Business

બ્રાન્ડિંગની દુનિયા કેટલાંકને અજબ ઊંચકે,… કેટલાંકને ગજબ પછાડે!

આપણી ચીલાચાલુ ઉક્તિ કે કહેવતથી વાતની શરૂઆત કરીએ, જેમ કે ‘ન બોલવામાં નવ ગુણ’ અને ‘બોલે એના બોર વેચાય.’…આમ તો આ બન્ને જબરી વિરોધાભાસી વાત છે છતાં ય એ બન્નેનું આગવું મહત્ત્વ પણ છે. ક્યારે બોલવું-ક્યારે મૌન રહેવું એની પરખ શાણા માણસને હોય છે. જો કે, ક્યારેક અજાણતા કે આવેશમાં ન બોલવાનું બોલાઈ જાય ત્યારે કાં તો તમને નુકસાન થાય,નહીંતર ન ધાર્યું હોય તેમ બીજાને. આ તાજી જ ઘટના જુઓને. જગવિખ્યાત ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તાજેતરમાં યુરો કપની પ્રેસ કોન્ફરન્સમાં એક એવી હરકત કરી કે લોકો એને સહજતાથી લે-સમજે એ પહેલાં તો વૈશ્વિક આર્થિક બજારમાં સન્નાટો છવાઈ ગયો. પોર્ટુગલ ફૂટબોલ ટીમના કેપ્ટન રોનાલ્ડોના નામે અનેક વિક્રમ છે. અત્યારે રમાઈ રહેલી યુરો કપ સ્પર્ધાની જ એક મેચમાં બે ગોલ ફટકારીને રોનાલ્ડો ફ્રાન્સના ખ્યાતનામ ખેલાડી માઈકલ પ્લાટિનોનો સૌથી વધુ 9 ગોલનો રેકોર્ડ તોડીને સૌથી વધુ 11 ગોલ કરનારો ખેલાડી બન્યો છે.

આ ગોલ – રેકોર્ડની નોંધ તો ફૂટબોલના ચાહકો જરૂર લેશે પરંતુ રોનાલ્ડોએ પેલી પ્રેસ કોન્ફરન્સમાં જે હરકત કરી એની ગંભીર નોંધ આર્થિક જગતે લેવી પડી. ખાસ કરીને કોલ્ડડ્રિંક ‘કોકા-કોલા‘ જેવી તગડી કંપનીએ. બન્યું તો કંઈક આવું. …મેચ પહેલાં રાબેતા મુજબની પત્રકાર પરિષદ વખતે પોર્ટુગલ ટીમનો કેપ્ટન રોનાલ્ડો આવ્યો. પોતાની ચેર પર ગોઠવાયો અને હજુ પત્રકારો કશું પૂછવાનું શરૂ કરે એ પહેલાં સામે ટેબલ પર ગોઠવેલી સોફ્ટ ડ્રિન્ક ‘કોકા- કોલા’ની બે બોટલ બાજુ પર ખસેડી પોતાની પાણીની બોટલ ઊંચી કરી રોનાલ્ડોએ માત્ર એટલું જ કહ્યું : ‘પાણી પીઓ!’

 આ ‘પાણી પીઓ’ની રોનાલ્ડો જેવા ખેલાડીની સલાહ ‘કોકા-કોલા’ જેવી માતબર કંપનીને ભારે પડી ગઈ કારણ કે એ આ ‘યુરો કપ’ની એક આગવી સ્પોન્સર છે. પ્રાયોજકરૂપે પોતાના પ્રચાર માટે ‘કોકા-કોલા’એ પોતાની ઠંડા પીણાંની બોટલ આગળ મૂકી હતી પણ રોનાલ્ડોએ બન્ને બોટલ કેમેરા ફ્રેમની બહાર એવી સિફતથી ખસેડી દીધી કે માત્ર 25 સેકન્ડની એ ઘટનાની ક્લિપ સોશ્યલ મીડિયામાં ઝડપભેર ફરી વળી પરિણામે ‘કોકા-કોલા’ની માર્કેટ વૅલ્યુ ચાર અબજ ડોલર ( આશરે રૂપિયા ૩૦ હજાર કરોડ !) તૂટી પડી. …આપણો ક્રિકેટ ખેલાડી વિરાટ કોહલી જેની ફિટનેસ ફોર્મ્યૂલાનો ચેલો છે એવા રોનાલ્ડોની ‘પાણી પીઓ’ (સોફ્ટ ડ્રિન્ક નહીં!) ની આ સલાહ આમ ‘કોકા-કોલા’નું પાણી ઉતારી ગઈ!

અહીં વિધિની વક્રતા એ છે કે ૧૫ વર્ષ પહેલાં ખુદ રોનાલ્ડો ‘કોકોકોલા’ની જાહેરખબરમાં ચમકયો હતો એણે જ હમણાં ‘અગ્યુઆ’ (એટલે કે પોર્ટુગલમાં ‘પાણી’) પીવાનું જ્ઞાન આપ્યું પણ આ જ ‘યુરો કપ’ની અન્ય એક મેચ પહેલાં ફ્રાન્સના ટીમના કેપ્ટન પૉલ પોગ્બાએ પણ રોનાલ્ડોની જેમ પ્રેસ મીટ વખતે ‘હેનિકેન’ બ્રાન્ડની બિયર બોટલ ખસેડીને ટેબલ નીચે મૂકી દીધી! આને કારણે ‘હેનિકેન’ બિયરની માર્કેટમાં શું વધઘટ થઈ એ તાત્કાલિક જાણવા ન મળ્યું પણ એક વાત તો સમજાઈ કે રોનાલ્ડો જેવા મોટા માથાની થોડીક હરકત સુધ્ધાં આખી આર્થિક ગેમ અસ્તવ્યસ્ત જરૂર કરી શકે.

કોઈ પણ ચીજ-વસ્તુના પ્રસાર-પ્રચાર ને વેચાણ માટે ફિલ્મજગતથી લઈને રમતગમતના ફિલ્ડમાં નામી ચહેરા જોઈએ અને જાણીતાં નામ -ચહેરા માટે તગડું નગદ-રોકાણ પણ એટલું જ જરૂરી. પોતાના ક્ષેત્રમાં આવી કોઈ લોકપ્રિય વ્યક્તિ કોઈ પ્રોડકટનો પ્રચાર કરવા માટે કાં તો ‘બ્રાન્ડ ઍમ્બૅસેડર’ બને કે માત્ર ‘મૉડલ’. …મૉડલ નક્કી કરેલી જાહેરખબરોમાં જ દેખાય જયારે બ્રાન્ડ ઍમ્બૅસેડર ચોક્કસ સમયના ગાળા દરમિયાન પ્રોડક્ટસની જાહેરખબર કરે ઉપરાંત એને લગતી પ્રવૃત્તિમાં પણ ભાગ લે. મૉડલિંગનો ગાળો ટૂંકો હોય શકે પરંતુ બ્રાન્ડ ઍમ્બૅસેડર માટે સામાન્ય રીતે અઢીથી ત્રણ વર્ષનો કરાર હોય છે અને ક્યારેક એ તબક્કા વાર લંબાતો પણ રહે. આજની તારીખે આપણે ત્યાં આનાં જાણીતાં ઉદાહરણ છે મહેન્દ્ર સિંહ ધોની – સલમાન ખાન અને અક્ષયકુમાર .

જો કે સલમાન અને અક્ષયની સરખામણી કરો તો અક્ષય બ્રાન્ડસની દ્રષ્ટિએ ઘણો આગળ છે. અક્ષય પાસે આજે ૩૦થી વધુ જાણીતી બ્રાન્ડસ છે. ફિલ્મ બોક્સ ઑફિસ પર મોટાભાગે સફળ નીવડતો અક્ષય પ્રોડકટની જાહેરખબર માટે સુપરહિટ બ્રાન્ડ ઍમ્બૅસેડર – મૉડલ ગણાય છે. એ રોજના રૂપિયા બે થી ત્રણ કરોડ ચાર્જ કરે છે અને છેલ્લા આંકડા મુજબ અક્ષયની આજે બ્રાન્ડ વેલ્યુ રૂપિયા ૭૫૦ કરોડની આસપાસ છે! નામાંકિત બ્રાન્ડસ માટે કામ કરતા પાક્કા વાણિયા જેવા અક્ષયની ખાસિયત એ છે કે એને યુવાનોની નવી નવી ‘સ્ટાર્ટઅપ’ કંપનીઓ તરફ કૂણી લાગણી છે એટલે પોતાના રાબેતા મુજબના ચાર્જ ઓછા કરીને પણ એમને એવું તગડું પ્રોત્સાહન આપે છે કે એ નવયુવાનોની કંપનીઓ માર્કેટમાં ઊંચકાઈ જાય છે અને એટલે અક્ષયકુમાર માર્કેટમાં ખાસ્સો લોકપ્રિય પણ છે…

બીજી તરફ, વિદેશની જેમ આપણે ત્યાં પણ સેલિબ્રિટિઝ -ખ્યાતનામ વ્યક્તિઓ વચ્ચે એકબીજાની બ્રાન્ડસ હાંસલ કરવાની સ્પર્ધા -હુંસાતુંસી ચાલતી રહે છે. હકીકતમાં તો મોટી કંપનીઓ જ પ્રતિસ્પર્ધીના મૉડલ કે બ્રાન્ડ ઍમ્બૅસેડરને પડાવી લેવાની પેરવી કરે છે. ઉદાહરણ તરીકે, ‘પેપ્સી કોલા’ના બ્રાન્ડ ઍમ્બૅસેડર અભિનેતા રણબીર ક્પૂરને ફિલ્મ ‘સંજુ’ની અપૂર્વ સફળતા પછી ‘કોકા-કોલા’એ પોતાની છાવણીમાં ત્રણ વર્ષ માટે ખેંચી લીધો હતો. આજે વર્ષે બ્રાન્ડ દીઠ રૂપિયા આઠેક કરોડ ચાર્જ કરતા રણબીરની અત્યારે બ્રાન્ડ વેલ્યુ રૂપિયા ૧૫૦ કરોડ ગણાય.

વર્ષો પહેલાં સચીન તેંદુલકર પણ ‘પેપ્સી કોલા’નો બ્રાન્ડ ઍમ્બૅસેડર રહ્યો પછી પાટલી બદલીને ‘કોકા-કોલા’ સાથે સંકળાયેલો. આમ દેશ હોય કે વિદેશ, માત્ર ઠંડાં પીણાં જ નહીં, રીસ્ટ વૉચ- કાંડા ઘડિયાળની વિખ્યાત કંપનીઓમાં પણ વાર – તહેવારે આવી આવનજાવન ચાલતી જ રહે છે.

અગાઉ વર્ષો પહેલાં ‘કોકા-કોલા’ માટે મૉડલ રહી ચૂકેલા રોનાલ્ડોએ હમણાં જે રીતે એ પીણાંની બોટલ ખસેડી નાખી એમાં એણે કોઈ જ કરારભંગ નથી કર્યો પણ હા, એક યા બીજી રીતે કે જાણતા-અજાણતા આ પ્રકારની ચેષ્ટા થતી રહે છે. આપણી હિન્દી ફિલ્મઉદ્યોગની એક ટોચની હીરોઈન જાણીતી આંતરરાષ્ટ્રીય રિસ્ટવોચની બ્રાન્ડ ઍમ્બૅસેડર હતી. જાહેરમાં એણે આ જ બ્રાન્ડની ઘડિયાળ પહેરવી એવો કરાર હતો પરંતુ ફંકશન -પાર્ટીઓમાં એ મોટેભાગે પોતાની પસંદગીની જ વોચ પહેરતી જે યોગાનુયોગ પ્રતિસ્પર્ધી કંપનીની વોચ હતી.

આ વાતનું ધ્યાન દોરવામાં આવ્યું પણ પેલી સ્ટારે વાત ગંભીરતાથી લીધી નહીં પરિણામે મૂળ વોચ કંપનીએ કરાર અધવચ્ચેથી ટૂંકાવી દીધો.… આમ તો આપણે ત્યાં આવી ઘટના ખાસ બનતી નથી પણ વિદેશોમાં તો જાણીતી હસ્તીઓને કોન્ટ્રાકટમાંથી તગેડી મૂકવાના અનેક દાખલા છે… જો કે આ બધા ધંધા- વ્યવસાયની વાત વચ્ચે એક ઘટના જાણવા જેવી છે. થોડાં વર્ષ પહેલાં અમિતાભ બચ્ચન ‘પેપ્સી કોલા’ના બ્રાન્ડ એમ્બૅસેડર હતા ત્યારે જ્યપુર એક સ્કૂલના સમારંભમાં ગયા હતા. ત્યાં બાળકોને મળતી વખતે એક નાની બાળાએ એમને પૂછ્યું : ‘અંકલ, અમારા ટીચર અમને વારંવાર ખીજાય છે કે કોલ્ડ ડ્રિન્ક નહીં પીવું જોઈએ. એ ઝેર જેવું ખરાબ છે તો પછી તમે ટીવીમાં એની જાહેરખબર કેમ કરો છો?’ બસ, એ જ દિવસે અમિતાભે ‘પેપ્સી’નો ઍડ – કોન્ટ્રાકટ સામેથી રદ કરી નાખ્યો! હવે અંતે આપણે વાતની શરૂઆત કરી હતી એ રોનાલ્ડોની ઘટના પર પાછા ફરીએ.

પ્રેસ મીટમાં પેલી કોકની બે બોટલ રોનાલ્ડોએ કેમેરા ફ્રેમથી દૂર કરી એમાં કોકના માર્કેટ વેલ્યુમાં જબરો કડાકો બોલી ગયો. આ ઘટના પાછળ રોનાલ્ડોનો શું ઈરાદો હતો એ આપણે જાણતા નથી પણ ક્યારેક અજાણતા બોલી જવાતા શબ્દો પણ ન ધારેલી અસર સર્જે છે. થોડા મહિના પહેલાં ‘વ્હોટ્સ એપે’ પોતાની નવી નીતિ જાહેર કરી પછી અસંખ્ય લોકો અવઢવમાં મુકાઈ ગયા. એ વખતે ડોલરમાં અબજોપતિ એવા એલન મસ્કે માત્ર એટલું જ ટ્વીટ કરેલું : ‘યુઝ સિગ્નલ’. આવું એણે શા માટે લખ્યું એ રામ જાણે પણ એના ૧૫ લાખ ચાહકો ‘વ્હોટ્સ એપ’ છોડીને ‘સિગ્નલ’માં જોડાઈ ગયા!એટલુ઼ં જ નહીં,‘સિગ્નલ એડવાન્સ’ નામની એક મામૂલી કંપનીના આડેધડ શૅર ખરીદવા માંડયાં એમાં એ સાવ અજાણી કંપનીની માર્કેટ વેલ્યુ પંચાવન મિલિયનમાંથી છ બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ…. આપણે ત્યાં વચ્ચે કોવિડને કારણે ઑક્સિજનની ભારે અછત સર્જાઈ ત્યારે માત્ર ‘ઑક્સિજન’ નામ ધરાવતી દસેક કંપનીના શૅરોમાં ગજબનો ઉછાળો આવી ગયો હતો…! આને કહેવાય : ‘વા વાયુ ને નળિયું ખસ્યું…!’

Most Popular

To Top