Business

મેગ્નેટમેન!!

થોડા દિવસ પહેલાં નાસિકના એક ચાચાનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં ચાચા કપડાં કાઢીને ઊભાં હતાં. પોતાના અર્ધનગ્ન શરીર સાથે ધાતુની વસ્તુઓ ચીપકાવી હતી. ખાસ કરીને ચમચીઓ, સિક્કા વગેરે વગેરે! વીડિયોમાં દેખાતાં ચાચાનું નામ હતું અરવિંદ સોનાર. આ ચાચાનો દાવો હતો કે, કોરોનાની વેક્સિન લગાવ્યાં પછી તેમનાં શરીરમાં ચુંબકીય શક્તિ ઉત્પન્ન થવા લાગી છે! આ દાવા સાથે સોશ્યલ મીડિયામાં નાસિકના આ ચાચાના અનેક વીડિયો વાયરલ થવા લાગ્યાં હતાં! હદ તો ત્યારે થઈ કે, જોતજોતાંમાં ચાચા ન્યૂઝ ચેનલના હીરો બની ગયાં હતાં!

 જો કે, એક વાર આ વીડિયો જોયાં પછી કોઈપણ વ્યક્તિ ચાચાની વાત સાચી માની લે એમાં કોઈ શંકા નથી, પણ મિત્રો આમિર ખાનની પેલી ફિલ્મ‘તારે જમીં પે’માં ઈશાન નંદકિશોર અવસ્થીએ કહ્યું હતું – જો દિખતા હૈ, હમકો લગતાં હૈ, હૈ. ઔર જો નહીં દિખતાં, હમકો લગતાં હૈ નહીં હૈ. લેકિન કભી કભી જો દિખતાં હૈ, વોહ નહીં હોતા ઔર જો નહીં દિખતા હૈ, વોહ હોતા હૈ.

હવે સીધા પોઇન્ટ પર આવીને વાત કરીએ તો – કોરોનાની વેક્સિન આવી એનાં વર્ષો પહેલાં પણ વિશ્વમાં અનેક ઠેકાણે લોકોના શરીરમાં ધાતુની વસ્તુઓ ચીપકી જતી હોવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યાં છે. શરૂઆતમાં આ બાબતને બાયો મેગ્નેટિઝમ એટલે કે, જૈવિક ચુંબકીય તત્ત્વ એવું નામ આપવામાં આવ્યું હતું. અલબત્ત, ચુંબકીય શક્તિને લઈને આપણી પાસે જે વૈજ્ઞાનિક સમજણ છે તેનાંથી બાયો મેગ્નેટિઝમને સમજી નહીં શકાય. તો પછી આપણને સવાલ થશે કે, આ ચીજવસ્તુઓ લોકોના શરીર સાથે કેમ ચીપકે છે? શું આ કોઈ દિમાગનો ખેલ છે? કોઈ ચમત્કાર છે? શું વેક્સિનથી આવું થઈ રહ્યું છે? આજે આપણે આ મેગ્નેટમેન વિશે પહેલાં કિસ્સાઓથી સમજીએ પછી તેની પાછળના વિજ્ઞાનની વાત કરીએ.

વર્ષ ૧૯૬૩. માર્વેલ કોમિક્સની એક્સ મેન સીરિઝમાં એક કેરેક્ટર હતું – નામ હતું ‘મેગ્નિટો’. કહાની મુજબ, મેગ્નિટો અસાધારાણ શક્તિઓ સાથે જન્મ્યો હતો. તે પોતાની આસપાસના ચુંબકીય વિસ્તારનો કંટ્રોલ કરી શકતો હતો. કોઈપણ ધાતુની વસ્તુને મેગ્નિટો પોતાના ઈશારે નચાવી શકતો હતો. પછી માર્વેલે એક્સ મેન સીરિઝ પર ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ હિટ થઈ હતી અને મેગ્નિટોનું આ કેરેક્ટર લોકોમાં પ્રખ્યાત થઈ ગયું હતું. હજી આગળ પણ તમને થોડી આવી વાતો સમજાવીએ.

વર્ષ હતું ૧૯૮૭નું. રશિયાના એક સામાન્ય મજદૂરના આખા પરિવારનાં સભ્યોના શરીર પર આવી રીતે ધાતુની બનેલી વસ્તુઓ ચીપકવા લાગી હતી. ચેર્નોબિલ હાદસા પછીનું આ વર્ષ હતું. આ પરિવારનો સૌથી વૃદ્ધ સભ્ય પોતાના શરીર સાથે ૨૩ કિલોની ભારી વસ્તુ પણ ચીપકાવી શકવા સમર્થ હતો! લોકો હેરાન હતાં! કોઈને કંઈ સમજમાં આવતું ન હતું. આવો વિશ્વના આ પહેલો કિસ્સો હતો. એ પછી મેગ્નેટમેનનો રાફડો ફાટી નીકળ્યો હતો. વર્ષ ૨૦૧૧માં સર્બિયાના બાળકોએ આવા કારનામા દેખાડ્યાં હતાં. વર્ષ ૨૦૧૨માં મલેશિયા, રોમાનિયા, જ્યોર્જિયા વગેરે સ્થળો પર આવાં કિસ્સાઓ પ્રકાશમાં આવવા માંડ્યાં હતાં. ભારતમાં પણ શરીરમાં ચુંબકીય શક્તિ દેખાડતાં લોકો ખબરોમાં છવાયેલાં જોવાં મળ્યાં હતાં. વર્ષ ૨૦૧૬માં મધ્યપ્રદેશના સાગરમાં અરૂણ રેકવાર નામના શકસનો મામલો સામે આવ્યો હતો. અરૂણના શરીર પર ચમચીઓ ચીપકવા માંડી હતી.

હવે આવીએ વિજ્ઞાન પર. ચુંબકનો ચુંબકીય વિસ્તાર હોય છે. દરેક ચુંબક પોતાની આસપાસ ચુંબકીય વિસ્તાર બનાવે છે. આ ચુંબકીય વિસ્તારને ઓળખવો મુશ્કેલ નથી. બસ, જરૂરત હોય છે એક કમ્પાસની. પૃથ્વી ખુદ એક સૌથી મોટું ચુંબક છે. એટલે કમ્પાસનો સોય હંમેશાં ઉત્તર દિશા તરફ ઈશારો કરે છે. બીજા કોઈ ચુંબકને કમ્પાસ નજીક લઈ જઈએ તો તેની સોય ડગમગવા માંડે છે. કારણ – આ બીજા ચુંબકનું ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર પર હાવી થઈ જાય છે.

તો હવે સવાલ થાય કે – શું માનવ શરીર પણ એક ચુંબકીય વિસ્તાર બનાવે છે? જવાબ છે – હાં. બિલકુલ બનાવી શકે છે. દરેક વ્યક્તિનું શરીર હળવું ચુંબકીય ક્ષેત્ર બનાવે જ છે. તેની પાછળ કારણ એ છે કે આપણાં શરીરમાં દોડતો કરન્ટ. હવે તમને થશે કે – આ કરન્ટ સાથે ચુંબકને શું લેવાદેવા છે? વેલ, વિદ્યુત કરન્ટથી ચુંબકીય ક્ષેત્ર બને છે, એવી શોધ કરનારા વૈજ્ઞાનિકનું નામ છે – ક્રિશ્ચિયન ઓસ્ર્ટેડ. વર્ષ ૧૮૨૦માં ઓસ્ર્ટેડે જોયું કે વીજળીના તાર પાસે લઈ જવાથી કમ્પાસની સોય હલવા લાગે છે. આ વીજના કરન્ટથી ચુંબક બનવાનું પહેલું સજ્જડ પ્રમાણ હતું.

વર્ષ ૧૮૩૧માં માઇકલ ફેરાડે વળી નવું શોધી કાઢ્યું! ફેરાડેનું કહેવું હતું કે, મેગ્નેટિક ફિલ્ડ બદલવાથી વીજકરન્ટ પેદા કરી શકાય છે. પંખો અને મોટર ઓસ્ર્ટેડના આપેલાં સિદ્ધાંતના આધારે ગોળ ફરે છે, જ્યારે જનરેટરથી વીજળી ઉત્પન્ન ફેરાડેના સિદ્ધાંતથી થાય છે. આ સિદ્ધાંતના દમ પર જનરેટર કામ કરે છે, પાવર પ્લાન્ટમાં વીજળી ઉત્પન્ન થાય છે. અને તેનાં કારણે જ આપણી ઉપર ફરતો પંખો ચાલે છે. પંખામાં વીજ કરન્ટ પહોંચતાની સાથે અંદરની કોયલ એક ચુંબકીય ક્ષેત્ર બની જાય છે. પંખાના અંદર લાગેલાં આ ચુંબક એકબીજાને ધકેલવા માંડે છે. એટલાં માટે તમે સ્વિચ ઓન કરો ત્યારે પંખો ફરવા લાગે છે.

અલબત્ત, કામની વાત એટલી જ છે કે, વિદ્યુત કરન્ટ એક ચુંબકીય ક્ષેત્રની રચના કરે છે. તો હવે સવાલ થાય કે – આપણાં શરીરમાં એવી કઈ વીજળી દોડી રહી છે? આપણું દિમાગ શરીરના વિવિધ હિસ્સાઓમાં ઇલેક્ટ્રીક સિગ્નલના આધારે વાતચીત કરતું રહે છે. આખા શરીરમાં દોડતાં આ ઇલેક્ટ્રીક કરન્ટ આપણી આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રચે છે. આ ચુંબકીય ક્ષેત્ર આમ તો ખુબ જ કમજોર હોય છે. એટલું કમજોર કે, આપણી આસપાસ કમ્પાસની સોય લઈ જવા છતાં તેને અસર થતી નથી, પણ હાં, ખાસ ઉપકરણોની મદદથી આ ચુંબકીય ક્ષેત્રને ઓળખી શકાય છે.

આ વાત થઈ સામાન્ય દરેક માણસની શરીરમાં દોડતાં કરન્ટ અને ચુંબકીય શક્તિની. હવે વાત કરીએ એ લોકોની જેનાં શરીરમાં ચમચીઓ, સિક્કાઓ ચોંટતા હોવાના દાવા કે છે, જેને આપણે મેગ્નેટમેન તરીકે ઓળખી રહ્યાં છીએ. જો ખરેખર આ લોકો અસામાન્ય ચુંબકીય ઊર્જા પેદા કરતાં હોય તો ખરેખર તેમનાં શરીરનું ચુંબકીય ક્ષેત્ર પાવરફુલ હોવું જોઈએ, પણ એવું હોતું નથી. આ દાવેદારોના શરીરની નજીક કમ્પાસ લઈ જવામાં આવે તો કમ્પાસની સોય કોઈ રિએક્શન આપતી નથી. મતલબ કે, આવાં લોકોની ચુંબકીય શક્તિ પૃથ્વીની ચુંબકીય શક્તિથી કમજોર હોય છે.

હવે અહીં સવાલ એ થાય છે કે, જો કમ્પાસની સોય આ મેગ્નેટમેનથી હલતી નથી તો સિક્કા અને ચમચીઓ શરીરમાં કઈ રીતે ચોંટે છે? જો મેગ્નેટિઝમનું વિજ્ઞાન આ બાબત સમજાવી ન શકતું હોય તો શું આ કોઈ જાદુ છે, ચમત્કાર છે? તો હવે આપણે આ મેગ્નેટમેનના દાવાઓનું પોસ્ટમોર્ટમ કરીએ. સમજો કે, આજે વેક્સિન લીધાં પછી એવાં દાવા થઈ રહ્યાં છે કે, શરીર સાથે ચમચી, સિક્કા ચોંટી રહ્યાં છે તો એ એક પ્રેંક જેવું છે. આ બધા દાવામાં એક નોટિસ કરવા જેવી સમાનતા છે. મોટાભાગના આ તથાકથિત મેગ્નેટમેનના શરીર સાથે ધાતુની વસ્તુઓની સાથે પ્લાસ્ટિક, ગ્લાસ અને લાકડાંની વસ્તુઓ પણ ચોંટી જાય છે.

જો આ મેગ્નેટિઝમ હોત તો આ વસ્તુઓ ક્યારેય ચીપકતે નહીં. તમે ક્યારેય કોઈ ચુંબક દ્વારા ગ્લાસને ખેંચાતો જોયો છે? વળી, તમે એ ન વિચાર્યું કે, જેટલાં મેગ્નેટમેન સામે આવ્યાં એ બધાં અર્ધનગ્ન કેમ હતાં? આ લોકોના શરીરના ખુલ્લાં હિસ્સામાં જ કેમ ચમચી અને સિક્કા ચીપકી રહ્યાં છે? જો ખરેખર વેક્સિન લીધાં પછી શરીરમાં મેગ્નેટ પેદા થતું હોય તો કપડાં પહેરેલી હાલતમાં પણ વસ્તુઓ શરીર સાથે ચોંટી જવી જોઈએ. આપણે પહેરીયે છીએ એ કપડાં ચુંબકીય ક્ષેત્રને અટકાવી નથી શકતાં.

હવે આ દાવાઓની ભીતર જવા માટે થોડાં આગળ વધીએ. અમુક કોમન બાબતો જાણીએ. આ દરેક તથાકથિત મેગ્નેટમેનની ત્વચા સામાન્ય માણસોથી વધારે ઇલાસ્ટિક અને ચીપચીપી હોય છે. આ લોકો શરીરના એ જ હિસ્સામાં વસ્તુઓ ચીપકાવે છે જ્યાં વાળ ઉગેલાં નથી હોતા. અને આ લોકો જે વસ્તુઓ ચીપકવા રહ્યાં છે તેની સપાટી વધારે સ્મૂધ હોય છે.

આ બધી બાબતો જે વ્યક્તિએ શોધી છે તેની નામ છે – જેમ્સ રેંડી. રેંડીએ સમજાવ્યું છે કે, આવાં લોકોની ત્વચાની એવી ખાસિયત હોય છે કે, વસ્તુઓ ત્વચા પર ચોંટી જાય છે. જ્યાં વાળ હોય એ જગ્યા પર વસ્તુઓ નથી ચીપકતી. બિલકુલ ક્લિન ત્વચા પર જ વસ્તુ ચીપકવી પોસિબલ છે. જેમ્સ રેંડીએ આ દાવાને સાબિત કરવા માટે ટીવી પર લાઇવ ડેમો આપ્યો હતો. કોરિયાના એક તથાકથિત મેગ્નેટમેન ખુલ્લી છાતી સાથે ભારે વસ્તુઓ ચીપકાવીને લોકોને આશ્ચર્યમાં મૂકી રહ્યો હતો. રેંડીએ આ મહાશયની છાતી પર થોડો બેબી પાઉડર ચોપડી દીધો હતો, જેથી તેની ત્વચા ઓછી ચીપચીપી બની ગઈ હતી. પરિણામે તેનાં શરીર સાથે સાધારણ વસ્તુઓ પણ ચીપકવાની બંધ થઈ ગઈ હતી. જો આ કોઈ ખરેખર ચુંબકીય ઊર્જા હોત તો સામાન્ય બેબી પાઉડરથી તેની શક્તિ ઓછી થઈ શકી ન હોત. મતલબ કે, અત્યાર સુધીના તમામ સબૂતો અને ગવાહોને મદ્દેનજર રાખ્યાં પછી આપણે એ ફેંસલા પર પહોંચ્યા છીએ કે, વેક્સિન લેવાથી કોઈ ચુંબકીય શક્તિ શરીરમાં ઉત્પન્ન થતી નથી. એવું કોઈ ચુંબક-બુંબક છે નહીં.

કોરોના સામેનો એક જ ઉપાય છે વેક્સિનેશન. મેગ્નેટમેનવાળો આ દાવો છેલ્લાં અનેક વર્ષોથી થઈ રહ્યો છે. આ વખતે તેને કોરોનાની વેક્સિન સાથે જોડી દેવામાં આવ્યો છે. એ તો ભલું થાય પેલાં જેમ્સ રેંડીભાઈનું કે તેઓએ અગાઉ જ આ દાવાને પોકળ સાબિત કરી દેખાડ્યો હતો, નહીં તો આ મહામારીમાં વેક્સિન લેતાં એક તો લોકોમાં ડર છે અને ઉપરથી સોશ્યલ મીડિયા જબરદસ્ત એક્ટિવ છે. માંડ હિમ્મત કરીને વેક્સિન લેવાં જતાં લોકોનો વિશ્વાસ ડગમગી જાત. અલબત્ત, આજે આ લેખનો હેતુ એટલો જ છે કે, વેક્સિનથી કોઈ ચુંબક-બુંબક શરીરમાં પેદા થતું નથી. કોરોના સામે જીતવું હશે તો વેક્સિન એક જ સૌથી મોટો ઈલાજ છે. તમે વેક્સિન લીધી કે નહીં? ન લીધી હોય તો તાત્કાલિક પહોંચી જજો નજીકના કેન્દ્ર પર.

Most Popular

To Top