રાંદેર ઝોનમાં પાંચ સહિત શહેરનાં નવાં 6 અર્બન હેલ્થ સેન્ટરો બનાવવાનો નિર્ણય થયો અને હુની ગાઇડલાઇન મુજબ 50 હજારની વસ્તી દીઠ એક હેલ્થ સેન્ટર માટેની જોગવાઇને પગલે સુરત મનપા દ્વારા શહેરમાં નવા 20 હેલ્થ સેન્ટરો (આરોગ્ય કેન્દ્ર) બનાવવાનું આયોજન થયું. હાલમાં 61 હેલ્થ સેન્ટર સુરત શહેરી વિસ્તારમાં કાર્યરત છે જ. આધુનિક રહેણીકરણી અને વિદેશી ખાનપાન સહિતની કુટેવે નાની ઉંમરમાં ખૂબ જ મોટી બિમારીનો ભોગ બાળકો અને ટીનએજર્સ બની રહ્યાં છે ત્યારે સરકારી આરોગ્ય સેવાઓની જરૂર પડે જ અને તે હોવી પણ જોઇએ.
રાંદેર વિસ્તારના મતદાતા કરદાતાઓને મિત્રના આ સમાચારથી હાશ અનુભવી હશે પણ તેથી વિરુધ્ધની પરિસ્થિતિ અત્યારે જે 61 આરોગ્ય કેન્દ્રો છે તેના ફરજ બજાવતા બીજા વર્ગથી ચોથા વર્ગના કર્મચારીઓની હાલત જાણવા માટેનો રાઉન્ડ લગાડે તે પણ જરૂરી છે. એક પણ આરોગ્ય કેન્દ્ર, હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ નથી અને રોજે રોજ મનપા અને રાજય સરકાર તરફથી આરોગ્યલક્ષી કંઇ ને કંઇ કાર્યક્રમો જાહેર થતા જ રહે છે. જે કાર્યક્રમોમાં પણ કર્મચારીઓએ હાજરી આપવાની અને આરોગ્ય કેન્દ્રની પણ ફરજ બજાવવાની?
બે ઘોડા પણ એક સવારી તો તાલીમબાજ કરી શકે અને આવી તાલીમ આરોગ્ય કેન્દ્રનાં કર્મચારીઓને આપી ન શકાય. થોડા સમય પહેલાં સ્મીમેર હોસ્પિટલમાં વાળંદ અને ચોથા વર્ગના કર્મચારીના અભાવે ઓપરેશનો ટાળવાં પડયાના સમાચાર દૈનિક સમાચારપત્રોમાં પ્રસિધ્ધ થયા હતા. પહેલાં પૂરતા સ્ટાફની ભરતી કરો. સરકારી કાર્યક્રમો માટે એક અલગ વિભાગ ઊભો કરો. (જેમકે ફેમીલી પ્લાનિંગ વિભાગ કે જેને ભાગે હવે કશું કરવાનું આવતું જ નથી) સુરત મનપા કંઇ નવું કરવાની જાહેરાત કરે એટલે સુરત મનપાનાં ઘણાં બધાં યુનિયનો છે તે સક્રિય બને અને પહેલાં સ્ટાફની ભરતી કરો, જયાં સ્ટાફની અછત છે તે પૂરી કરો. પછી નવા પ્રોજેકટ અને તેના માટે નવા સ્ટાફની વ્યવસ્થા કરે તેવી જોરદાર માંગ થવી જ જોઇએ.
સુરત – પરેશ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વિલ્સન હિલ્સ
ભરપૂર લીલોતરી, ગાઢ જંગલ, સહ્યાદ્રી પર્વતમાળાની ગોદમાં વસેલું તથા સરકાર દ્વારા બનાવેલ સુંદર રસ્તાઓ પાણીનો ધોધ સ્વચ્છ આકાશ અને શુદ્ધતાની સુગંધથી મઘમઘ થતી હવા આ બધાનો સમન્વય વિલ્સન હિલ્સ પર જોવા મળે છે. સુરતથી 125 કિલોમીટર નવસારીથી 80 કિલોમીટર તથા વાપી વલસાડથી 55-60 કિલોમીટર સ્વર્ગ સમું આ હિલ સ્ટેશન છે. વિલ્સન હિલ્સ પર જોવાલાયક સ્થળો સનરાઇઝ અને સનસેટ પોઇન્ટ માર્બલ છત્રી પોઇન્ટ સ્ટવ વેલી પોઇન્ટ યોઝોન વેલી પોઇન્ટ શંકર વોટર ફોલ જેવાં સ્થળો છે. આ દરેક વિલ્સન હિલ્સ પોઇન્ટ જુદી જુદી શાંતિનો અનુભવ કરાવે છે. પર્યટકોથી સગવડ માટે અહીં ગરમ નાસ્તો ચા પાણી અને સરળ ભોજન પીરસતી હોટલ છે. પર્યટકોની આવકના પ્રમાણમાં સુવિધામાં પણ સુધારો થાય છે. સામી દિવાળીમાં વન-ડે પિકનીકમાં તેનો લાભ લઇ શકાય.
સુરત – મહેશ આઇ. ડોકટર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.