Dakshin Gujarat

રાજપીપળા કોવિડ હોસ્પીટલમાં કોરોનાની સારવાર માટે બેડ વધારવાની કામગીરી માત્ર કાગળ પર

રાજપીપળા: નર્મદા જિલ્લામાં કોરોના ( corona) ની સ્થિતિ દિવસે દિવસે વિકટ બનતી જાય છે.કોરોનાના કેસો વધતા હાલમાં ફરી વાર રાજપીપળા કોવિડ હોસ્પિટલ ( covid hospital) ના ઓક્સિજન ( oxygen) અને વેન્ટિલેટરની સુવિધા વાળા તમામ બેડ ફૂલ થઈ ગયા છે.જેથી ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓએ ફરી વાર જિલ્લાની બહાર સારવાર લેવા જવાનો વારો આવ્યો છે.જે જિલ્લો વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હોવાનું ગૌરવ લઈ રહ્યો છે એ જ જિલ્લાના લોકોએ કોરોનાની સારવાર લેવા જો બહાર જવું પડે એનાથી શરમજનક બાબત બીજી કોઈ ન કહી શકાય.

મોટા ઉપાડે નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એસ.જે.હૈદર અને પ્રભારી મંત્રી બચુ ખાબડે જિલ્લાની સ્થિતિ બાબતે કલેકટર સાથે બેઠક કરી હતી, અને કોરોના દર્દીઓને અગવડ ન પડે અન્ય શહેરોમાં સારવાર માટે જવું ન પડે એ માટે રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવા માટે નિર્ણય કર્યો હતો એ વાતને પણ ઘણો સમય થયો છતાં બેડ વધારવાની કામગીરી આગળ વધી જ નથી. રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં RT-PCR લેબોરેટરી ચાલુ કરવા માટે જરૂરી મશીનરીઓ પણ આવીને પડી રહી છે, પરંતુ એ લેબોરેટરી ચાલુ કરવામાં પણ કોઈને રસ લાગતો નથી.રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 2 જી એપ્રિલ 2021 થી 2જી મેં 2021 સુધી 124 કોરોના દર્દીઓના મૃત્યુ થયા છે તે છતાં તંત્રના ચોપડે હજુ 3 મોત દર્શવાય છે. હાલ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના વધતા કેસોને છુપાવવા માટે જ ‘મારું ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાનનો તાયફો ઉભો કરાયો હોવો જોઈએ.

નર્મદા જિલ્લાની 4 CHCમાંઓક્સિજનની સુવિધા વાળા બેડ ઉપલબ્ધ કરાશે: ડો.આર.એસ.કશ્યપ
નર્મદા જિલ્લા એપેડેમીક મેડિકલ ઓફિસર ડો.આર.એસ.કશ્યપે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના લોકોને કોરોનાની સારવાર માટે રાજપીપળા સુધી ન આવવું પડે એ માટે ડેડીયાપાડા, સાગબારા, તિલકવાડા અને ગરુડેશ્વર CHC ખાતે ઓક્સિજનની સુવિધા વાળા બેડની કામગીરી આગામી 3-4 દિવસમાં પુરી થઈ જશે. એક CHCમાં 10 મહિલા અને 10 પુરુષ મળી કુલ 20 ઓક્સિજનની સુવિધા વાળા બેડ એમ કુલ 4 CHC માં 80 બેડ ઉપલબ્ધ કરાશે.

રાજપીપળાના સ્મશાનમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે 1500 મણ લાકડા દાનમાં મળ્યા

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીઓના અંતિમ સંસ્કાર માટે 1500 મણ લાકડા રાજપીપળા વનવિભાગ અને સ્થાનિક ખેડૂતોએ દાનમાં આપી કોરોના કાળમાં માનવતા મેહકાવી છે. એક બાજુ કોરોનાના કેસો વધી રહ્યાં છે તો બીજી બાજુ મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે અત્યાર સુધી 2500 મણ જલાઉ લાકડાઓનો ઉપયોગ થઈ ચૂક્યો છે.રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામનારા દર્દીઓની અંતિમક્રિયા રાજપીપળા વૈષ્ણવ વણિક સમાજના 5 સેવા ભાવી યુવાનો ગુંજન મલાવીયા, અજિત પરીખ, ઉરેશ પરીખ, કેયુર ગાંધી, કૌશલ કાપડિયા, તેજસ ગાંધી છેલ્લા 1 વર્ષથી નિભાવી રહ્યાં છે. રાજપીપળા સ્માશન ગૃહમાં છેલ્લા એક મહિનાથી સરેરાશ રોજના 5 થી 7 કોરોનાના દર્દીઓની સાથે અન્ય મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે .રાજપીપળા સ્માશન ગૃહમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે રાહ ન જોવી પડે એ માટે આવનારા સમયમાં વહીવટકર્તાઓની ગેસ ચેમ્બર બેસાડવાની પણ યોજના છે, જો કે એ માટે લાખો સ્થાનિકો સહયોગ આપે એ જરૂરી બન્યું છે. અહીં ઉદાર હાથે ફાળો આપવા અનેક સેવાભાવી સંસ્થાઓ મદદે આવી છે

Most Popular

To Top