આણંદ : ખંભાતના વાડાપોળ ખાતે રહેતા યુવકના લગ્ન માતર ગામની યુવતી સાથે થયાં હતાં. જોકે, લગ્નના પાંચ મહિના બાદ સાસરિયાએ તેને ઘરમાંથી કાઢી મુકી હતી. બાદમાં સમાધાન કરી પરત લાવ્યાં હતાં. પરંતુ પ્રસંગના પગલે પિયર ગયેલી પરિણીતાને પરત ઘરમાં ન આવવા પતિ તથા સાસુ – સસરાએ ધમકાવી હતી. આ અંગે પરિણીતાએ ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધ્યો હતો. ખંભાતના વાડાપોળ ખાતે રહેતાં જીતેન્દ્ર મણીભાઈ વાઘેલાના લગ્ન માતર ખાતે રહેતા ભાવનાબહેન સાથે 2016ની સાલમાં થયાં હતાં. લગ્નના થોડા દિવસોમાં જ ભાવનાબહેનના પિતા ભાનુભાઈ કાંતિભાઈ પરમારનું અવસાન થયું હતું.
આથી, ભાવનાબહેન ધાર્મિક વિધિ માટે પંદરેક દિવસ પિયરમાં રોકાયા હતાં. બાદમાં તેઓ સાસરી ખંભાતમાં જતાં પતિ જીતેન્દ્ર સહિત સાસરિયાનું વર્તન બદલાઇ ગયું હતું અને ઘરના કામકાજ બાબતે મ્હેમાં ટોણાં મારી ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. લગ્નના માત્ર પાંચ જ મહિના બાદ ભાવનાબહેનને ઘરમાંથી બહાર કાઢી મુક્યાં હતાં અને તુ તારા પિયરમાં જતી રહે. તેમ કહી દીધું હતુ. આથી, તેઓ પિયર માતર ખાતે આવીને રહેતાં હતાં. આ બાબતે તેઓએ લગ્ન કરાવનારા ભીખાભાઈ ચૌહાણ (રહે. લીંબાસી)ને ફરિયાદ કરતાં તેઓએ સમાધાન કરાવવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ જીતેન્દ્ર વાઘેલા તેડવા માટે આવ્યો નહતો. બીજી તરફ ભાવનાબહેન દ્વારા 2018માં માતર કોર્ટમાં ખાધા ખોરાકીનો કેસ કર્યો હતો. જે હાલ કોર્ટમાં ચાલુ છે.
આખરે સાસરિયાઓએ 12મી જુલાઇ, 2021ના રોજ ભાવનાબહેન સાથે સમાધાન કરી પરત ખંભાત તેડી લાવ્યાં હતાં. દરમિયાનમાં ભાવનાબહેનની પિતરાઇ બહેન આરતીબહેન પરમારના ફુલહાર 8મી ઓક્ટોબર,21ના રોજ ગયાં હતાં. જ્યાં મોડું થતાં રાત્રિ રોકાણ પિયરમાં જ કર્યું હતું. આ બાબતે ભાવનાબહેને પતિ જીતેન્દ્રભાઈને ફોન પર જાણ કરતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને તારે મારા ઘરે આવવાનું નહીં તેમ કહી ફોન મુકી દીધો હતો. આમ છતાં બીજા દિવસે ભાવનાબહેન તેના ભાઈ સાથે ખંભાત આવ્યાં હતાં. પરંતુ ઘરને તાળું હતું. આથી, ફોન કરતાં ફરી ધમકાવ્યાં હતાં. આ અંગે ભાવનાબહેને ખંભાત શહેર પોલીસ મથકે પતિ જીતેન્દ્ર, સાસુ સવિતાબહેન ને સસરા મણીભાઈ વાઘેલા સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.