સુરત : થોડા દિવસ પહેલા બ્રેડલાઇનરના (Breadliner) વેસુ સ્થિત આઉટલેટમાં એક યુવકને પીરસાયેલા પફમાંથી (Puff) ફુગ (fungus) નીકળતા ભારે હોબાળો થયો હતો અને જે તે વખતે મનપાને આ ગ્રાહકે જાણ કરવા છતાં માત્ર ગંદકીના મુદ્દે બેકરીને દંડ કરી નોટિસ ફટકારાઇ હતી પરંતુ આ જાગૃત ગ્રાહકે એ પફના નમુનાને મનપાની જ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં આપી તેની તપાસ કરાવી હતી. જેના રિપોર્ટમાં બ્રેડલાઇનર દ્વારા પીરસાયેલા પફમાં ફુગ હોવાથી બિનઆરોગ્યપ્રદ હોવાનું બહાર આવ્યું છે. હદ તો ત્યાં થાય છે કે ગ્રાહકે જાતે કરાવેલો રિર્પોટ 3 દિવસમાં આવી ગયો અને પાલિકાનો ફુડ વિભાગ 12 દિવસે પણ હજી ઠનઠન ગોપાલ છે.
વિસ્તૃત વિગતો મુજબ વેસુ સ્થિત બ્રેડલાઇનર બેકરીમાં કલ્પેશ તુલસીયાન નામના ગ્રાહકને જે પફ પીરસાયું તેમાં ફુગ હોવાથી આ ગ્રાહકે તુરંત મનપાની ટીમને બોલાવી હતી, પરંતુ મનપાના આરોગ્ય અને ફુડ વિભાગની ટીમોએ જાણે બેકરીને બચાવવા આવ્યા હોય તેમ ભળતી જ કાર્યવાહી કરી હતી.
ખરેખર તો તુરંત બેકરીમાં વેચાતા ખાધ પદાર્થોના સેમ્પલ લઇ લેબમાં મોકલાવાને બદલે તે દિવસે સફાઇ અને અન્ય ચેકિંગ કરીને દંડ કરી નોટીસ ફટકારી હતી. જયારે બેકરીના સંચાલકોને જાણે સમય આપવા માંગતા હોય તેમ ખાધ પર્દાથોના નુમના બીજા દિવસે લીધા હતા. જો કે આ નમુનાઓનો રિપોર્ટ પણ હજુ આવ્યો નથી, જયારે ગ્રાહકે પોતે 14 તારીખે મોકલેલા પફના સેમ્પલનો રિપોર્ટ 18 તારીખે આવી ગયો હતો, જેમાં આ પફમાં ફુગની હાજરી હોવાથી ખાવાલાયક નથી તેવું જણાવાયું છે. જ્યારે મનપાએ લીધેલા નમુનાઓ એજ લેબમાં ગયા હોવા છતાં આજે 12 દિવસ બાદ પણ રિપોર્ટ નહીં આવ્યો હોવાનું ફુડ વિભાગના અધિકારીઓ જણાવી રહ્યાં છે.
ફુડ વિભાગના અધિકારીઓના ગોળગોળ જવાબો
આ મુદ્દે મનપાના ચીફ ફુડ ઇન્સપેકટર સાંળુકેને પુછતા તેણે પોતે રજા પર હોવાથી જાણ નથી તેવું કહી ગલી કાઢી હતી. જયારે તેનો ચાર્જ સંભાળતા ડી.કે.પટેલે રિપોર્ટ બાબતે પોતાને જાણ નહીં હોવાનું અને મનપાએ લીધેલા નમુનાનો રિપોર્ટ તો 14 દિવસે આવે તેવું જણાવ્યું હતું. ગ્રાહકને મળેલાં રિપોર્ટ બાબતે તપાસ કરીશું તેવો સરકારી જવાબ આપ્યો હતો.
ગ્રાહકે લીધેલા નમુના ફેલ ગયા હશે તો પણ કાર્યવાહી કરીશું : ડો. આશિષ નાયક
આ મુદ્દે મનપાના ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ ડો.આશિષ નાયકે જણાવ્યુ હતું કે, હાલના રિપોર્ટમાં તો પફ ખાવાલાયક નહીં હોવાનું જણાવે છે. તેથી ગ્રાહકે આપેલા સેમ્પલ ફેઇલ ગયા છે તેના આધારે સબંધિત સંસ્થા સામે કાર્યવાહી કરીશું. એકાદ દિવસમાં ફુડ વિભાગે લીધેલા નમુનાઓનો રિપોર્ટ પણ આવી જશે.