Vadodara

L&T સર્કલ પાસે અર્થ યુફોરિયામાં ફાટેલી જાળીના કારણે શ્રમિકે જીવ ગુમાવવો પડ્યો

વડોદરા: શહેરના કારેલીબાગ વિસ્તારમાં એલ એન્ડ ટી સર્કલ પાસે નિર્માણ પામી રહેલી મસમોટી કન્સ્ટ્રક્શન અર્થ યુફોરિયા સાઇટના સાતમા માળ પરથી નીચ પટકાતા કરૂણ મોત નિપજ્યું હતું. ત્યારે આ સાઇટ પર શ્રમિકોની સુરક્ષાના નામે મીંડુ તથા બિલ્ડર, કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી હતી. જાળી ફાટેલી હોવાના કારણે શ્રમિક નીચે પટકાયો હતો. હરણી પોલીસે હાલમાં એક્સિડેન્ટલ ડેથ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં એલ એન્ડ ટી સર્કલ પાસે મોટા માથાની નિર્માણાધીન અર્થ યુફોરિયા નામની સાઇટમાં બાંધકામની કામગીરી ચાલી રહી છે. જેમાં 100 જેટલા શ્રમિકો કામ કરવા માટે પ્રતિદિન આવતા હોય છે. રવિવારે બિલ્ડિંગના સાતમા માળ પર કામ કરતા શ્રમિક મોહંમ્મદ અફઝલ મોહમ્મદ મજાહિર શેખ સાતમા માળે કામ કરી રહ્તાયા હતા. સાડા ચાર વાગ્યના અરસામાં તમામ અન્ય શ્રમિકો સાથે ચા-નાસ્તો કરીને ફરી તેઓ કામગીરી પર કરી રહ્યા હતા.

તે દરમિયાન અંદાજે સાંજે પાંચ વાગ્યાના અરસામાં તેઓ અચાનક સાતમા માળ પરથી ચોથા માળે લગાવેલી જાળીમાં પડ્યા હતા પરંતુ જાળી ફાટેલી હોવાના કારણે ત્યાંથી તેઓ જમીન પર ધડાકાભેર પટકાયા હતા. શ્રમિક પડ્યો હોવાની જાણ થતા જ તમામ શ્રમિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બુમાબુમ કરી મુકી હતી. તેવામાં ઇજાગ્રસ્ત શ્રમિક મોહંમ્મદ અફઝલ મોહમ્મદ મજાહિર શેખને જમીન પર પટકાતા તેને એસએસજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં ફરજ પરના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. જેથી હરણી પોલીસે ઘટના સ્થળ પર પહોંચી પંચનામુ કરીને હાલમાં અકસ્માતે ગુનાની નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બિલ્ડિંગમાં લગાવેલી જાળીઓ તકલાદી ઘણી જગ્યાએ જાળી કાણા પડી જતા ફાટી ગઇ
અર્થ યુફોરિયા નામની સાઇટ પર મસમોટી બિલ્ડિંગો બનાવવામાં આવી રહી છે જેમાં કેટલાક બિલ્ડિંગ પર જાળીઓ મારેલી છે જેના કારણે કોઇ શ્રમિક કદાચ નીચે પડે તો જમીન પર પટકાય નહી અને ત્યાં લટકી જાય. પરંતુ શ્રમિક સાતમા માળેથી પડ્યો હતો ત્યાં પણ જાળી લગાવેલી હતી પરંતુ ઘણી જગ્યાએથી ફાટેલી હોય કાણા પડી ગયા હતા જેના કારણે શ્રમિક ચોથા માળ પરથી નીચે પટકાયો હતો. જેમાં તેનું મોત નિપજ્યું હતું.

સેફ્ટી બેલ્ટ બાંધી શ્રમિક કામ કરતો હોત તો આજે જીવતો હોત
બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોને માત્ર મસમોટી સાઇટોનું બાંધકામ કરીને નફો રડી લેવામાં રસ હોય છે. પરંતુ આ તેમની મોટીમોટી ઇમારતો બનાવનાર શ્રમિકોની સુરક્ષાનું કોઇ ધ્યાન આપવામાં આવતું નથી. તેમના કોન્ટ્રાક્ટર સુપરવાઇઝરો અને બિલ્ડરો ઓફિસમાંથી બહાર નીકળતા સુદ્ધા નથી. જો મૃતક મોહંમ્મદ અફઝલ મોહમ્મદ મજાહિર શેખ સેફ્ટી બેલ્ટ બાંધ્યા વિના કામ કરતો હતો જો કોન્ટ્રાક્ટર તથા સુપરવાઇઝરે તેને સેફ્ટી બેલ્ટ વગર કામ કરતા રોક્યો હોત કદાચ આચે યુવક જીવતો હોત.શુ કામ ચાલી રહ્યું તેને કોઇ જોવા સુદ્ધા આવતું નથી.

સાઇટ પર 100 શ્રમિકો કામ કરતા હતા પરંતુ સુવિધાનો અભાવ
નવી બની રહેલી કન્સ્ટ્રક્શનની સાઇટો પર શ્રમિકો પાસેથી કામગીરી તો કરાવાતી હોય છે પરંતુ શ્રમિકોને પોતાના જીવના જોખમે કામ કરવા હોવા છતાં સુવિધા આપવામાં આવતી નથી. એલ એન્ડ ટી સર્કલ પાસેની મસમોટી સાઇટ પર પ્રતિદીન 100 જેટલા મજૂરો કામ કરતા હોય છે. પરંતુ શ્રમિકોની સુરક્ષાના નામે મીંડુ હોવાનું સ્પષ્ટ જણાઇ રહ્યું છે. બિલ્ડર ઉપરાત કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે એક પરિવારના કમાતા યુવકનું મોત નિપજ્યું હતું. જેથી ત્યારે કોન્ટ્રાક્ટર તથા બિલ્ડર સામે ભરાશે કે પછી ભીન સંકેલી લેવાશે તે જોવુ રહ્યું.

સાઇટ પર કામ કરતા 100 શ્રમિકોના વીમા ઉતાર્યા જાણવા મળ્યું
સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ અર્થ યુફોરિયા નામની સાઇટ પર આવતા 100 જેટલા શ્રમિકો પ્રતિદિન કામ કરવા માટે આવતા હતા. જેથી કોન્ટ્રાક્ટર દ્વારા તમામ શ્રમિકોનો વીમા ઉતારેલા છે.ત્યારે હરણી પોલીસ દ્વારા સાઇટના કર્તાઓને તમામ પુરાવાઓ સાથે પોલીસ સ્ટેશન બોલાવાયા છે.

શ્રમિકના મૃતદેહને અંતિમક્રિયા માટે બિહાર લઇ જવાયો
મતક મોહંમ્મદ અફઝલ મોહમ્મદ મજાહિર મૃતક મૂળ બિહારનો વતની છે. છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરમાં રહીને બાંધકામનું કામ કરતો હતો. સયાજી હોસ્પિટલમાં શ્રમિકના તેના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ થઇ જતા પરિવારના સભ્યો તથા સગાસંબંધીઓ મૃતદેહની અંતિમ વિધિ કરવા માટે પોતના વતન લઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top