કાશ્મીરી પંડિતોના (Kashmiri Pandits) દર્દને દર્શાવતી વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને (TheKashmirFiles) દર્શકો અને સમીક્ષકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ જોઈને લોકોની આંખોમાં આંસુ આવી જાય છે. આ ફિલ્મમાં કાશ્મીરમાં 1990માં થયેલ નરસંહાર અને કાશ્મીરી પંડિતો પર થયેલા હૃદયદ્રાવક અત્યાચારો દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મમાં એક એવો ઈન્ટરવ્યુ પણ છે કે જેને સાંભળીને કોઈની પણ આત્મા કંપી જશે. જો કે આ ઈન્ટરવ્યુ ફિલ્મમાં બિટ્ટા કરાટેની (Bitta Karate) ભૂમિકા ભજવી રહેલા એક અભિનેતા દ્વારા લેવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવમાં હવે બિટ્ટા કરાટેના જૂના ઈન્ટરવ્યુનો વીડિયો વાયરલ થવા લાગ્યો છે. આવો જાણીએ કોણ છે બિટ્ટા કરાટે જેણે પોતે ઈન્ટરવ્યુમાં 20 લોકોને મારવાની વાત સ્વીકારી હતી.
બિટ્ટા કરાટેનો એક વીડિયો યુટ્યુબ પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ખૂન કર્યાનું સહેલાઈથી સ્વીકારે છે. બિટ્ટા કરાટે કહે છે કે તેણે લગભગ 20 લોકોની હત્યા કરી હતી, જેમાં મોટા ભાગના કાશ્મીરી પંડિત હતા. વીડિયોમાં જ્યારે બિટ્ટા લોકોને મારવાની વાત કરે છે ત્યારે તેના ચહેરા પર તેના માટે ઉદાસી પણ દેખાતી નથી. વીડિયોમાં બિટ્ટા કહે છે કે મારી નાખવાનો આદેશ તેને ઉપરથી મળ્યો હતો. જો તેને આદેશ મળ્યો હોત તો તે પોતાની માતા અને ભાઈની પણ હત્યા કરી નાખી હોત.
ફારૂક અહમદ ડાર ઉર્ફે બિટ્ટા કરાટે પાકિસ્તાનું નાગરિકત્વ ધરાવે છે
ધી કાશ્મીર ફાઈલ્સ મૂવી જોયા બાદ કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર વિશે દુનિયાને પહેલીવાર ખબર પડી છે. આ સાથે જ કાશ્મીરી પંડિતોને બેરહેમીથી મોતને ઘાટ ઉતારના ફારૂક અહમદ ડાર ઉર્ફે બિટ્ટા કરાટે વિશે જાણવાની ઉત્સુકતા પણ લોકોમાં જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે બિટ્ટા કરાટેનો જન્મ 1 જાન્યુઆરી 1973ના રોજ શ્રીનગરમાં થયો હતો. તે ભારતનો નાગરિક છે પરંતુ પાકિસ્તાનનું પણ નાગરિકત્વ ધરાવે છે. તે માર્શલ આર્ટ્સમાં પારંગત હોવાના લીધે લોકોએ બિટ્ટા કરાટેનું ઉપનામ આપ્યું હતું. 1988માં JKLF ના ચીફ અસ્ફાક માજીદ વાની પાસે તેને હથિયાર ચલાવવાની તાલીમ લીધી હતી. ત્યાર બાદ પાકિસ્તાની મિલિટન્ટ ટ્રેનિંગ કેમ્પમાં 32 દિવસ રહ્યો હતો. 1990માં સંખ્યાબંધ કાશ્મીરી પંડિતોને મોતને ઘાટ ઉતાર્યો હોવાની તેને એક ઈન્ટરવ્યૂમાં કબૂલાત કરી હતી, પરંતુ બાદમાં તે પોતાના નિવેદનથી ફરી ગયો હતો. 22 જૂન 1990માં BSF દ્વારા શ્રીનગર ખાતે બિટ્ટાની ધરપકડ કરવામાં આવી હતી. 16 વર્ષ ડિટેન્શનમાં રહ્યા બાદ ઓક્ટોબર 2006માં તે છૂટ્યો હતો. તેની સામે દેશભરમાં અનેક કેસ હતા. તે જમ્મુની કોટ ભટવાલ જેલ, કથુઆ જેલ, જોધપુર અને આગ્રાની સેન્ટ્રલ જેલમાં કારાવાસ ભોગવી ચૂક્યો છે. જામીન પર જેલમાંથી છૂટ્યા બાદ તે જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટમાં જોડાયો હતો.
જેલમાંથી છૂટ્યા બાદ બિટ્ટાએ લવ મેરેજ કર્યા
બિટ્ટા કરાટે પરિણીત છે. તેની પત્નીનું નામ અસબાહ આરઝુમંદ ખાન છે. બિટ્ટાએ તેની સાથે 1 નવેમ્બર 2017ના રોજ લગ્ન કર્યા હતા. લગ્નના 3 વર્ષ પહેલા એક મિત્રના ઘરે તેઓ પ્રથમ વખત મળ્યા હતા. જ્યારે તેઓ મળ્યા, 5 મહિના પછી, ફારુકે તેણીને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. અસબાહએ તેનો સ્વીકાર કર્યો હતો. અસબાહએ તેના પરિવારના નિર્ણય વિરુદ્ધ બિટ્ટા સાથે લગ્ન કર્યા હતા. ફારુકની પત્નીએ 1999માં કાશમીર યુનિવર્સિટીમાંથી પત્રકારત્વમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી હતી. સ્નાતક થયા પછી, તેણીએ કૃષિ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં કામ કરવાનું શરૂ કર્યું. હાલમાં, તે જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગમાં પ્રોબેશન ઓફિસર તરીકે કામ કરે છે. બિટ્ટાની NIA દ્વારા 2019માં ફરી ધરપકડ કરાઈ હતી. ટેરર ફંડિગનો તેની પર આરોપ છે. તેની ઉંમર હાલ 49 વર્ષ છે.