Charchapatra

મહિલાઓએ વોર્ડ 14ની કચેરી પર અધિકારીનો ઉધડો લીધો

વડોદરા : વડોદરામાં દૂષિત પાણી અને ઉભરાતી ગટરોની સમસ્યા યથાવત જોવા મળી રહી છે.પાલિકાની વડી કચેરી ખાતે અનેક રજૂઆતો છતાં પણ સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવતા નગરજનો પારાવાર હાલાકી વેઠવા મજબુર બન્યા છે.ત્યારે શહેરના વહીવટી વોર્ડ નં 14ની કચેરી ખાતે મોગલવાડા વિસ્તારની મહિલાઓએ ઉભરાતી ગટરોની સમસ્યા મુદ્દે હલ્લો મચાવી ઉગ્ર રજુઆત કરી હતી.

ચોમાસાના પ્રારંભે પડેલા વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની ઘટનાઓ સામાન્ય બની છે ત્યારે મોગલવાડા મસ્જિદ સામે બુરહાની એપાર્ટમેન્ટ નજીક છેલ્લા કેટલાય દિવસોથી ઉભરાઈ રહેલી ગટરો અને વરસાદી પાણી ભરાઈ રહ્યા છે.જેથી દુર્ગંધ યુક્ત પાણી વાળા વિસ્તારમાંથી પસાર થવું રાહદારીઓ માટે મુશ્કેલ બન્યું છે.પાલિકા સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં વરસાદી ગટરની વ્યવસ્થિત સફાઈ થતી નથી.

પરિણામે સામાજિક કાર્યકર ફરઝાનાબેનની આગેવાની હેઠળ મહિલાઓનો મોરચો વોર્ડ નંબર 14ની ઓફિસે સવારે પહોંચ્યો હતો.જ્યાં રજૂઆત બાદ આગામી બે દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો બકરી ઈદ અગાઉ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરાશે.સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે મોગલવાડા વિસ્તારમાં ગટરની અને પાણીની ખૂબ જ મોટી સમસ્યા છે.ગટર અને પાણીની લાઈન ચોકઅપ થઈ ગઈ છે.છેલ્લા 15 દિવસથી ગટરોના દૂષિત પાણી ફરી વળ્યા છે. નાના નાના બાળકો ગંદા પાણીમાંથી જ શાળાએ જવા આવવા મજબૂર બન્યા છે.

વરસાદ કરતા પણ વધારે દૂષિત પાણી ભરાયેલા રહે છે.અમે વિસ્તારના કોર્પોરેટરોને તેમજ ઓનલાઈન અને વોર્ડ કચેરીમાં પણ અનેક વખત રજૂઆતો કરી છે.પણ આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવતા આજે અમે વોર્ડ કચેરી ખાતે આવ્યા છે અને રજુઆત કરતા અધિકારીએ જણાવ્યું છે કે વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવી જશે.પરંતુ જો આ સમસ્યાનું નિવેડો નહીં આવે તો અમે આંદોલન કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

Most Popular

To Top