વલસાડ : કહેવા માટે તો ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ એક શહેર, એક ગામ કે એક મહોલ્લો બાકી ન હોય જ્યાં દારૂ વેચાતો અને પીવાતો ન હોય. દારૂ પીને છાકટા થયેલા નશેડીઓ દ્વારા થતા ગુનામાં પણ ગુજરાત નવા રેકોર્ડ સર્જવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
અવારનવાર દારૂડિયાઓ દ્વારા છેડતી, બળાત્કાર, અકસ્માતના ગુના કરાતા હોવાના કિસ્સા સાંભળવા મળે છે . દારૂડિયાની વિકૃતિનો આવો જ એક કિસ્સો વલસાડના ધરમપુર રોડ પર બન્યો છે. અહીં એક દારૂડિયાએ ઘરના આંગણે ઉભેલી મહિલાને ઘરમાં ખેંચી જઈ તેની સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ બન્યો છે.
આ બનાવની મળતી વિગત અનુસાર વલસાડના ધરમપુર રોડ પર આવેલા વિસ્તારમાં રહેતી મોટી બહેનના ઘરે 40 વર્ષીય નાની બહેન થોડા દિવસ માટે રહેવા આવી હતી. વરસાદ પડતો હોવાથી મહિલા બહાર ઊભી હતી. તે દરમિયાન ગામનો 30 વર્ષીય ઈસમ નશાની હાલતમાં ત્યાંથી પસાર થતો હતો. ત્યારે મહિલાની એકલતાનો લાભ લઇ તેણીને બળજબરીપૂર્વક ઘરમાં ખેંચી જઈ છેડતી કરવાની કોશિષ કરી હતી. જેથી તેણીએ બૂમો પાડતા આજુ બાજુની બહેનોએ દોડી આવી મહિલાનો બચાવ કર્યો હતો.
અગાઉ પણ આ શખ્સે અન્ય મહિલાઓ સાથે પણ આવી કોશિષ કરી હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં પીડિતાએ 181 ટીમને બોલાવી હતી. અભયમની ટીમ આવે તે પહેલા છેડતી કરનાર શખ્સે ભાગવાની કોશિષ કરી હતી, પરંતુ બધી મહિલાઓએ નરાધમને પકડીને મેથીપાક ચખાડ્યો હતો.
181ની ટીમે 30 વર્ષીય યુવકને સમજાવવાની કોશિષ કરી એના પરિવારને પણ જાણ કરી હતી, પરંતુ પરિવાજનોએ પણ આવવા માટે ના પાડી હતી. જેથી ગામના લોકોએ અને પીડિતાએ કાર્યવાહી કરવા જણાવતા 181 ટીમે કાયદાકીય માહિતી આપી સિટી પોલીસ સ્ટેશન જઈ અરજી આપતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.