‘જીવનમાં એવું બધે જ જોવા મળે છે કે માણસો એક સરખા સંજોગોમાં અને એકસરખા માહોલમાં રહે છે છતાં અમુક જીવનમાં સફળ થાય છે. અમુક જીવન જીવે છે. અમુક જીવન બહારની જેમ ખેંચી રહ્યા છે અને અમુક તો કંઈ કર્યા વિના જ્યાં હોય છે ત્યાં જ રહી જાય છે આવું કેમ થાય છે?’ હ્યુમન સાયકોલોજી વિષે વાત કરતા પ્રોફેસરે પ્રશ્ન મૂક્યો. એક વિદ્યાર્થીએ કહ્યું, ‘બધાની હોશિયારી અને ક્ષમતા જુદી જુદી હોય છે.’
બીજાએ કહ્યું, ‘બધાના સંજોગો અલગ હોય છે.’ત્રીજાએ કહ્યું, ‘બધાનું નસીબ એક સરખું હોતું નથી.’ચોથાએ કહ્યું,’બધાને એક સરખું માર્ગદર્શન મળતું નથી.’આમ ઘણા જવાબ મળ્યા. પ્રોફેસર બોલ્યા, ‘એમ માની લો કે તમે જે પરિબળો કહ્યાં તે બધાં જ એકસરખાં હોય, છતાં દરેક માણસોની સફળતાનું પ્રમાણ જુદું જુદું હોય છે.તેનું કારણ છે દરેક માણસની વિચારશક્તિ ….તેના વિચારો…તેની કોઇ પણ કામ પ્રત્યેની દૃષ્ટિ પર બધો આધાર રાખે છે.’ વિદ્યાર્થીઓ પ્રોફેસર આગળ શું સમજાવે છે તે જાણવા માટે આતુર બન્યા.
પ્રોફેસરે કહ્યું, ‘વધુ ઊંડાણમાં ન જતાં તમને એક સહેલા ઉદાહરણ પરથી સમજાવું કે માણસો બે પ્રકારના હોય છે.એક કોઇ પણ કામને જાણે એવરેસ્ટ ચઢવા જેટલું અઘરું જ માને અને કામ શરૂ કરવા પહેલાં જ આ આપણું કામ નહિ એમ કહીને કામ શરૂ જ ના કરે…પ્રયત્ન જ ન કરે અને બીજા માણસો દરેક કામને અઘરું હોય કે સહેલું શરૂ કરવાનો પ્રયત્ન તો કરે જ.એવરેસ્ટ ચઢવાની વાતથી જે હારીને બેસી ન જાય પણ ચાલો પહેલું ડગલું તો માંડીએ એમ કહીને હિંમતથી આગળ તો ચોક્કસ વધે.હવે આ બે પ્રકારના માણસોમાંથી તમે સમજી જ ગયા હશો કે કામ શરૂ કરવા પહેલાં જ તેને અઘરું ગણીને હાર માની લેનાર…
પોતાનાથી આ કામ નહિ થાય તે સ્વીકારી લેનાર… શરૂ કરવાની કે પ્રયત્ન કરવાની હિંમત જ ન રાખનાર માણસ સઘળાં પરિબળો સકારાત્મક હોવા છતાં આગળ વધી શકતો નથી અને જે માણસ અઘરા કામથી ડરતો નથી અને તેને હાથમાં લઈને એક વાર શરૂ કરવાની હિંમત તો કરે જ છે. તે અઘરા કામને પણ શીખીને ..જાણીને ..વધુ મહેનત કરીને કરી શકે છે અને જીવનમાં વધુ ને વધુ આગળ વધતો રહે છે.માણસના મનમાં કોઇ પણ કામ પ્રત્યેના અભિગમ અને વિચારોના આ મૂળભૂત તફાવતને કારણે જ સરખા સંજોગો હોવા છતાં તેમની જીવનમાં સફળતા જુદી જુદી રહે છે.’ પ્રોફેસરે હ્યુમન સાયકોલોજીનો એક પાઠ સરસ રીતે સમજાવ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.