણ હું મોકલીશ. કાલે આપણે અહીં જ સાથે જમીશું.” બીજા દિવસે ગોઠવાયેલા જમણવારમાં વાનગીઓની સાથે થાળીમાં રેલવે કોલોનીની સ્ત્રીઓનાં આંસુ પણ ભળી જતાં હતાં!  (શીર્ષકપંક્તિ: નૈષધ મકવાણા)

Most Popular

To Top