આણંદ : આણંદ શહેરમાં રહેતી યુવતી સાથે સગાઇ કરનાર યુવક અચાનક તેની પ્રેમિકા સાથે ભાગી ગયો હતો. જોકે, છેલ્લા બે વર્ષથી તે સગાઇ કરનાર યુવતીને પોતાની પત્ની તરીકે ઓળખ આપ્યા બાદ તેણે આ પગલું ભર્યું હતું.
આણંદ શહેરના તુલસી ગરનાળા પાસે આવેલા સૂર્યોદય પાર્કમાં રહેતા પ્રિયંકાબહેન દિપકભાઈ પ્રજાપતિની સગાઇ હર્ષ રાજુભાઈ દલવાડી (રહે.સૂર્યદીપ ટેનામેન્ટ, આણંદ) સાથે 27મી ફેબ્રુઆરી,21ના રોજ થઇ હતી. આ સગાઇ બાદ પ્રિયંકાબહેન અને હર્ષ એક બીજા સાથે જ ફરતાં હતાં.
તેઓ મિત્રના શુભ પ્રસંગ તથા બર્થ – ડે પાર્ટીમાં જાય તો હર્ષ તેની પત્ની તરીકે પ્રિયકાબહેનની ઓળખ કરાવતો હતો. જોકે, હર્ષનો નાનો ભાઈ નિરવ ઓસ્ટ્રેલીયા હોવાથી તે આવે બાદમાં જ લગ્ન ધામધુમથી થાય તેવું વડીલોએ નક્કી કર્યું હતું. બીજી તરફ સગાઇના થોડા સમય બાદ કોઇ કારણસર હર્ષએ વાતચીત ઓછી કરવા લાગ્યો હતો. કોઇ મુશ્કેલીમાં હોય અથવા દબાણમાં હોય તેવું વર્તન કરવા લાગ્યો હતો. આ બાબતે પ્રિયંકાને શંકા જતા તેમણે પરિવારમાં ચર્ચા કરી હતી. પરંતુ જે તે સમયે સંબંધો ભવિષ્યમાં સુધરી જશે, તેવી આશાએ સગાઇ ચાલુ રાખી હતી.
દરમિયાનમાં 20મી માર્ચ,22ના રોજ અચાનક હર્ષના પિતા રાજુભાઈ દલવાડીએ જાણ કરી કે હર્ષ મને જાણ કર્યા વગર ઘર છોડીને જતો રહ્યો છે. આથી, તપાસ શરૂ કરી હતી. જેમાં તે કોઇ કૃપાલી હેમંત ઠક્કર સાથે રહે છે. આથી, રાજુભાઈએ હર્ષને મળવા માટે હેમંતનો સંપર્ક કર્યો હતો. જ્યાં તેઓએ હર્ષની સગાઇ થઇ ગઇ હોવાથી તેને પરત આપવા જણાવ્યું હતું. આ બાબતે હેમંતભાઈ સહમત થયા હતા અને હર્ષના લગ્ન કૃપાલીના બદલે પ્રિયંકા સાથે જ થાય તે માટે વિશ્વાસ પણ આપ્યો હતો.
આ ઉપરાંત હર્ષ સાથે સંબંધ તોડી નાંખવાની બાહેંધરી પણ આપી હતી. જોકે, આ વાતને દિવસો થવા છતાં હર્ષ પરત આવ્યો નહતો. આ ઉપરાંત હર્ષ અને કૃપાલીએ ફુલહાર કર્યા હોવાના ફોટા પણ સોશ્યલ મિડિયામાં મોકલી આપ્યાં હતાં. આમ પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું જણાતાં પ્રિયંકાબહેન પ્રજાપતિએ મહિલા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે હર્ષ હાજુ દલવાડી, કૃપાલી હેમંત ઠક્કર અને હેમંત હેમરાજ ઠક્કર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.