નડિયાદ: નડિયાદમાં નગરપાલિકા પ્રશાસન શહેરીજનોને એક નવુ નજરાણુ ભેટ આપવાની તૈયારી કરી રહ્યુ છે. રેલવે સ્ટેશનની બહાર અને બસ સ્ટેન્ડની બિલકુલ બાજુમાં આવેલી સબજેલ તોડી ત્યાં સીટીબસનું સ્ટેન્ડ અને કોમર્શિયલ કોમ્પલેક્ષ બનાવવાનું આયોજન કરી નાખ્યુ છે. નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફીસરે આજે આ માટેનો નક્શો અને સમગ્ર રૂપરેખા જાહેર કરી દીધી છે. નડિયાદનો હાર્દ ગણાતા રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં ઐતિહાસિક સબજેલ આવેલી છે.
આ સબજેલ તોડી ત્યાં શહેરીજનો માટે સીટીબસની સેવા ઉભી કરવાનો નિર્ણય નડિયાદ નગરપાલિકાએ લીધો છે. જ્યાં સીટીબસના સ્ટેન્ડની સાથે કોમર્શિયલ કોમ્પલેક્ષ બનાવવાનું પણ આયોજન કરી નાખવામાં આવ્યુ છે. એટલુ જ નહીં, આ કોમ્પલેક્ષની ઉપર ટેરેસ રેસ્ટોરન્ટ પણ બનાવવા માટેનો નિર્ણય કરાયો છે. અંગાજે 9886.44 સ્કેવર મીટર જગ્યામાં અદ્યતન બસ સ્ટેન્ડ સહિત કોમ્પલેક્ષ બનશે, જ્યાં બેઝમેન્ટ પાર્કીંગ 3785 સ્કવેર મીટર હશે. જ્યારે ગ્રાઉન્ડ ફ્લોરર પર ટુ-વ્હીલર પાર્કિંગ સાથે 1286 સ્કવેર મીટર એરીયા હશે. જેમાં 10 સીટીબસ પીકઅપ સ્ટેન્ડ હશે. આ ઉપરાંત ફૂડ કોર્ટ, સ્ટાફરૂમ, ટીકીટરૂમ અને ઈલેક્ટ્રીક અને ઈન્કવાયરી રૂમ પણ બનાવાશે.
નડિયાદની પ્રથમ ટેરેસ રેસ્ટોરન્ટ બનશે
નડિયાદમાં હાલ લગભગ આખા શહેરમાં કોઈ જગ્યાએ ટેરેસ રેસ્ટોરન્ટ હયાત નથી. નડિયાદ નગરપાલિકા પ્રશાસન શહેરના મોકાના એરીયામાં એટલે કે જ્યાં રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, ટાઉન પોલીસ સ્ટેશન સહિત અનેક મહત્વના એકમો આવેલા છે, ત્યાં કમર્શિયલ કોમ્પલેક્ષ બનાવી તેના ટેરેસ પર રેસ્ટોરન્ટ બનાવવાનું આયોજન કર્યુ છે. આ આયોજન સફળ થાય તો નડિયાદમાં પ્રથમ ટેરેસ રેસ્ટોરન્ટ બનશે.
દુકાનો ભાડે અથવા વેચાણ અપાશેઃ ચીફ ઓફિસર
નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફીસર રૂદ્રેશભાઈ હુદળે જણાવ્યુ હતુ કે, ઉપરના માળે જે દુકાનો બનાવાઈ છે, તે ભાડે અથવા વેચાણ આપવામાં આવશે. જેની પ્રક્રિયા હાલ ચાલુ છે અને મંજૂરીના તબક્કામાં છે. વધુમાં ઉપર મોલ કે રેસ્ટોરન્ટ બનાવવાનું છે જે પ્રાથમિક મંજૂરીના તબક્કામાં છે.
આ સુવિધાઓ ઉપ્લબ્ધ હશે
પ્રથમ માળે 3060.48 સ્કવેર મીટર જગ્યામાં 20 કોમર્શિયલ દુકાનો ઉપરાંત સર્વિસ અને સ્ટોર રૂમ હશે. બીજા અને ત્રીજા માળે 3060.48 સ્કવેર મીટરમાં 20 દુકાનો અને પેસેજ એરીયા હશે. જ્યારે ચોથા માળે 705 સ્કેવર મીટર એરીયામાં હોલ, રેસ્ટોરન્ટ સહિત ટેરેસ રેસ્ટોરન્ટ હશે. અપડાઉન માટે 3 લિફ્ટ અને ઈમરજન્સી એક્ઝિટ હશે, તો જેન્ટસ અને લેડીઝ ટોઈલેટની પણ વ્યવસ્થા કરાશે.
સત્તાધીશો ~1.35 કરોડ આપી અબજોનો વેપલો કરવાની ફિરાક
નડિયાદ : નડિયાદ પાલિકાએ સબજેલ તોડી પાડી અને ત્યાં સીટીબસ સ્ટેન્ડ અને કોમર્શિયલ કોમ્પલેક્ષ બનાવવાનું આયોજન કરી નાખ્યુ છે. પરંતુ આ તરફ નડિયાદના ધારાશાસ્ત્રી જયેશભાઈ જી. તલાટીએ સમગ્ર મામલે ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે. તેમણે પાલિકાના નિર્ણયને અત્યંત દુઃખદ ગણાવ્યો હતો. તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકારો અને તેમની આ સંસ્થાઓ ભૂમાફીયાવૃતિ પર ઉતરી આવી હોય તેમ લાગે છે. આ એકરીતે કાયદાના સ્વરૂપમાં ગેરકાયદેસર દબંગઈ છે. સ્પષ્ટ શબ્દોમાં કહેવાય કે, નગરપાલિકા આ દાદાગીરી અને દબંગગીરી કરી રહી છે.
આ જગ્યાના 2 માલિકો છે, એક પથ્થરવાલા અને બીજા નડિયાદવાલા. તેના વારસદારો આજે પણ હયાત છે. માલિકી હક કોઈને આપેલો નથી. નગરપાલિકા એમ કહેતી હોય કે અમે ખરીદી લીધી છે કરારનામુ કરી લીધુ છે, તો એ બધા ગેરકાયદેસરના દસ્તાવેજો છે. શરૂઆતથી જ આ દસ્તાવેજો ગેરકાયદેસર છે. જેને કાયદાની ભાષામાં વાઈડ એબ ઈનિશિયો કહેવામાં આવે છે. તમે ગમે તેટલા માલિકો બદલો, આગ્રાના તાજમહેલમાં મારુ નામ લખાવવુ હોય તો તલાટીને ફોડીને હું મારૂ નામ લખાવી શકુ છુ. તેના લીધે હું માલિક નથી થઈ જતો.
વાઈસરોયને આ જમીન ગીરો આપેલી છે અને આજે પણ ગીરો છે. નગરપાલિકા, કલેક્ટર કે રાજ્ય સરકાર દ્વારા કોઈ કરારો કરવામાં આવ્યા હોય તો તે ગેરકાયદેસર છે. માલિકોની સહી નથી. ચીફ ઓફીસરે મીડિયા સમક્ષ રજૂ કરેલા કાગળો કચરાપેટીમાં નાખવાના યોગ્ય છે. નગરપાલિકાએ નડિયાદની પ્રજાને ગેરમાર્ગે દોરવાની કોશિષ કરી છે. આ કાગળોના આધારે ક્યારેય માલિકી હક બદલાતો નથી. પાલિકાને ક્યારેય માલિકી હક મળ્યો નથી. આ કાગળોના આધારે નગરપાલિકા કોઈને જમીની હક કે જગ્યા વેચવાનો પ્રયાસ કરશે તો તે ગેરકાયદેસર ગણાશે. તેના માટે લડવા અમે કટિબદ્ધ છે. આ મામલો હાઈકોર્ટ, સુપ્રિમ કોર્ટમાં કે પછી નડિયાદ કોર્ટમાં જઈ શકે છે.